નવી દિલ્હીઃ છત્રસાલ સ્ટેડિયમમાં જુનિયર પહેલવાન સાગર રાણા હત્યાકેસમાં ૧૮ દિવસથી ફરાર ઓલિમ્પિક મેડાલિસ્ટ કુસ્તીબાજ સુશીલકુમાર અને તેનાં સાગરીત અજયની દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી આખરે ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે બંનેને ઝડપી લીધા હતા. હત્યાના દિવસે ચોથી મેના રોજથી આ બંને આરોપીઓ ગુમ થઈ ગયા હતા. સુશીલ પર દિલ્હી પોલીસે રૂ. ૧ લાખ અને અજય પર રૂ. ૫૦,૦૦૦નું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સુશીલ કુમારે આગોતરા જામીન માટે અરજી કરાઈ હતી, જેને કોર્ટે ફગાવી હતી. સ્પેશિયલ સેલ દ્વારા તેને રોહિણી કોર્ટમાં હાજર કરાતા છ દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર કરાયા હતા. સુશીલ કુમાર પર હત્યા, અપહરણ અને ગુનાઈત કાવતરું રચવાની કલમો હેઠળ કેસ કરાયો છે.
સમગ્ર ઘટનાક્રમ
પોલીસના જણાવ્યા મુજબ ચોથી મેના રોજ મોડી રાત્રે દિલ્હીના મોડલ ટાઉન થાણા વિસ્તારમાં સુશીલ કુમાર અને તેના સાથીઓએ એક ફ્લેટમાં સાગર અને તેના કેટલાક મિત્રોનું અપહરણ કરીને પૂરી દીધા હતા. છત્રસાલ સ્ટેડિયમમાં લઈ જઈને તેમની સાથે મારપીટ કરી હતી. સીસીટીવી ફુટેજમાં સુશીલ કુમાર અને તેના સાથીઓ સાગર રાણાને હોકી સ્ટિક દ્વારા મારપીટ કરીને અધમૂઓ કરતા જણાયા હતા. સ્ટેડિયમનાં પાર્કિંગમાં કુસ્તીબીજોનાં બે ગ્રૂપ વચ્ચે ફાયરિંગ થયું હતું જેમાં ૫ પહેલવાનને ઈજા થઈ હતી. જેમાં સાગર, સોનુ, અમિત-કુમાર તેમજ અન્ય બે પહેલવાનનો સમાવેશ થાય છે. સારવાર દરમિયાન સાગરનું મોત થયું હતું. સાગર દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલનો પુત્ર હતો.
સાગર અને તેના સાથીઓ જે મકાનમાં રહેતા હતા તે મકાન ખાલી કરાવવા સુશીલ કુમાર અને તેના સાથીઓ દબાણ કરતા હતા. આ મકાન સુશીલ કુમારની પત્નીના નામે હોવાનું જાણવા મળે છે. સાગર મકાનનું ભાડું આપતો ન હતો. સાગરે સુશીલ કુમારને ખુલ્લેઆમ બદમાશ કહ્યો હતો. આથી સુશીલ કુમાર રોષે ભરાયો હતો અને સાગરને પાઠ ભણાવવા માગતો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ૫ વાહનો અને એક ડબલ બેરલ લોડેડ ગન, ૩ જીવતા કારતૂસ જપ્ત કર્યા હતાં.
સુશીલ કુમારે આક્ષેપો ફગાવ્યા
જોકે સુશીલકુમારે તેની સામેના આરોપોને ફગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે જેની સાથે ઘટના બની છે તે અમારા સાથી પહેલવાનો નથી. કેટલાક અજાણ્યા લોકોએ અમારી પ્રિમાઈસિસમાં ઘૂસીને મારામારી કરી હતી.
સુશીલ કુમારને ૨૦૧૨માં લંડન ઓલિમ્પિક અને ૨૦૦૮માં બેઈજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. એક વખત તેના નામે વર્લ્ડ ટાઇટલ હતું. કોમનવેલ્થ ગેમ્સમાં તેણે ૩ વખત ગોલ્ડમેડલ જીત્યો હતો. તેનું પદ્મશ્રી, અર્જુન એવોર્ડ અને રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માન પણ કરવામાં આવ્યું છે.