યુકેમાં અને સમગ્ર વિશ્વમાં ધોળા અને કાળા માનવી વચ્ચે રંગભેદની મોટી ખાઈ જોવા મળે છે. અત્યાર સુધી તો એમ જ માનવામાં આવતું હતું કે ઈશ્વરે બનાવેલા માનવીઓ જ એકબીજા વિરુદ્ધ લડતા રહે છે જેમાં રંગભેદનું દુષણ સૌથી ખરાબ છે. જોકે, કોરોના મહામારીએ આપણને ઘણી અવનવી બાબતો શીખવી છે જેમાં, માનવીને સલામત રહેવામાં સહાય કરતા તબીબી ઉપકરણો પણ કેટલાક અંશે પક્ષપાતી અથવા રંગભેદી હોવાનું બહાર આવ્યું છે. ચોક્કસપણે આ આશ્ચર્ય પમાડનારી બાબત છે અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આ મુદ્દે રિવ્યૂનો આદેશ પણ જારી કર્યો છે તે ખરેખર સરાહનાને પાત્ર છે.
હકીકત એવી છે કે માનવીના શરીરમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપતા અને કોવિડના પેશન્ટ્સને જીવનરક્ષક સારવારની જરૂર છે કે કેમ તેનું મૂલ્યાંકન કરતા ઓક્સિમીટર્સ ઘેરી ત્વચાના લોકો માટે ઓછી ચોકસાઈનું મૂલ્યાંકન આપે છે. પલ્સ ઓક્સિમીટર્સ ઘણા વર્ષોથી નિદાનાત્મક ટેકનોલોજીમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. અમેરિકામાં ૧૦,૦૦૦ જેટલા લોકો પર કરાયેલું સંશોધન સૂચવે છે કે શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોમાં ઓક્સિમેટ્રી રીડિંગ્સમાં ત્રમ ગણો તફાવત જોવા મળે છે અને આ જ તફાવત લોકોને આરોગ્ય પ્રતિ ગાફેલ બનાવી શકે ચે અને સંજોગોવશાત તેમનો જીવ પણ લઈ શકે છે.
એમ કહેવાય છે કે કોવિડની સૌથી વિષમ અસર વંશીય લઘુમતીને થવાનું એક કારણ એ પણ છે કે જે પલ્સ ઓક્સિમીટરનો ઉપયોગ કરાયો હતો તેની ડિઝાઈન શ્વેત લોકો દ્વારા અને શ્વેતવર્ણી ત્વચાને સુસંગત કરાયેલી હતી. એટલે કે વિવિધ વંશીયતાના લોકો પર તેની કેવી રીતે અસર થાય છે કે તેના રીડિંગ્સમાં કોઈ તફાવત આવે છે કે કેમ તેની ચકાસણી કરાઈ ન હતી. અત્યાર સુધી આવી ચકાસણી કરાતી આવી નથી પરંતુ, હવે યુકે અને યુએસ મળીને એવા આંતરરાષ્ટ્રીય માપદંડ વિકસાવવા માગે છે કે તબીબી સાધનો કે ઉપકરણોનું વેચાણ કરાય તે પહેલા વિવિધ વંશીયતાના લોકો પર તેની અસરોને ચકાસવામાં આવે.
વિશ્વમાં નસ્લની શ્રેષ્ઠતાના હઠાગ્રહે વિશ્વયુદ્ધોને જન્મ આપ્યો છે. શુદ્ધ આર્ય લોહીની શ્રેષ્ઠતાના આગ્રહી તાનાશાહ એડોલ્ફ હિટલરે જે રક્તપાત અને નરસંહાર કર્યો અને કરાવ્યો તેને આપણે કદી ભૂલી શકીએ નહિ. ભારતીય સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુમ્બકમ’ની આગ્રહી હોવાં છતાં, આર્ય અને અનાર્યો વચ્ચેના યુદ્ધટંકારો જોવાં મળ્યા છે. રમતના વર્તમાન ક્ષેત્રમાં રંગીન ત્વચાના પૂર્વ ક્રિકેટર અઝીમ રફિક સાથે જે રંગભેદી વ્યવહાર અશ્વેત ખેલાડીઓ અને અગ્રણી પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો તેનાથી રંગભેદનું ભૂત ફરીથી ધૂણવા લાગ્યું છે.
એકેડેમી ઓફ સોશિયલ સાયન્સીઝના પૂર્વ પ્રમુખ અને લેબર પાર્ટીના લોર્ડ ભીખુ પારેખે યુકેમાં રંગભેદી ભેદભાવ પરની રાષ્ટ્રીય ચર્ચામાં અતિ મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા બહુસાંસ્કૃતિકવાદ અથવા ‘અનેકતામાં એકતા’ની સુંદર વિભાવના આપી છે. તેમના મતે બહુસાંસ્કૃતિકવાદનો અર્થ એ છે કે કોઈ સંસ્કૃતિ સર્વાંગસંપૂર્ણ કે સ્વાવલંબી હોતી નથી. દરેક સંસ્કૃતિમાં ખામી હોય છે, તેણે અન્ય સંસ્કૃતિમાંથી શીખવાનું હોય છે. આ પરસ્પર શીખવાની પ્રક્રિયા છે. તેઓ વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવાની આવશ્યકતાનો અંગૂલિનિર્દેશ પણ કરે છે જ્યાં, દરેક પોતાના ગુણદોષ જોવાનું તેમજ અન્ય સંસ્કૃતિઓના ખજાનાઓમાંથી શીખી શકે. લોર્ડ પારેખ સમજાવે છે તેમ વિશ્વની સંસ્કૃતિઓ પરસ્પરના સંપર્ક અને સહવાસથી પરિવર્તન પામે છે. એશિયન અને અશ્વેત લોકોની હાજરી થકી ઈંગ્લેન્ડમાં પારિવારિક મૂલ્યો સહિત અનેક બાબતોમાં ફેરફાર જોવાયો છે. આ જ રીતે, એશિયનો અને અશ્વેતો પણ બ્રિટિશ સંસ્કૃતિના કારણે બદલાયા છે. આપણે લોર્ડ પારેખની વિભાવનાને બિરદાવી તે માર્ગે આગળ વધવાની જરૂર છે.
