વેબસિરીઝ ‘મિર્ઝાપુર’ના લેખક પુનિત કૃષ્ણા (પ્રથમ સિઝન) તથા વિનિત કૃષ્ણા (બીજી સિઝન) તથા ડિરેક્ટર કરણ અંશુમાન, ગુરમીત સિંહને અલ્હાબાદ હાઈ કોર્ટમાંથી તાજતેરમાં રાહત મળી છે. કોર્ટે તેમની ધરપકડ પર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે ઉત્તર પ્રદેશ સરકાર તથા ફરિયાદીને ૧૯મી ફેબ્રુઆરીએ નોટિસ આપીને જવાબ માગ્યો છે.
ધાર્મિક સામાજિક ભાવનાને ઠેસ
મિર્ઝાપુરના ચિલબિલિયાના રહેવાસી, અરવિંદ ચતુર્વેદીએ ૧૭મી જાન્યુઆરીએ વેબસિરીઝ વિરુદ્ધ ફરિયાદ કરી હતી કે, ‘મિર્ઝાપુર’ની વાર્તા અને દૃશ્યોથી ધાર્મિક, સામાજિક ભાવનાને ઠેસ પહોંચી છે. ચતુર્વેદીના મતે, સિરીઝને કારણે લોકોના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે અને સિરીઝમાં ગાળો જ નહીં, પરંતુ ગેરકાયદે સંબંધોનું અશ્લિલ કન્ટેન્ટ છે. ફરિયાદના આધારે કરણ અંશુમાન, ગુરમીત સિંહ, પુનિત કૃષ્ણા, વિનિત કૃષ્ણા વિરુદ્ધ દેહાત પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરવામાં આવી હતી. પોલીસ ઈન્સ્પેક્ટર વિજય કુમાર ચોરસિયાના નેજા હેઠળ ત્રણ સભ્યોની ટીમ તપાસ માટે મુંબઈ ગઈ હતી.
‘મિર્ઝાપુર’ વિરુદ્ધ જાન્યુઆરીમાં અન્ય એક ફરિયાદી દ્વારા પણ અરજી કરવામાં આવી હતી, જેમાં મિર્ઝાપુર (ઉત્તર પ્રદેશ)માં રહેતા એસ કે કુમારે આક્ષેપ મૂક્યો હતો કે વેબસિરીઝમાં મિર્ઝાપુરની ઈમેજ ખોટી રીતે બતાવવામાં આવી છે. શહેરમાં આતંકી તથા ગેરકાયદેસર કામ થતું હોવાનું બતાવવામાં આવ્યું છે. કુમારે ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ પર સેન્સરશિપ મૂકવાની માગણી કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતામાં મળેલી ખંડપીઠે નોટિસ જાહેર કરીને મેકર્સ, એમેઝોન પ્રાઈમ વીડિયો તથા કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો હતો.
સાંસદે પણ ઉઠાવ્યા સવાલ
આ વેબસિરીઝ અંગે સાંસદ અનુપ્રિયાએ પણ સવાલો ઉઠાવ્યા હતા. મિર્ઝાપુરની સાંસદ તથા અપના દળની નેતા અનુપ્રિયા પટેલે પણ વેબ સિરીઝ અંગે સવાલ ઊભા કર્યા હતા. તેમણે પણ સિરીઝ ઈમેજ ખરાબ કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે, તે સમયે સિરીઝના મેકર્સે આ સિરીઝ કાલ્પનિક હોવાની વાત કહી હતી. FIRની વિરુદ્ધમાં ‘મિર્ઝાપુર’ના મેકર્સે અલ્હાબાદ હાઈ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમની વેબ સિરીઝ કાલ્પનિક છે અને દરેક એપિસોડ પહેલાં ડિસ્ક્લેમરમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. કોર્ટમાં અપીલ કરી હતી કે તેમની વિરુદ્ધની FIRને રદબાતલ કરીને કેસની આગળની કાર્યવાહી અટકાવી દેવામાં આવે.

