આણંદઃ અમેરિકામાં ભારતીય ગુજરાતીની કમકમાટી ભરી હત્યાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. અમેરિકામાં અશ્વેત નાગરિકો લૂંટના ઈરાદે ગુજરાતીઓને લક્ષ્યાંક બનાવતા હોવાની ઘટનાઓ સમયે સમયે બહાર આવતી રહે છે. હાલ આણંદ જિલ્લાના ભાદરણ ગામના નવયુવાન વ્યાવસાયિકની હત્યાની ઘટનાએ ચરોતર પંથકને શોકમય કર્યું છે. ન્યૂયોર્ક પોલીસે આ સંદર્ભે ગુનો નોંધ્યો હતો.
આણંદના બોરસદ તાલુકાના ભાદરણ ગામના ૩૫ વર્ષીય યુવાનની કમકમાટી ભરી હત્યાનો મામલો બહાર આવ્યો છે. ન્યૂયોર્ક સિટીમાં સ્ટોર ધરાવતા કિંશુક પટેલ રાત્રિના સમયે સ્ટોર બંધ કરી ઘરે જઈ રહ્યા હતા, જે સમયે ત્યાં અશ્વેત યુવાનો આવ્યા અને કંઈક વસ્તુની માગણી કરી, જે બાબતે કિંશુક પટેલે સ્ટોર બંધ થઈ ગયાનું કહ્યું તો ઉશ્કેરાયેલા ઈસમોએ કિંશુક પટેલના માથામાં મોટી અને ગંભીર ઈજાઓ કરી હતી. એ બાદ હુમલાખોરોએ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા કિંશુકને સ્ટોર રૂમમાં બંધ કરી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. મહત્ત્વનું છે કે આ સમયે ગંભીર ઈજાઓથી કણસતા કિંશુક પટેલ પાસેનો મોબાઇલ પણ હત્યારા લૂંટારાઓ લઈ ગયા હોઈ, તે ઘરે સંપર્ક પણ કરી શક્યો નહોતો. કિંશુક સમયસર ઘરે ન આવતાં તેના પિતાએ મામાનો સંપર્ક કરતાં મામા સ્ટોર પર ગયા ત્યારે કિંશુક સ્ટોરમાં પીડાથી કણસતો હતો. ખૂબ લોહી વહી ગયું હતું. તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેને હોસ્પિટલ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે જ રસ્તા પર જ તેનું મૃત્યું થયું હતું.
ન્યૂયોર્ક પોલીસે સ્ટોર અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી હત્યારાઓને ઝડપવા ટીમો કાર્યરત કરી દીધી હતી. કિંશુક પટેલ ૨૫ વર્ષની ઉંમરે અમેરિકા પહોંચ્યો હતો. ૯ વર્ષના ટૂંકા ગાળામાં તેણે પરિવાર સાથે મળી ત્રણ સ્ટોર ઊભા કર્યા છે. ૨૦૧૫માં ધર્મજની રુચિતા સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવનમાં તેમને બે દીકરા છે. આ ગમખ્વાર બનાવના સમાચાર ભાદરણ અને ધર્મજ ગામે મૃતક કિંશુકના સગાઓ અને મિત્રોને મળતાં શોક પ્રસરી ગયો હતો. અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યાના બનાવ ચિંતાજનક રીતે વધી રહ્યા હોઈ, ગુજરાતીઓમાં રોષની લાગણી પ્રસરી છે.