જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરાયાને લગભગ બે વર્ષ પછી રાજ્યને મુખ્ય પ્રવાહમાં જોડવાના આશય સાથે કેન્દ્ર સરકાર અને સ્થાનિક પક્ષો વચ્ચે પ્રથમ સર્વપક્ષીય બેઠક સૌહાર્દપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સર્વપક્ષીય બેઠક માટે કાશ્મીરની રાજકીય પાર્ટીઓને આમંત્રણ મોકલ્યું ત્યારે પીડીપી જેવા કેટલાક પક્ષોના મોં વંકાયા હતા અને બેઠકમાં ભાગ લેવાનો ઈનકાર કર્યો.
મોદી સરકારનો એજન્ડા સ્પષ્ટ હતો કે વહી ગયેલા પાણી પાછાં વળી ન શકે તેમ કાશ્મીરમાં કલમ ૩૭૦ પુનઃસ્થાપિત કરવાની વાત જ નહિ થાય. સરકારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. પરંતુ, રાજ્યમાં ચૂંટણી યોજાય તે પહેલા વિધાનસભા બેઠકોના ડિલિમિટેશન અથવા સીમાંકન કરાવવાનો આગ્રહ પણ રાખ્યો છે. નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લાહ, ઓમર અબ્દુલ્લાહ, પીડીપીના સર્વેસર્વા મહેબૂબા મુફ્તી સહિત ગુપકાર સંગઠનના નેતાઓ અત્યાર સુધી કાશ્મીરને બાપિકી મિલકત ગણતા રહ્યા છે. કાશ્મીરની જનતા અને કશ્મિરિયતના નામે તેમણે ધુપ્પલ જ ચલાવ્યું છે. સીમાંકન સામે તેમનો વિરોધ હોય તે સ્વાભાવિક છે પરંતુ, કાયદા નિષ્ણાતો અનુસાર સીમાંકન રાજકીય ચર્ચાને વિષય જ નથી. રાજ્યની પ્રજાને પૂરતું પ્રતિનિધિત્વ આપવા માટે તે આવશ્યક છે. વિચિત્રતા એ છે કે કાશ્મીર કરતાં જમ્મુની વસ્તી વધુ છતાં જમ્મુ ક્ષેત્રની વિધાનસભા બેઠકો ઓછી છે. સીમાંકનના કારણે બંને ક્ષેત્રનું પ્રતિનિધિત્વ લગભગ સરખું થઈ જશે. અબ્દુલ્લાહ સરકારે તો ૨૦૨૬ સુધી સીમાંકન ન થઈ શકે તેવો આદેશ પસાર કર્યો હતો જેના પર પાણી ફરી વળ્યું છે. મહેબૂબા મુફ્તીએ તો આર્ટિકલ ૩૭૦ પુનઃસ્થાપિત કરવા અને કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે વાટાઘાટોનો જૂનો-જાણીતો રાગ આલાપ્યો છે.
જોકે, વાસ્તવિકતા એ છે કે પાકિસ્તાન હાલ મુશ્કેલીમાં આવી પડ્યું છે. આતંકીઓને મદદ કરી ભારત પર હુમલા કરાવવા પાકિસ્તાનને ભારે પડી રહ્યા છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેને પગલે હવે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક ફટકો લાગશે. પાકિસ્તાન પણ નવી કાશ્મીર યોજનાથી અકળાયું છે પરંતુ, તેના ધમપછાડા હવે કશું કરી શકે તેમ નથી.
