ડાયસ્પોરાને કાળી ટીલી લગાવનારાને આશ્રય શા માટે?

Tuesday 24th August 2021 16:45 EDT
 

બ્રિટન ધીરે ધીરે ડ્રગ માફિયા અને વિશ્વના કરચોરી, છેતરપીંડી અને મનીલોન્ડરિંગ કરનારા ધનવાનો માટે સલામત સ્વર્ગ બની રહ્યું છે. તાજેતરમાં જ ઈંગ્લેન્ડમાં આશ્રય લેનારા IPLના સ્થાપક લલિત મોદીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમણે રોયલ ફેમિલીના પ્રિન્સ એન્ડ્રયુ જેવા સભ્યો સાથે પોતાના કથિત ગાઢ સંપર્કોને આગળ ધરી કેન્સર સારવારની સ્કીમમાં મોટા પાયે નાણા રોકવા લોકોને સમજાવી લીધા હતા. મહત્ત્વની બાબત એ રહી છે કે શાહી પરિવારના સભ્યોને તો આવી કોઈ યોજના કે તેમાં પોતાને પેટ્રન્સ તરીકે આગળ કરાઈ રહ્યા હોવાની માહિતી સુદ્ધાં ન હતી. જેલમાં મોતને શરણ થયેલા અમેરિકન ફાઈનાન્સિયર જેમ્સ એપસ્ટેઈન તેમજ બાળયૌનશોષણ તથા તેમની હેરફેર કરનારા ઘીસલેઈન મેક્સવેલ સાથે કાળી મિત્રતાથી ખરડાયેલા પ્રિન્સ એન્ડ્રયુ કોની સાથે કેવી રીતે સંકળાયેલા છે તે મુદ્દો પણ ચર્ચામાં આવ્યો છે. ખાટલે ખોડ એ છે કે લલિત મોદીને ભારતને પ્રત્યર્પણ કરી શકાય તેમ નથી.
મની લોન્ડરર્સ અને બેન્કોના નાણાની ઉચાપત કરનારા ભાગેડુ ભારતીયો વિજય માલ્યા અને નિરવ મોદી વિરુદ્ધ ભારતમાં કેસીસ ચાલતા હોવા છતાં તેમને આશ્રય આપવામાં બ્રિટનને કોઈ નાનમ જણાતી નથી અને બ્રિટિશ કોર્ટ્સમાં તેમના કેસીસ લંબાતા જ જાય છે. આ ઉપરાંત, યુકેમાં બ્રિટિશ ભારતીયોની પ્રતિષ્ઠાને બટ્ટો લગાવનારા અબ્દુલ શામજી ગોમ્બા, નાઝમુ વિરાણી અને કેતન સોમૈયાને પણ કેવી રીતે ભૂલી શકાય?
આપણામાં કહેવત છે કે ‘નાણા વિનાનો નાથિયો, નાણે નાથાલાલ’ એટલે દુનિયા નાણાને જ નમસ્કાર કરે છે બ્રિટન જેવા દેશોને નાણા ક્યાંથી આવ્યા તેની સાથે કોઈ લેવાંદેવાં હોતી નથી. બ્રિટન આવા સાહુકારોને ખુલ્લા દિલે આવકારે છે. બ્રિટિશ સરકારો માને છે કે કાળાં નાણાને ધોળાં કરનારાઓને આશરો આપવાથી કોઈને નુકસાન જતું નથી પરંતુ, બ્રિટનને એક પ્રકારના ઈન્વેસ્ટમેન્ટનો ફાયદો મળે છે. ટોની બ્લેર અને ડેવિડ કેમરને રશિયાના તવંગર જમીનદારો, સાઉદી પ્રિન્સીસ અને ચીનના પ્રોપર્ટી સંઘરાખોરો માટે ઈન્વેસ્ટમેન્ટના નામે લાલ જાજમ પાથરી ખુલ્લેઆમ સ્વાગત કર્યું હતું. બોરિસ જ્હોન્સન લંડનના મેયર હતા ત્યારે તેમણે વિદેશીઓને મહામૂલી જમીનો વેચી દીધી હતી જેના પરિણામે, વર્તમાન સદીની સૌથી મોટી હાઉસિંગ કટોકટી સર્જાઈ હતી.
આનાથી વિપરીત, ૫૦ વર્ષ અગાઉ તરંગી ઈદી અમીનના હાથે યુગાન્ડામાંથી હકાલપટ્ટી કરાયેલા અને યુકેમાં આશરો મેળવનારા એશિયનો- ભારતીયોની વાત કરીએ. ખાલી ખિસ્સે યુકેમાં આવવા છતાં તેમણે પોતાનું જીવનધોરણ સુધારવા કાળી મહેનત કરી છે. ઘણા લોકો તવંગર બન્યા છે પરંતુ, અન્યોને નોકરીઓ, ઘર અને સલામતી પૂરી પાડવાની સાથે બ્રિટનની પ્રગતિમાં અનન્ય યોગદાન પણ આપ્યું છે. તેઓ બ્રિટનના ગૌરવ અને પ્રતિષ્ઠા વધારનારા સૌથી મોટા ડાયસ્પોરામાં એક તરીકે સ્થાન પામ્યા છે. બીજી તરફ, ભારતમાંથી આવા ઘણા ફાઈનાન્સિયલ ઠગબાજી કરનારા અને અપરાધી લોકોએ આશરો મેળવ્યો છે અને ભારતીય ડાયસ્પોરા માટે કાલી ટીળી સમાન બની રહ્યા છે. કોર્ટમાં આ લોકોએ માનવ અધિકારોના નામે યુકેમાં વસવાટની સફળતા મેળવી લીધી છે. એટલું જ નહિ, મલેશિયા, રશિયા સહિતના દેશોના કૌભાંડીઓએ યુકેમાં આશરો મેળવ્યો છે.
રાજકારણીઓ અંગત અથવા પક્ષીય લાભ માટે અપરાધીઓને નજરઅંદાજ કરતા હોય છે પરંતુ, આવા મુઠ્ઠીભર ધનાઢ્ય લોકોના કારણે મહેનતકશ અને પ્રામાણિક ડાયસ્પોરાની છબી, પ્રતિષ્ઠા અને ગુડવિલને ડાઘ લાગે નહિ તે માટે બ્રિટને મજબૂત વલણ અપનાવવાની જરૂર છે.
વધુ આઘાતજનક બાબત એ પણ છે કે બેન્કો અને ફાઈનાન્સિયલ સર્વિસીસ ફર્મ્સ પમ મની લોન્ડરિંગને અટકાવવામાં નિષ્ફળ રહી છે એટલું જ નહિ, તેમના દ્વારા આને ઉત્તેજન અપાય છે. ફાઈનાન્સિયલ રેગ્યુલેટર દ્વારા કસૂરવાર બેન્કોને દંડ કરાય છે પરંતુ તેમના પેટનું પાણી હાલતું નથી. નેટવેસ્ટ બેન્ક સામેનો આક્ષેપ આંખે ઉડીને વળગે તેવો છે કે મની લોન્ડરિંગ અટકાવવાની જવાબદારી હોવાં છતાં બેન્કે મોટા પાયે મની લોન્ડરિંગના કેન્દ્રમાં રહેલા આરોપી ગોલ્ડ ડીલર ફાઉલર ઓલ્ડફિલ્ડ પાસેથી ૨૬૪ મિલિયન પાઉન્ડની કેશ ડિપોઝિટ્સ સ્વીકારી હતી. પોલીસનું કહેવું છે કે ઓલ્ડફિલ્ડ ગુનાખોરીની આવકના ૨ મિલિયન જેટલી રકમનું દરરોજ પ્રોસેસિંગ કરે છે. બ્રિટનની સૌથી મોટી રિટેઈલ બેન્ક્સના વડાઓને FCAએ ચેતવણી આપવી પડી છે કે તેમણે મની લોન્ડરિંગ અટકાવવું વધુ કાર્ય કરવું પડશે અન્યથા નિયમભંગ બદલ વ્યક્તિગત પરિણામોનો સામનો કરવો પડશે. નેટવેસ્ટ ઉપરાંત, ઓનલાઈન બેન્ક મોન્ઝો, લંડનસ્થિત મની ટ્રાન્સફર બિઝનેસ વાઈઝ સામે પણ તપાસ હાથ ધરાઈ છે તે નોંધપાત્ર છે.


comments powered by Disqus