આઇપીએલ ટેસ્ટ કરતાં અલગ છે, હવે મારે બેટિંગમાં ગિયર બદલવાનું છેઃ ચેતેશ્વર પૂજારા

Thursday 25th February 2021 02:01 EST
 
 

અમદાવાદઃ આઇપીએલ-૨૦૨૧ માટે થયેલી ખેલાડીઓની હરાજીમાં ઘણાં ખેલાડીઓ પર પૈસાનો ધોધમાર વરસાદ થયો છે તો ઘણા ખેલાડીને નિરાશા સાંપડી છે. તેમને જણાવી દઇએ કે આ વખતે ચેન્નઇ ટીમે ગુજરાતના ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ ચેતેશ્વર પૂજારાને ખરીદયો છે. ચેતેશ્વર પૂજારાને ચેન્નઇ સુપર કિંગ્સ તેની બેઝ પ્રાઇસ ૫૦ લાખમાં ખરીદયો છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં પંજાબની ટીમે પૂજારાને ખરીદયો હતો. હવે ચેતેશ્વર પૂજારા ચેન્નઇની સાથે જોડાઇને ઘણો ખુશ છે.
તેણે એક વીડિયો પણ જાહેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી છે. ચેન્નઇ સુપર કિંગ્સ ટીમે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પૂજારાનો આ વીડિયો શેર કર્યો હતો. પૂજારાએ આ વીડિયોમાં ચેન્નઇ ટીમના સુકાની ધોનીને લઇને મહત્વની વાત કહી હતી. તેણે કહ્યું કે, ‘આઇપીએલમાં પુનરાગમન થવાથી હું ઘણો ખુશ છું. પીળી જર્સી પહેરીને મેદાન પર રમવા માટે તૈયાર છું’
ચેતેશ્વરે વધુમાં કહ્યું કે, ‘હું ફરી ધોનીભાઇની સાથે રમતો જોવા મળીશ, મેં જ્યારે ડેબ્યુ કર્યું ત્યારે ધોની ટેસ્ટ ટીમમાં સુકાની હતો. માહીભાઇ સાથે રમવાની ઘણી યાદો જોડાયેલી છે. હું તેમની સાથે ફરી રમવા માટે તૈયાર છું. આઇપીએલની વાત કરું તો ટેસ્ટની આ પૂરી રીતે અલગ રમત છે તમારે આ રમતમાં ગિયર બદલવાની જરૂર હોય છે. સારી તૈયારીઓ સાથે મને આશા છે કે હું ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઘણું સારું પ્રદર્શન કરીશ.’
આઇપીએલ રેકોર્ડ પર એક નજર
ચેતેશ્વર પૂજારાના આઇપીએલ રેકોર્ડની વાત કરીને તો તેણે અત્યાર સુધી કુલ ૩૦ મેચ રમી છે. જેમાં ૯૯.૭૪ની સ્ટ્રાઇક રેટથી ૩૯૦ રન કર્યા છે. જેમાં તેણે એક અડધી સદી ફટકારી છે. ચેતેશ્વર પુજારાએ ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધી કુલ ૮૩ ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે ૬૨૨૭ રન કર્યા છે. તે ટેસ્ટ ક્રિકેટમાં ત્રણ બેવડી સદી પણ ફટકારી ચૂક્યો છે.


comments powered by Disqus