કેલિફોર્નિયાઃ કાર્લ્સબાડ (દક્ષિણ કેલિફોર્નિયાનું શહેર)ના અમેરિકન ભારતીય કાઉન્સિલ સભ્ય ડો. પ્રિયા ભટ-પટેલે બાળકને જન્મ આપવાના થોડા સમય અગાઉ જ ૧૭ ફેબ્રુઆરીએ હોસ્પિટલમાંથી સિટી મીટિંગમાં હાજરી આપી કર્તવ્ય નિષ્ઠાનો પરિચય કરાવ્યો છે. ડો. પ્રિયાએ પોતાના પ્રથમ સંતાનને જન્મ આપ્યો હતો.
NBC San Diego ના રિપોર્ટ અનુસાર શહેરના થર્ડ ડ્રિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતાં ડો. પ્રિયા ભટ-પટેલે હોસ્પિટલ ગાઉન અને ચહેરા પર માસ્ક પહેરીને વર્ચ્યુઅલ મીટિંગમાં હાજરી આપી હતી. આ મીટિંગ એક કલાક અને ૧૯ મિનિટ ચાલી હતી અને તેમાં ૧૬ મુદ્દાઓ પર વાતચીત થઈ હતી. ભટ-પટેલ સમગ્ર મીટિંગમાં હાજર રહ્યાં હતાં અને અવારનવાર વીડિયો પર દેખાતાં હતાં. તેમણે અન્ય સભ્યો સાથે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન પોતે બાળકને જન્મ આપવાની તૈયારી કરી રહ્યાં હોવાની માહિતી પણ આપી હતી.
ભટ-પટેલ ૨૦૧૮થી કાર્લ્સબાડ સિટી કાઉન્સિલના સભ્ય છે. તેમણે ૨૦૧૯માં પ્રોટેમ મેયર તરીકે કામગીરી બજાવી હતી. તેઓ કેલિફોર્નિયા સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટ ૩૬ માટેના ઉમેદવાર પણ છે. તેઓ વધી રહેલી ઘરેલું હિંસાનો સામનો કરવા રાજ્યવ્યાપી ઈનિશિયેટિવનું નેતૃત્વ કરી રહ્યાં છે.

