તેલઅવિવ: ઇઝરાયેલમાં નેતન્યાહૂના ૧૨ વર્ષના શાસનનો અંત આવ્યો છે અને જમણેરી યામીના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા નફતાલી બેનેટ નવા વડા પ્રધાન બની ગયા છે, તેમ છતાં પેલેસ્ટાઇન સાથેની દુશ્મનીમાં કોઇ ફરક પડયો નથી. પાછલા મહિને ૧૧ દિવસ ચાલેલા યુદ્ધની સમાપ્તિ બાદ બુધવારે ઇઝરાયેલે ગાઝામાં ફરીથી હુમલો કર્યો છે, ઇઝરાયેલના વિમાનોએ ગાઝામાં હમાસના થાણાઓ પર બોંબમારો કર્યો હતો અને ઊંચી ઇમારતોમાંથી આગની જ્વાળાઓ દેખાતી હતી.
આ અગાઉ સેંકડો રાષ્ટ્રવાદીઓ પોતાની તાકાતનું પ્રદર્શન કરવા મંગળવારે પૂર્વીય જેરુસલેમમાં ઉમટયાં હતાં અને પરેડ કરી સૂત્રોચ્ચાર કર્યો હતો. અહેવાલોના જણાવ્યા અનુસાર હમાસ તરફથી આગ લગાવી શકે તેવા વિસ્ફોટકો ભરેલા ફુગ્ગા સાથે ઇઝરાયેલમાં હુમલો કરવામાં આવ્યો હતો તેના વળતા જવાબમાં ઇઝરાયેલના વિમાનોએ હમાસના થાણા પર બોંબ વરસાવ્યા હતા.
ફુગ્ગા બોંબથી દક્ષિણ ઇઝરાયેલમાં ઘણાસ્થળો પર આગ
વાસ્તવમાં ગાઝાપટ્ટીમાંથી અંતિમવાદી જૂથના સભ્યોએ હવાના પ્રવાહ સાથે ફુગ્ગા બોંબ ઉડાડયા હતા જેને પરિણામે મંગળવારે ગાઝાપટ્ટીની પાસે આવેલા દક્ષિણ ઇઝરાયેલમાં ઘણા સ્થળો પર આગ ફાટી નીકળી હતી અને તેને ઓલવવા માટે ફાયર બ્રિગેડે પણ સક્રિય થવું પડયું હતું. તે પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહીમાં ગાઝાપટ્ટી પર હવાઇ હુમલો કર્યો હતો.