કેન્યામાં કીબેત્ઝી ગામમાં મહેશભાઈનો જન્મ થયો હતો. ૧૦ ભાઈ-બહેનો સહિત તેમનો ઘણો જ બહોળો પરિવાર. ત્યારબાદ પારેખ પરિવાર મોમ્બાસા સ્થાયી થયો. મહેશભાઇનો શૈશવકાળ ઘણો જ વિટંબણાઓથી ઘેરાયેલો હતો જેથી તેમના સ્વાસ્થ્યને ઘણી જ અસર થઈ હતી. પરિણામે અંતિમક્ષણ સુધી શારીરિક સમસ્યાઓને કારણે નબળું સ્વાસ્થ્ય હોવા છતાં તેઓ પોતાના પગ પર ઊભા રહીને સારી નોકરીઓ મેળવી અને તેમાં પણ ઉચ્ચ પદવી પામ્યા હતા.
જૂન ૧૯૬૩માં તેઓ ભારત (મુંબઈ) આવ્યા. મુંબઈ સ્થિત દેવીબેન શેઠ સાથે તેમના લગ્ન થયા. અને મોમ્બાસા પાછા આવ્યા. તેઓ બ્રિટીશ પેટ્રોલિયમમાં નોકરી કરતા હતા. ૧૯૬૪માં તે ઓફીસ બંધ થતા તેઓ લંડન ૧૯૬૪ના અંતમાં આવ્યા સારી કંપનીઓમાં નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ સંભાળી. તેમના હાથ નીચેના કાર્યકરો સાથે ખૂબ જ ઉદાર દિલથી સમસ્યાઓનું સમાધાન કરતા. તેઓ નિખાલસ, શાંત, મિતભાષી હતા. મહેશભાઇ ખૂબ જ દરિયાઇ દિલના હતા. તેમના નિવાસસ્થાનેથી કદી કોઈપણ ભૂખ્યા પેટે ગયું નથી અને કદી પણ ખોટા વાયદા કરીને કોઈના દિલને ઠેસ પહોંચાડી નથી.
કોઈનું ઘર બચાવવા, દાગીના વેચતા બચાવવા અને વિદ્યાદાન અને અન્નદાન શક્તિ ન હોવા છતાં ઉધાર કરીને પણ મદદ કરી છે. તેમાં એકવાર પોતે સ્વયં તકલીફમાં પણ આવી પડેલ. તેમના પત્ની દેવીબહેન પારેખ અને બે પુત્રો, અનુક્રમે અમીત પારેખ અહીં લંડનમાં છે અને નાનો પુત્ર સંદીપ પારેખ ડોમીનિકન રીપબ્લિકમાં સ્થાયી છે. સંદીપ છેલ્લા ૧૦ મહિનામાં બે વાર લંડન આવીને સારો એવો સમય પપ્પા સાથે વિતાવી સેવા કરી પણ અત્યારના કોરોના મહામારીના સંજોગોમાં આવી શકાય તેમ નથી. જેથી પિતાની અંતિમ યાત્રામાં તેઓ ઉપસ્થિત થઇ શકશે નહિ. મહેશભાઇની એમના ઘરે સારવાર કરતી નર્સ-કેરર પડખુ ફેરવી ચાદર બદલતી હતી એ ઘડીએ એમના પત્ની દેવીબહેન પણ બાજુમાં જ બેઠાં હતા ત્યારે ખૂબ શાંતિપૂર્વક મહેશભાઇનો આત્મા નશ્વરદેહ છોડી અનંતની યાત્રાએ ચાલ્યો ગયો...
"કંઈ અમથું દ્વાર ખખડાવે નહીં,
કોક ભવની ઉઘરાણી હશે...
અહીં તો મૌન છે ત્યાં વાણી હશે..”