વોશિંગ્ટનઃ લોકપ્રિય વર્કઆઉટ સપ્લીમેન્ટ (દવા)ના સાચા તત્વોને છુપાવીને લોકો સાથે છેતરપીંડી આચરનાર ૩૭ વર્ષના પૂર્વ એક્ઝિક્યુટિવ ઓફિસરને એક અમેરિકન કોર્ટે ૪૧ માસ કેદની સજા ફટકારી છે. એસ.કે. લેેબોરેટરિઝના પૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ શીતેષ પટેલને ટેક્સાસની ફેડરલ કોર્ટે ૧૯ ફેબ્રુઆરીએ સજા ફટકાર્યાની જાહેરાત યુએસ એટર્ની પ્રેરક શાહે કરી હતી.
કેલિફોર્નિયાના ઇરવિનના રહેવાસી શીતેષ પટેલે જેકથર્ડ અને ઓક્સીએલિટ પ્રો તરીકે ઓળખાતા વર્કઆઉટ વેટલોસ સપ્લીમેન્ટના ઉત્પાદનમાં મહત્ત્વવની ભૂમિકા ભજવી હતી. આ દવાને ડલ્લાસ સ્થિત યુએસપ્લાબ્સે બજારમાં વેચી હતી.
આંતરરાજ્ય વેપારમા ખોટા નામે દવાને બજારમાં મૂકીને ૨૦૧૯માં ગુનાની કબુલાત કરતા પટેલ અને તેમના અન્ય સાથીઓએ કબુલ્યું હતું કે તેમણે કાયદાના સકંજાથી છટકવા અને રેગ્યુલેટરી સત્તા મંડળનું ધ્યાન બીજે દોરવા ખોટા અને ગેરમાર્ગે દોરતા લેબલ સાથે દવાઓની આયાત કરી હતી.
કાર્યકારી યુએસ એટર્ની પ્રેરક શાહે કહ્યું હતું કે ડાયેટ સપ્લીમેન્ટરીના ઉત્પાદકોને પોતાના ઉત્પાદનમાં બિન ચકાસેલા તત્વોની ભેળસેળ કરવાની અને લોકોને ગેરમાર્ગે દોરવાની છુટ ના આપવી જોઇએ.
અગાઉ કોર્ટે કેસના સબંધમાં પટેલની કંપની એસ. કે. લેબોરેટરીઝને ૬૦ લાખ ડોલર જમા કરાવવા આદેશ કર્યો હતો. ૪૧ મહિનાની જેલની સજા ઉપરાંત એક વર્ષના જામીન પણ મંજૂર કર્યા હતા. ડલ્લાસ ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ ૨૦૧૫માં કહ્યું હતું કે પટેલ અને તેમના સાથીઓએ તેમની દવા ઉપયોગ માટે સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કર્યા વગર જ તેનું વેચાણ કર્યું હતું.
