વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદનું કેન્દ્ર બની રહેલા ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી છે તેના વિવિધ પડઘા પડ્યા છે.સાત વર્ષના શાસનમાં વડા પ્રધાન મોદીએ પ્રથમ વખત આટલા મોટા નિર્ણયથી પીછેહઠ કરી છે. તેમણે એક બાબત સ્પષ્ટ કરી છે કે કૃષિ કાયદાના લાભ ખેડૂતોને સમજાવી શકાયા ન હોવાથી લાખો ખેડૂતોને સહન કરવું ન પડે તે હેતુસર કાયદા પાછા ખેંચાઈ રહ્યા છે.
એમ પણ કહેવાય છે કે પંજાબ અને ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીઓ આ નિર્ણય પાછળનું મુખ્ય પરિબળ છે. હોઈ શકે છે. લોકશાહીમાં કોઈ પણ રાજકીય પક્ષ અને સરકાર માટે ચૂંટણીઓ જીતવી અને સત્તા જાળવવી મહત્ત્વપૂર્ણ લેખાય છે. આ કાયદાઓ પાછા ખેંચાવાથી નવા રાજકીય ધ્રૂવીકરણમાં ભારતીય જનતા પાર્ટી અને અકાલી દળ અને રાષ્ટ્રીય લોકદળ જેવા જૂના સાથીઓ એકસંપ થઈ શકે છે. કોંગ્રેસમાંથી નારાજ થઈને છૂટા પડેલા પૂર્વ મુખ્યપ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહનો સાથ પણ મળી શકે છે. પંજાબમાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડે તેવા સંજોગોનું નિર્માણ થઈ શકે છે.
પંજાબની અને ખેડૂત આંદોલનની વાત કરીએ તો સરહદી રાજ્ય પંજાબમાં આંદોલનના ઓઠા હેઠળ ખાલિસ્તાની અને રાષ્ટ્રવિરોધી પરિબળો સક્રિય હતા. એક તરફ, એક વર્ષ લાંબા ખેડૂત આંદોલન માટે નાણાભંડોળ ક્યાંથી આવ્યું તે પણ વિચાર અને તપાસનો વિષય છે. પંજાબમાં ૧૯૮૦ના દાયકામાં જે સ્ફોટક પરિસ્થિતિ સર્જાઈ હતી તેનું પુનરાવર્તન થતું અટકાવવા મોદી સરકાર માટે પીછેહઠ જેવો દેખાતો નિર્ણય લેવો આવશ્યક બની ગયો હતો જેથી નિરર્થક આંદોલનના ફુગ્ગામાંથી હવા કાઢી શકાય.
બીજી તરફ, ભારતના પડોશી દુશ્મનો પાકિસ્તાન અને ચીન મેલી રમતો રમી રહ્યા છે અને દેશને અસ્થિરતામાં ધકેલી દેવાની રાજરમતોને અંજામ આપી રહ્યા છે ત્યારે પણ સરહદી રાજ્યોમાં અસંતોષને ઠારવાનું વિશેષ મહત્વ દેખાય તે સ્વાભાવિક છે. આમ, દેશહિત અને રાજકારણ બંનેને સાંકળી આ નિર્ણય લેવાયો હોય તેમ માનવામાં જરા પણ વિસંગતિ જણાતી નથી.
લોકશાહી આખરે તો જનમત અને સતત વાટાઘાટોની બાબત છે. મોદી સરકારે જનમત સામે ઝૂકીને સ્થિતિસ્થાપકતા દર્શાવી વિવાદિત કાયદા પાછા ખેંચ્યા છે તેનો અર્થ એ હરગિજ થતો નથી કે દેશ અને ખેડૂતોને કૃષિસુધારાની જરૂર નથી. કૃષિ સુધારા કાયદાઓથી ભારતના એગ્રીકલ્ચર સેક્ટરને લાભ જ થવાનો હતો. બજાર અર્થતંત્રના સિદ્ધાંતોના ધોરણે દેશની અન્ન પ્રાપ્તિ અને વિતરણ વ્યવસ્થાઓ નવેસરથી ગોઠવવાની હતી અને સીમાંત ખેડૂતોને તેમના ઉત્પાદનોનો યોગ્ય ભાવ મળી શકે તેમ હતો. મોટા ખેડૂતો અને માલમલીદો ખાઈ જનારા વચેટિયાઓની જાગીર નિશ્ચિતપણે લૂંટાઈ જવાની હતી. આથી જ મોટી કંપનીઓને લાભ થશે અને ખેડૂતો અને ગ્રાહકોને નુકસાન જશે તેવો હાઉ દર્શાવી આંદોલન શરૂ કરાયું હતું. કૃષિક્ષેત્રે ભાવ પ્રોત્સાહક નીતિ, ભરપાઈ કરી ન શકાય તેવી પર્યાવરણીય સમસ્યા તેમજ સ્થાપિત હિતોએ જમાવેલી વાડાબંધી નાબૂદ કરવાની સમસ્યા યથાવત છે. કાયદા પાછા ખેંચાતા આંદોલનકારી ખેડૂતનેતાઓ મૂઢ બની ગયા છે. હવે તેઓ અન્ય માગણીઓ મૂકી મૃતઃપ્રાય આંદોલનને ફરી જીવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે તેમણે મમત છોડી ખેડૂતોની સમજાવટ કરવી જોઈએ અને સરકાર સાથે ફરી વાડાઘાટો આદરવી જોઈએ જેથી વ્યાપક હિત ધરાવતા કાયદા ઘડી શકાય.
