તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનમાંથી બને તેટલી ઝડપે બહાર નીકળી જવા નાગરિકો અને રાજદ્વારીઓએ રીતસરની દોટ લગાવી છે કારણકે તાલિબાન શાસકોની નીતિ ‘અબી બોલા, અબી ફોક’ની રહી છે. ફસાઈ ગયેલા નાગરિકોના સ્થળાંતર માટે કાબુલનું એરપોર્ટ બરાબર કામે લાગ્યું છે. અમેરિકા અને નાટો દેશના લશ્કરી અને નાગરિક વિમાનો રોજની ખેપ લગાવી રહ્યા છે. જોકે, અમેરિકાએ પોતાનું લશ્કર હટાવવા ૩૧ ઓગસ્ટની જે સમયમર્યાદા જાહેર કરી છે ત્યાં સુધી આ મહાઅભિયાનનો અંત આવે તેવી કોઈ શક્યતા જણાતી નથી. હવે તો સમયની સાથે જ સ્પર્ધા શરુ થઈ છે.
૧૪ ઓગસ્ટથી સોમવારની રાત સુધી યુએસ અને નાટો ફ્લાઈટ્સ દ્વારા ૩૭,૦૦૦ લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે અને વિશ્વના આશરે ૨૩૦ વિમાન હવે ઈવેક્યુએશન મિશનમાં કાર્યરત છે. અફઘાનો અને બ્રિટિશ નાગરિકો સહિત લગભગ ૮,૦૦૦ લોકોને યુકે લવાયા છે. ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસના મતે બાકીના ૭,૦૦૦ બ્રિટિશર અને અફઘાનોને એરલિફ્ટ કરવા હવે સપ્તાહોનો નહિ, કલાકોનો સવાલ છે. તેમણે પણ સ્પષ્ટ કરી જ દીધું છે કે અમેરિકાની ગેરહાજરીમાં રેસ્ક્યુ ઓપરેશન્સ શક્ય બને તેમ નથી. બીજી તરફ, ભારત સરકારે પણ ‘ઓપરેશન દેવી શક્તિ’ હેઠળ અત્યાર સુધીમાં અફઘાનિસ્તાનમાંથી ૧૦૦૦થી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના વડપણ હેઠળ જી-૭ દેશોના નેતાઓએ માનવતાવાદી સ્થળાંતર કે બચાવ અભિયાન સારી રીતે કરી શકાય તે માટે ૩૧ ઓગસ્ટની સમયમર્યાદા લંબાવવા અમેરિકી પ્રમુખ જો બાઈડેન સમક્ષ રીતસરનો ખોળો પાર્થર્યો એમ કહીએ તો પણ ચાલે તેમ છે. જોકે, બાઈડેન નામક્કર ગયા છે અને કોઈ પણ સંજોગોમાં આ તારીખ બદલાશે નહિ તેમ સ્પષ્ટ કરી દીધું છે. એ વાત પણ સાચી છે કે અમેરિકાના પોતાના કારણો છે. તેને ભય છે કે અમેરિકી લશ્કર વધુ સમય રહેવાનો પ્રયત્ન કરશે તો છંછેડાયેલા તાલિબાન કટ્ટરવાદીઓ લોહીની નદી વહેડાવતા જરા પણ અચકાશે નહિ અને નિર્દોષ નાગરિકો પણ તેનો ભોગ બની શકે છે. આથી, હોળીનું નાળિયેર બનવા કરતા સમયસર ચાલ્યા જવું સારું. અમેરિકાના શિરે તો પોતાના સૈનિકોને પાછા લઈ જવાની વિકટ કામગીરી પણ છે.
તાલિબાને બ્રિટિશ પેરાટ્રુપર્સને પણ વહેલી તકે દેશ છોડી જવાનું ફરમાન કર્યું છે. આદેશ માનવામાં નહિ આવે તો યુદ્ધની ધમકી પણ આપી દીધી છે. જ્હોન્સન તો હવે તાલિબાનને વિનંતી કરવા સિવાય કશું કરી શકે તેમ નથી. આર્થિક કે રાજકીય પ્રતિબંધોની લાકડી ઠપકારીએ તો પણ હાલ કોઈ તેને ધ્યાનમાં લે તેમ નથી. બીજી તરફ, તાલિબાન પણ આંતરવિગ્રહને શાંત કર્યા વિના શાસન ચલાવી શકે તેમ નથી. થોડો સમય સૌમ્ય ચહેરો બતાવ્યા પછી તેને સ્ત્રીવિરોધી પંજો બહાર આવ્યો છે અને શરિયા કાયદાને જ મહત્ત્વ આપવાની જાહેરાત પછી તેઓ ક્યાં જઈને અટકશે તે માત્ર સમય કહી શકે છે.
