સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Tuesday 24th August 2021 16:41 EDT
 

• ભારતનો સૌ પ્રથમ સ્મોગ ટાવર દિલ્હીમાં ઉભો કરાયો: દેશમાં સૌથી વધુ પ્રદુષિત ગણાતા પાટનગર દિલ્હીના કોનાટ પ્લેસ વિસ્તારમાં દેશના સૌ પ્રથમ સ્મોગ ટાવરને મૂકવામાં આવ્યો હતો અને દિલ્હી રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેનું ઉદઘાટન કર્યું હતું.આ પ્રસંગે કેજરીવાલે કહ્યું હતું કે આ ટાવર એક સીમાચિહ્નરૂપ સાબિત થશે અને જો તેના સારા પરિણામ મળશે તો શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારના અન્ય ટાવર પણ ઉભા કરવામાં આવશે.
• સિદ્ધુના સલાહકારે ઇન્દિરાને હત્યારા દર્શાવતો સ્કેચ શેર કરતા વિવાદઃ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધૂના સલાહકાર મલવિંદરસિંહ માલીએ પૂર્વ વડાંપ્રધાન અને કોંગ્રેસના નેતા ઇંદિરા ગાંધીનું એક સ્કેચ શેર કરીને વિવાદ છેડયો છે. આ સ્કેચમાં ઇંદિરા ગાંધીને હત્યારા દર્શાવવામાં આવ્યા છે. જેને પગલે કોંગ્રેસના નેતાઓ જ મલવિંદરની ટીકા કરી રહ્યા છે.
• કોરોના કેસ ઘટતા યુએઈએ ભારતીય પાસપોર્ટધારકોને ટૂરિસ્ટ વિઝા આપવાનું શરૂ કર્યુંઃ કોરોનાનાં કેસમાં ઘટાડો તા યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ) દ્વારા ભારતીય પાસપોર્ટ ધારકોને ટૂરિસ્ટ વિઝા આપવાનું નક્કી કરાયું છે. જે ભારતીય પોસપોર્ટ ધારકો ૧૪ દિવસથી દેશમાં ન હોય તેમને જ ટૂરિસ્ટ વિઝા આપવામાં આવશે. યુએઈએ નેપાળ, નાઇઝીરિયા, પાકિસ્તાન, શ્રીલંકા અને યુગાન્ડાનાં લોકોને પણ ટૂરીસ્ટ વિઝા આપવાનં ન્ક્કી કર્યું છે. હાલ યુએઈનાં નાગરીકોને ટ્રાન્ઝિટ પેસેન્જર્સને જ યુએઈમાં આવવા પરવાનગી અપાય છે.
• ૪૮૩ ઇન્ફ્રા પ્રોજેક્ટના ખર્ચમાં રૂપિયા ૪.૪૩ લાખ કરોડનો વધારો, ૫૦૪ પ્રોજેક્ટ વિલંબમાંઃ દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના રૂ. ૧૫૦ કરોડથી વધારે ખર્ચ ધરાવતાં ૪૮૩ પ્રોજેક્ટના ખર્ચમાં નક્કી કરેલા અંદાજ કરતાં રૂ. ૪.૪૩ લાખ કરોડથી વધુની વૃદ્ધિ નોંધાઇ છે. રિપોર્ટ અનુસાર પ્રોજેક્ટમાં વિલંબ, અન્ય કારણોસર આ પ્રોજેક્ટના કુલ ખર્ચમાં વધારો થયો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન રૂપિયા ૧૫૦ કરોડથી વધારે ખર્ચ ધરાવતાં પ્રોજેક્ટ પર દેખરેખ રાખે છે. રિપોર્ટ મુજબ આ પ્રકારના ૧૭૮૧ પ્રોજેક્ટમાંથી ૪૮૩ પ્રોજેક્ટનો ખર્ચ વધ્યો છે, જ્યારે અન્ય ૫૦૪ પ્રોજેક્ટ વિલંબમાં પડયા છે.
• ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની મુદત વધારીઃ વિશ્વ કોરોનાની દહેશતમાં હજી પણ જીવી રહ્યું છે. તે અરસામાં ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન જેસિન્ડા આર્ડર્ને ડેલ્ટા વેરિઅન્ટ સંક્રમણનો વ્યાપ વધતાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની મુદત મંગળવાર સુધી વધારવા નિર્ણય લીધો હતો. રાષ્ટ્રવ્યાપી લોકડાઉન હવે મંગળવાર મધરાત સુધી રહેશે.
• ઓલિમ્પિક મેડલિસ્ટે બાળકની હાર્ટ સર્જરી માટે મેડલની હરાજી કરીઃ હાલમાં જ સંપન્ન થયેલા ટોક્યો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ મેળવનાર પોલેન્ડની એથ્લીટે પોતાના દેશમાં ૮ મહિનાના બાળકની હાર્ટ સર્જરી માટે ભંડોળ એકત્ર કરવા મેડલની હરાજી કરી હતી. મારિયા આન્દ્રેજીકે મેડલની હરાજી કરીને૧.૨૫ લાખ ડૉલરનું ભંડોળ એકત્ર કર્યું હતું. ડેઇલી મેલના અહેવાલ મુજબ પોલેન્ડની જ એક વ્યક્તિએ મારિયાનો મેડલ ખરીદી લીધો હતો. જો કે બાદમાં એબેકા પોલ્સ્કા નામની આ વ્યક્તિએ મારિયાને તેનો મેડલ પરત કરી દીધો હતો. ભંડોળ એકત્ર થયા બાદ આઠ મહિનાના બાળકની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં સર્જરી કરવામાં આવશે. ટોક્યો ઓલિમ્પિક્સમાં મારિયાએ ૬૪.૬૧ મીટરના અંતરે ભાલો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.
• ડેલ્ટા વેરિયન્ટ વિશ્વભરમાં મોટો સ્ટ્રેન બની જશેઃ WHOઃ કોરોના વાઇરસનો ડેલ્ટા વેરિયન્ટ અત્યાર સુધીમાં ૧૩૨ દેશમાં ફેલાઇ ચૂક્યો છે. આ દેશોમાં કોરોનાના જે કેસ સામે આવી રહ્યા છે તેમાંથી ૮૦ થી 90% ડેલ્ટા વેરિયન્ટના જ છે. આ સંદર્ભે WHOએ ચેતવણી આપી છે કે વધુ ઝડપથી સંક્રમણ ફેલાવતો ડેલ્ટા વેરિયન્ટ ટૂંક સમયમાં વિશ્વભરમાં મોટો સ્ટ્રેન બની જશે.
• લાહોરમાં મહારાજા રણજિતસિંહની પ્રતિમા ત્રીજી વખત તોડવામાં આવીઃ પાકિસ્તાનના લાહોરમાં હાઈ સિક્યુરિટી ઝોન એવા લાહોર ફોર્ટમાં મૂકવામાં આવેલી મહારાજા રણજિતસિંહની પ્રતિમાનો હાથ તથા અન્ય ભાગ એક માણસેે તોડી નાંખ્યા હતા. આસપાસના અન્ય લોકોએ દોડી આવીને તેને વધુ ભાંગફોડ કરતો અટકાવ્યો હતો. પોલીસે એ માણસની ધરપકડ કરી લીધી હતી. ૯ ફૂટ ઊંચી આ પ્રતિમા કાંસામાંથી બનાવવામાં આવી હતી. મહારાજા રણજિતસિંહની પ્રતિમા તોડવાની આ ત્રીજી ઘટના હતી.
• ઓનર કિલિંગઃ પાક મોડલની સાવકા ભાઇને હત્યા કરીઃ પાકિસ્તાનમાં ઓનર કિલિંગનો કેસ સામે આવ્યો છે. લાહોર પોલિસે સોમવારે કહ્યું કે, ગયા મહિને પોતાના જ ઘરમાં મૃત્યુ પામેલી સ્થિતિમાં મળેલી મોડલ નાયાબ નદીની હત્યા તેના જ સાવકા ભાઇએ કરી હતી. તે એ વાતની નારાજ હતો. કે નાયાબે તેના પરિવારની પ્રતિષ્ઠા ધૂળમાં મિલાવી દીધી છે. આ ઘટના ૧૧ જુલાઇની છે. આ હત્યા કેસની તપાસમાં દોષિતનો ઇરાદો સામે આવ્યો છે. પોલીસ પ્રવક્તા રાણા આરિફે કહ્યું છે કે નાયબના સાવકા ભાઇ મોહમ્મદ અસલમે ગુનો કબુલી લીધો છે.
• શ્રીનગરમાં ટીઆરએફનો વડો અબ્બાસ સહિત બે આતંકી એન્કાઉન્ટરમાં ઠારઃ જમ્મુ-કાશ્મીરમાં પોલીસ એન્કાઉન્ટરમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અબ્બાસ શેખ સહિત બે ઠાર થયા હતા. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના કાશ્મીર માટે બનેલા આતંકી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફોર્સ (ટીઆરએફ)નું સંચાલન અબ્બાસ શેખ કરતો હતો. શ્રીનગરમાં તેને ઠાર કરાયો હતો. કાશ્મીરના ઉચ્ચ પોલીસ અધિકારી વિજય કુમારે જણાવ્યું હતું કે શ્રીનગરમાં પોલીસે ટીઆરએફના વડા આતંકવાદી અબ્બાસ શેખને ઠાર કરી દીધો હતો. શ્રીનગરના આલૂચી બાગ નજીક અબ્બાસ શેખ અને તેનો સાગરિત સાકિબ મનઝૂર છુપાયા હોવાની બાતમી મળી હતી. એ પછી પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એ વખતે અબ્બાસ અને તેના સાગરિતે પોલીસ જવાનો ઉપર ફાયરિંગ કર્યું હતું. પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. સંઘર્ષના અંતે બંને આતંકવાદીઓ માર્યા ગયા હતા.
• તાલિબાનીઓની જેમ અમારી ધીરજ ખૂટશે તો તમે પણ નહીં રહો-મહેબૂબાઃ જમ્મુ કાશ્મીરની ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફઅતીએ શનિવારે તાલિબાનોનું ઉદાહરણ આપીને કેન્દ્ર સરકારને સીધી ધમકી આપી હતી. તેણે કેન્દ્ર સરકારને જમ્મુ-કાશ્મીરના લોકો સાથે વાતચીત શરૂ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે જમ્મુ એન્ડ કાશ્મીરને ફરીતી વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. મુફ્તીએ જણાવ્યું હતું કે, તાલિબાનોએ અમેરિકનોને ભાગવા માટે મજબૂર કર્યા છે. અમારી ધીરજની કસોટી ના કરો. જે દિવસે અમારી ધીરજ ખૂટી જશે, તમે(કેન્દ્ર સરકાર) પણ નહી રહો. ખતમ થઇ જશો. તેણે જણાવ્યું હતું કે જો કેન્દ્ર સરકાર જમ્મુ એન્ડ કાશ્મીરમાં શાંતિને સુનિશ્ચિત કરવા માંગતી હોય તો તેમણે કલમ ૩૭૦ને ફરીથી લાગુ કરવી પડશે અને વાતચિત મારફત કાશ્મીરનો મુદ્દો હલ કરવો પડશે.
• ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટમાં સંક્રમણનું પ્રમાણ ઘણું ઉંચું છેઃ ભારતમાં કોરોના વાઇરસના સંક્રમણના જે કેસ છે તેમાં ડેલ્ટા વેરિયન્ટ દ્વારા લાગેલા ચેપનું પ્રમાણ ઘણું ઉંચું છે એમ જીનોમ સિક્રવન્સિંગ ક્ષેત્રે સંશોધન કરતી વિવિધ લેબોરેટરીઝના બનેલા INSACOG નામના મહામંડળે કહ્યું હતું. કોરોનાએ પોતાનું સ્વરૂપ બદલી ડેલ્ટા નામે કુખ્યાત બનેલા વાઇરસના કારણે પ્રજાના અનેક વર્ગોમાં વેક્સિન અંગે પ્રવર્તતી શંકા-કુશંકા અને વેક્સિનની ઘટેલી અસર જેવી વિવિધ પરિબળોના કારણે ભારતમાં કોવિડ-૧૯ની મહામારી હજુ ચાલુ રહેવા પામી છે એમ મંડળે દાવો કર્યો હતો.
• કેબિનેટે રૂપિયા ૧૧,૦૪૦ કરોડના રાષ્ટ્રીય ખાદ્યતેલ તેલ પામ મિશનને આપી મંજૂરીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય આર્થિક બાબતોની કેબિનેટ સમિતિમાં રૂપિયા ૧૧,૦૪૦ની નાણાકીય જોગવાઈ ધરાવતી ખાદ્યતેલ-પામતેલ રાષ્ટ્રીય મિશનયોજનાને મંજૂરી આપી હતી. યોજના અંતર્ગત તેલીબિયાં અને તેલ પામની ઉત્પાદકતા વધારવા પર ભાર મૂકવામાં આવશે. કૃષિપ્રધાન નરેન્દ્રિસંહ તોમરે જણાવ્યું હતું કે, ‘આ યોજના થકી મૂડીકીય રોકામને વધારવામાં આયાત પરની નિર્ભરતાને ઘટાડવામાં અને ખેડૂતોની આવકો વધારવામાં મદદ મળશે.’ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૫ ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરતા આ નવી કેન્દ્રીય યોજનાની જાહેરાત કરી હતી. કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરે કેબિનેટ નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે પ્રધાનમંડળે પૂર્વોત્તર ક્ષેત્ર અમને નિકોબાર ટાપુ સમૂહને ધ્યાને રાખીને એનએમઇઓ ઓપીની જાહેરાત કરી છે. ખાદ્યતેલોની આયાત નિર્ભરતા ઘટાડવા પામતેલની ખેતી અને ઉત્પાદન વધારવું જરૂરી બની રહે છે.
• પાક. ભારતીયો માટે કરતારપુર ખોલશે, રસી લીધી હોય તો જ પ્રવેશઃ પાકિસ્તાને જાહેરાત કરી છે કે તે પોતાના દેશમાં આવેલા કર્તારપુર સાહિબની મુલાકાત માટે શીખોને છુટ આપશે, જોકે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જે શીખોએ રસી લઇ લીધી હોય તેમને જ પ્રવેશની અનુમતી આપવામાં આવશે તેવી સ્પષ્ટતા પણ કરી હતી. આગામી મહિને ૨૨મી સપ્ટેમ્બરે શીખ ધર્મગુરૂ ગુરૂ નાનકદેવની ૪૮૨મી પુણ્યતિથિ આવી રહી છે. જેને પગલે પાકિસ્તાને કરતારપુર સ્થિત દરબાર સાહિબ ગુરૂદ્વારાના દ્વાર ખોલવા અને યાત્રાળુઓને પ્રવેશવાની છુટ આપવાનો નિર્ણય લીધો છે. જે પણ યાત્રાળુઓએ કોરોનાની રસી લઇ લીધી હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે.
• કર્ણાટક નેશનલ એજ્યુકેશન પોલિસીનો અમલ કરનારા પ્રથમ રાજ્યઃ બોમ્મઇઃ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(એનઇપી)ના અમલમાં મદદ મળી રહે તે માટે રાજ્યમાં ડિજિટાઇઝેશન, રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટેની એક પોલિસી લોન્ચ કરવામાં આવશે તેમ કર્ણાટકના મુખ્યપ્રાન બસવરાજ બોમ્મઇએ એક નિવેદનમાં જણાવ્યું છે.


comments powered by Disqus