બેલાઃ અહીંના વ્રજવાણી ખાતે મોરારીબાપુની રામકથા ‘માનસ વ્રજવાણી’નું મંગલ ગાન થઈ રહ્યું છે. રાપર તાલુકાનું આ છેવાડાનું ગામ છે, જ્યાંથી પાકિસ્તાનની સરહદ માત્ર ૪૦ કિલોમીટર દૂર છે. આથી સુરક્ષાની દૃષ્ટિએ અહીં બીએસએફની બટાલીયન સુરક્ષા માટે સતત સાવધાન રહે છે. મોરારીબાપુની કુટીયા જ્યાં છે, એ બેલા ગામની ભાગોળે જ આ સૈન્ય દળનો કેમ્પ આવેલો છે. આ સપુતોના કેમ્પમાં જઈને મોરારીબાપુએ એમની રાષ્ટ્રભક્તિ અને દેશપ્રેમની સરાહના કરી હતી અને એમની નિરંતર સેવા બદલ સાધુવાદ પાઠવ્યા હતા. બાપુએ સહુને હનુમંત પ્રસાદી રૂપે રામનામી અર્પણ કરી હતી.

