કોરોનાકાળમાં જરૂરતમંદોની મદદ કરીને મસીહા પુરવાર થયેલ અભિનેતા સોનુ સૂદ ઇન્કમટેક્સ વિભાગના સકંજામાં આવ્યો છે. આવકવેરા વિભાગે તેના નિવાસસ્થાન, ઓફિસ તેમજ તેની કંપનીઓ સાથે સંકળાયેલા ૨૮ સ્થળોએ પ્રોપર્ટી અને એકાઉન્ટ્સ અંગે તપાસ કરી હતી. જેમાં રૂ. ૨૦ કરોડની ટેક્સ ચોરી કરાયાનું જાણવા મળ્યું હોવાનો દાવો આવકવેરા વિભાગે કર્યો છે. આ ઉપરાંત ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)નો ભંગ થયાનું પણ ખૂલ્યું છે. ઇન્કમટેક્સ એક્ટ-૧૯૬૧ની કલમ ૧૩૩-એ અંતર્ગત આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આઈટી વિભાગ સોનુ સૂદના એકાઉન્ટ્સથી લઈને કમાણી અને ખર્ચના દસ્તાવેજો તપાસી રહી છે. આ સર્વેના તાર લખનઉના બિઝનેસમેન અનિલ સિંહ સાથે જોડાયેલા છે. તાજેતરમાં આઇટી વિભાગે અનિલ સિંહની ઓફિસે દરોડા પડ્યા હતા. બિઝનેસમાં સોનુ અને અનિલ ભાગીદાર હોવાનું કહેવાય છે અને તાજેતરમાં તેમની વચ્ચે થયેલા રિઅલ એસ્ટેટ સોદામાં કરચોરી થયાનું મનાય છે. મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ ખાતે સર્ચ ઓપરેશન કરાયું હતું. દરોડા દરમિયાન રૂ. ૧.૮ કરોડની બેનામી રોકડ ઝડપાઈ છે. આ ઉપરાંત ૧૧ લોકર્સ સીલ કરાયા છે. સૂદના ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ફોરેન ફંડનાં નિયમોનો ભંગ કરાયો હતો.
કુલ નેટવર્થ રૂ. ૧૩૦ કરોડ
સોનૂની વાત કરીએ તો રૂ. ૫૦૦ લઈને મુંબઈ આવેલો અને હાલમાં લગભગ રૂ. ૧૩૦ કરોડની સંપત્તિ ધરાવે છે. તે દરેક ફિલ્મ માટે રૂ. બે કરોડ ચાર્જ કરે છે અને હિન્દી ઉપરાંત તેલુગુ, તમિલ, કન્નડ અને પંજાબી ફિલ્મોમાં પણ કામ કરે છે. જોકે, બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ તેની મુખ્ય ઇન્કમ સોર્સ છે. સોનુ અત્યાર સુધીમાં ૭૦ ફિલ્મમાં કામ કર્યું છે. તેની દર મહિને સરેરાશ આવક
રૂ. એક કરોડ છે.

