ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં વધી રહેલી જાતીય હિંસા માટે ફરી એક વખત મહિલાઓને જવાબદાર ગણાવીને વડા પ્રધાન ઈમરાન ખાને નાલેશી વહોરી લીધી છે. ૨૦ જૂનના રોજ પ્રસારિત થયેલા એક ટીવી ઈન્ટરવ્યૂમાં ઈમરાન ખાને કહ્યું હતું, જો મહિલાઓ સાવ ટૂંકાં વસ્ત્રો પહેરીને ફરે તો પુરુષ ઉપર એની અસર થવાની જ છે, સિવાય કે તે રોબોટ હોય. આ તો સામાન્ય બુદ્ધિની વાત છે.
ઈન્ટરવ્યૂમાં એક દર્શકે ઈમરાન ખાનને પૂછયું હતું કે બળાત્કાર અને જાતીય હિંસાના મહિલાઓ સામેના વધતા બનાવોના સંદર્ભે તમારી સરકાર શું કરવા માગે છે? જવાબમાં ઈમરાન ખાને કહ્યું હતું કે અમારે ત્યાં ડિસ્કોથેક કે નાઈટક્લબો નથી. આ બધા વડે તમે સમાજમાં ઉત્તેજનાને હદ બહાર જગાવી દો તો આ તરુણ અને યુવાન લોકો ક્યાં જાય? એની અસર સમાજ ઉપર જ પડવાની! ઈન્ટરવ્યૂ લેનારે પૂછયું કે શું ખરેખર મહિલાનાં વસ્ત્રો જાતીય હિંસાને ઉશ્કેરે છે? તો ઈમરાન ખાને કહ્યું હતું કે તમે કયા સમાજમાં રહો છો એની ઉપર તેનો આધાર છે. જ્યાં સમાજના લોકોએ આવું બધું ન જોયું હોય ત્યાં તો અસર પડવાની. તમારા જેવા સમાજમાં ઉછેર થયો હોય તો કદાચ કોઈ અસર ન પડે.

