સિંગાપુરઃ ભારત અને ચીનના દ્વિપક્ષીય સંબંધો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેમ ભારતના વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું. ચીન દ્વારા ભારત સાથે કરવામાં આવેલા કરારોનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે અને આવું શા માટે કરાઈ રહ્યું છે તેના કોઈ નક્કર કારણો કે ખુલાસા ચીનના સત્તાવાળાઓ પાસે નથી. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને તે કયા સ્તર પર લઈ જવા માંગે છે તેનો જવાબ ચીને આપવાનો છે. બંને દેશના સંબંધો કયા સ્તરે અને કયા તબક્કે છે તે મુદ્દે ચીનને કોઈ શંકા ન હોવી જોઈએ. શું સાચી દિશામાં નથી ચાલી રહ્યું તેનો તેને ખ્યાલ હોવો જોઈએ. ચીનના વિદેશપ્રધાન સાથે અનેક મુલાકાતો તેમજ બેઠકો વખતે ભારત દ્વારા તેમને કેટલાક મુદ્દે કેટલીક વાત કરવામાં આવી છે. જેમાં સ્પષ્ટતાનો કોઈ અભાવ નથી. આથી જો તેમણે મારી આ વાતો સાંભળી હશે તો ચોક્કસપણે સમજી પણ હશે જ તેમ ભારતના વિદેશપ્રધાન જયશંકરે કહ્યું હતું. બ્લૂમબર્ગ ન્યુ ઈકોનોમિક ફોરમમાં ગ્રેટર પાવર કોમ્પિટિશનઃ ધ ઈમર્જિંગ વર્લ્ડ ઓર્ડર વિષય પર ચર્ચામાં પૂર્વ લદાખ બોર્ડર પર ચીન સાથે સંઘર્ષ અને તંગદિલીના સંદર્ભમાં તેઓ બોલી રહ્યા હતા.
ભારતના વિરોધ વચ્ચે ચીને અરૂણાચલમાં એક, ડોકલામમાં ચાર ગામો વસાવી લીધા
ભારત સાથે શાંતિની વાતો કરતું ચીન એલએસી પર સતત અટકાળા કરી સરહદો પર તણાવપૂર્ણ સ્થિતિ જાળવી રાખી છે. ભારતના વિરોધ વચ્ચે ચીને અરૂણાચલ સરહદે ગામ વસાવવાનું અભિયાન ચાલુ જ રાખ્યું છે. તેણે છેલ્લા દોઢ વર્ષમાં અરૂણાચલ સરહદ નજીક વધુ એક ગામ વસાવી દીધું હોવાનો વધુ કેટલીક સેટેલાઈટ તસવીરોમાં ઘટસ્ફોટ થયો છે. એટલું જ નહીં ચીને એક વર્ષમાં ભૂતાન સાથેની સરહદે વિવાદાસ્પદ ડોકલામ વિસ્તારમાં પણ એક નહીં, પરંતુ ચાર ગામ બનાવી દીધા છે. બીજીબાજુ ચીને પૂર્વીય લદ્દાખ સરહદે શાંતિ જાળવવા આગામી થોડાક દિવસોમાં ૧૪મા તબક્કાની સૈન્ય વાટાઘાટો યોજવા તૈયારી દર્શાવી છે.
ચીને અરૂણાચલ પ્રદેશમાં ૧૯૫૯માં પચાવી પાડેલી જમીન પર ૨૦૨૦માં એક ગામ વસાવ્યું હોવાના પેન્ટાગોનના અહેવાલો પછી કેટલીક નવી સેટેલાઈટ તસવીરોમાં જણાયું છે કે આ ગામથી ૯૩ કિ.મી. દૂર ચીને ૬૦ મકાનોનું વધુ એક ગામ વસાવી દીધું છે.

