સાન ફ્રાન્સિસ્કોઃ નેશનલ જીઓગ્રાફિક સોસાયટી અને લીન્ડબ્લેડ એક્સપિડિશન્સે તાજેતરમાં જ તેના ગ્રોવનર ટીચર ફેલોઝની જાહેરાત કરી હતી. તેમાં કેલિફોર્નિયાના સાન કાર્લોસના ઈન્ડિયન અમેરિકન ચારુ ગુલાટીનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે આ સમયે ૫૦ શ્રેષ્ઠ ટીચરોને ગ્રોવનર ટીચર ફેલોશિપ માટે પસંદ કરાયા હતા. પરંતુ, તે સૌને તેમની પસંદગીની જાણ એક મહિના પછી કરાઈ હતી. કોવિડ – ૧૯ મહામારીએ દુનિયાને બદલી નાખી હતી અને ટ્રાવેલીંગ પણ અટકી ગયું હતું.
૨૦૨૧ના ફેલોઝે લગભગ એક વર્ષ સુધી આ સમાચાર તેમના સુધી સીમિત રાખ્યા હતા. પરંતુ, ૧૬મી ફેબ્રુઆરીએ આ પ્રતિક્ષાનો અંત આવ્યો હતો.
મુસાફરી પર તો હજુ મનાઈ છે. એક વખત પરિસ્થિતિ સુધરશે એટલે પસંદગી પામેલી દરેક વ્યક્તિ લીન્ડબ્લેડ એક્સપિડિશન શીપ પર એકથી ત્રણ વીકની દરિયાઈ સફર ખેડશે. આ કાફલામાં નેશનલ જીઓગ્રાફિક એક્સપ્લોરર, નેશનલ જીઓગ્રાફિક એન્ડેવર-ટુ, નેશનલ જીઓગ્રાફિક ઓરિયન અથવા નેશનલ જીઓગ્રાફિક ક્વેસ્ટનો સમાવેશ થાય છે.
તે લોકો નાના ગ્રૂપમાં દુનિયાના સૌથી અંતરિયાળ વિસ્તારો અને હાઈ આર્કટિક, સાઉથઈસ્ટ અલાસ્કા, સેન્ટ્રલ અમેરિકા, એન્ટાર્કટિકા અથવા ગાલાપેગોસ આઈલેન્ડ્સ જેવા વિશિષ્ટ સ્થળોએ જશે.
આ ગ્રૂપના ટીચર્સની પસંદગી તેમણે પૃથ્વી અને તેના લોકો વિશે વિદ્યાર્થીઓને આપેલી સમજ તથા તંદુરસ્ત અને વધુ સાતત્યપૂર્ણ ભાવિ માટે ઉપાયો શોધવા તેમને સમર્થ બનાવવા કરેલા અસરકારક કાર્યના આધારે કરાઈ હતી.
તેમની પસંદગી અમેરિકાના ૫૦ રાજ્યો, ડિસ્ટ્રિક્ટ ઓફ કોલમ્બિયા, પ્યુર્ટો રિકો, કેનેડાના પ્રિ-K-12 કોમ્પિટિટીવ એપ્લીકન્ટ પૂલમાંથી કરાઈ હતી.

