જિનિવા / લંડનઃ કોરોનાનાં નવા લેમ્બડા વેરિઅન્ટે ૨૯ દેશોને ભરડામાં લીધા છે. લેમ્બડા નામનો આ વાઈરસ પહેલા દક્ષિણ અમેરિકાનાં પેરુમાં મળી આવ્યો હતો. દક્ષિણ અમેરિકામાં જે સંક્રમણ વધ્યું તેમાં આ વાઈરસ જવાબદાર હતો. લેમ્બડા વાઈરસ વ્યક્તિની એન્ટિબોડીનો પણ નાશ કરતો હોવાનું જાણવા મળે છે.
બ્રિટનમાં ડેલ્ટા વેરિઅન્ટને કારણે ૧૧ દિવસમાં કોરોનાનાં નવા કેસ બમણા થતા હતા. લેમ્બડા વેરિઅન્ટની વધુ અસર પેરુ તેમજ ચિલીમાં જોવા મળી હતી. કોરોનાનાં ૮૧ ટકા કેસ આને કારણે આવ્યા છે.
જર્મનીનાં ભારત ખાતેનાં રાજદૂત વોલ્ટર જે. લિન્ડનરે કહ્યું હતું કે કોરોનાનો ડેલ્ટા વેરિઅન્ટ ઝડપથી અનેક દેશોમાં ફેલાઈ રહ્યો છે. ડેલ્ટા વેરિઅન્ટ દ્વારા ઝડપથી સંક્રમણ ફેલાય છે અને વેક્સિનની તેના પર અસર થતી નથી.
આવા સંજોગોમાં અનેક દેશોમાં કોરોનાની ચોથી લહેરનો ખતરો મંડરાઈ રહ્યો છે. આને કારણે જે દેશોએ અત્યાર સુધી કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા મેળવી છે તેનાં પર પાણી ફરી વળે તેમ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સૌથી પહેલા ડેલ્ટા વેરિઅન્ટ ભારતમાં જોવા મળ્યો હતો.
અમેરિકાએ તાઇવાનને વેક્સિનના ૨૫ લાખ ડોઝ મોકલતા ચીન ભડક્યું
અમેરિકાએ માનવીયતના ધોરણે તાઇવાનને કોવિડ વેક્સિનના ૨૫ લાખ ડોઝ મોકલ્યા છે. મોડર્ના ઉત્પાદિત ૨૫ લાખ ડોઝની ખેપ તાઇપેઇ એરપોર્ટ પર પહોંચી હતી. જે કે અમેરિકાએ તાઇવાનને કરેલી આ મદદ ચીનને ગમી નથી.
ચીન અમેરિકાને ઘણાં સમયથી એવો સંદેશો આપતું રહ્યું છે કે તે તાઇવાન સાથે કોઇ સીધા સંબંધ ન રાખે.
ઉલ્લેખનીય છે કે ચીનની સરકાર તાઇવાનને ચીનનો જ એક ભાગ ગણે છે અને આ અંગેના વિવાદો સમયાંતરે સામે આવતા રહે છે.
બીજી તરફ ચીન શાસિત હોંગકોંગમાં તાઇવાનના નાગરિકોને ત્રાસ અપાતો હોવાથી ઘણાં તાઇવાની નાગરિકોએ હોંગકોંગ છોડવાની શરૂઆત કરી છે.
ચીને નાગરિકોને કોરોનાની રસીના ૧૦૦ કરોડ ડોઝ આપ્યાઃ એનએચસી
ચીને રવિવાર સુધીમાં દેશમાં ૧૦૦ કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપી દીધી છે. આ સાથે સમગ્ર વિશ્વમાં કોરોનાની જીવલેણ બીમારી સામે દુનિયાના સૌથી મોટા રસીકરણ અભિયાનમાં આ સિદ્ધિ મેળવનાર ચીન પહેલો દેશ બન્યો છે. ચીને રસીકરણ અભિયાન શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં રસી લેવા અંગે લોકોમાં ઓછો ઉત્સાહ હતો, પરંતુ વિદેશમાંથી આવતા કોરોનાના નવા વેરિઅન્ટ સામે રક્ષણ મેળવવા લોકોમાં જાગૃતિ આવતાં તાજેતરના મહિનાઓમાં રસીકરણ કાર્યક્રમની ઝડપ વધી હતી.
ચીનના નેશનલ હેલ્થ કમિશન (એનએચસી)એ રવિવારે જાહેરાત કરી હતી કે ચીને માત્ર પાંચ દિવસમાં નાગરિકોને ૧૦ કરોડ ડોઝ આપ્યા હતા. જોકે, મોટાભાગની રસી બે ડોઝમાં અપાય છે ત્યારે એનએચસીએ કેટલા લોકોને સંપૂર્ણપણે રસી અપાઈ હોવાનું જણાવ્યું નહોતું.
દુબઇમાં ભારત સહિત ઘણાં દેશમાંથી આવતા લોકોને ટ્રાવેલ બેનમાં છુટ
દુબઇને ભારત સહિત ઘણાં દેશમાંથી આવતા સ્થાનિક રહીશો માટે ટ્રાવેલ બનેમાં થુટ આપી છે. આ લોકોએ યુએઇ દ્વારા સ્વીકૃત રસીના બંને ડોઝ લેવાના રહેશે. નિયમ ૨૩ જુનથી અમલી બનશે. દુબઇમાં સંક્ટ અને આપદા સંચાલનની સર્વોચ્ચ સમિતિએ ભારત, દ.આફ્રિકા અને નાઇજીરિયાથી આવરનારા મુસાફરો સંદર્ભે દુબઇના ટ્રાવેલ પ્રોટોકોલ અપડેટ કરવાની જાહેરાત કરી. મુસાફરીની ૪૮ કલાક પૂર્વેનો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ પણ જરૂરી રહેશે. ભારતથી દુબઇ આવાનારા આવા મુસાફરોએ માત્ર માન્ય વિઝાની જરૂર રહેશે. યુએઇ સરકારે જે ૪ રસીને માન્યતા આપી છે. તેમાં સિનોફાર્મા, ફાઇઝર-બાયોએન્ટેક, સ્પુટનિક-વી તથા ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાની રસી સામેલ છે.