ઉત્તરાખંડ હોનારતઃ દિવંગત ઇલેક્ટ્રિશિયનની ચાર દીકરીઓને સોનુ સૂદે દત્તક લીધી

Thursday 25th February 2021 01:41 EST
 
 

કોરોનાના સમયમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરનાર એક્ટર સોનુ સૂદે ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતાં મુશ્કેલીમાં આવી પડેલા પરિવારની મદદ પણ કરી છે. સાત ફેબ્રુઆરીના રોજ ચમોલી જિલ્લાના તપોવન વિસ્તારમાં ગ્લેશિયર તૂટ્યા બાદ પૂર આવતાં મોટા પાયે જાનમાલને નુકસાન થયું છે. સોનુએ ટિહરી જિલ્લાની દોગી પટ્ટીની નજીક એક પીડિત પરિવારની ચાર દીકરીઓને દત્તક લીધી છે. હોનારતને કારણે દીકરીઓના પિતાનું મોત થયું હતું.
વિદ્યુત પરિયોજનાનો કર્મી
૪૫ વર્ષીય આલમ સિંહ વિષ્ણુગાડ જળ વિદ્યુત પરિયોજના સાથે જોડાયેલી ઋત્વિક કંપનીમાં ઈલેક્ટ્રિશિયન હતા. જળ પ્રલયના દિવસે આલમ સિંહ પરિયોજનાની ટનલની અંદર કામ કરતા હતા. આઠ દિવસ બાદ કાટમાળમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારમાં એકમાત્ર કમાનારી વ્યક્તિનું અકાળે મોત થતાં પત્ની પર ચાર દીકરીનું ગુજરાન ચલાવવાની જવાબદારી આવી ગઈ હતી આલમ સિંહની સૌથી મોટી દીકરી આંચલ ૧૪ વર્ષની છે જ્યારે અંતરા ૧૧ વર્ષની, કાજલ ૮ વર્ષની તથા અનન્યા માત્ર ૨ વર્ષની છે. સોનુ સૂદને આ પરિવાર અંગે જાણ થતાં દીકરીઓનાં ભવિષ્ય સુધારવાની નેમ તેણે લીધી હતી.
સોનુ સૂદની ટીમે જણાવ્યું છે કે, દિવંગત આલમ સિંહનાં ચાર બાળકોને દત્તક લઈને તેમના અભ્યાસ તથા લગ્ન સુધીની તમામ જવાબદારી લેવાનું આશ્વાસન સોનુએ દીકરીઓની માતાને આપ્યું છે. આ પરિવારની સ્થિતિ જોઈને કેટલીક સામાજિક સંસ્થાઓએ પણ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું.
પંજાબમાં ઈ-રિક્ષા વહેંચી
સોનુ સૂદે પોતાના જન્મસ્થળ મોગા (પંજાબમાં)માં પણ ઈ-રિક્ષાની વહેંચી હતી, જેને કારણે બેરોજગારો આત્મનિર્ભર થઈને પોતાનું ગુજરાન ચલાવી શકે. સોનુ સૂદ પંજાબ ઉપરાંત ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા સહિત ઘણાં રાજ્યોમાં ઈ-રિક્ષા વહેંચવાનો છે.
લોન લઈને મદદ
અહેવાલો અનુસાર, સોનુ સૂદે જૂહુ સ્થિત કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તથા શિવસાગર કો-ઓપરેટિવ હાઉસિંગમાં આવેલા છ ફ્લેટ ગિરવે મૂક્યાં હતાં. આ બિલ્ડિંગ જૂહુના ઈસ્કોન મંદિર નજીક એબી નાયર રોડ પર આવેલું છે. સોનુ સૂદે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકમાંથી રૂ. ૧૦ કરોડની લોન લીધી હતી. ૧૫મી સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ એગ્રીમેન્ટ સાઈન કરાયો હતો અને ૨૪મી નવેમ્બર, ૨૦૨૦ના રોજ રજિસ્ટ્રેશન થયું હતું. ડોક્યુમેન્ટ્સ પ્રમાણે, સોનુ સૂદે રૂ. ૧૦ કરોડની લોનની રજિસ્ટ્રેશન ફી માટે પાંચ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આ સંપત્તિ સોનુ સૂદ તથા તેની પત્ની સોનાલીના નામે છે. સોનુના નજીકના મિત્રોનું કહેવું છે કે તે અંગત મિલકતનો વહીવટ કરીને તેમાંથી મળતા રૂપિયાથી લોકોને મદદ કરી રહ્યો છે.


comments powered by Disqus