સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Wednesday 30th June 2021 08:05 EDT
 

પ્રવાસી કર્મચારીઓ માટે મુંબઈ દેશનું સૌથી ખર્ચાળ શહેર બન્યું, એશિયામાં ૨૦મા સ્થાનેઃ વિદેશી કર્મચારીઓ માટે રહેવાના ખર્ચની ગણતરી કરતાં આ વર્ષે મુંબઈ દેશનું સૌથી મોંઘું શહેર સાબિત થયું હતું. એશિયાના શહેરમાં મુંબઈનું સ્થાન ૧૮ પગથિયાં ગગડીને ૨૦માં નંબરે આવી ગયું હતું. જ્યારે આખા વિશ્વના મહાનગરોમાં તુર્કમેનિસ્તાનનું અશાગાબાત શહેર વિશ્વનું સૌથી મોંઘું શહેર સાબિત થયું હતું. આ યાદીમાં અમેરિકાના ન્યૂયોર્ક શહેરનો નંબર ૧૪મો આવ્યો હતો. મર્સર કોસ્ટ ઓફ લિવિંગ સર્વેમાં વિશ્વના ૨૦૯ મહાનગરોમાં રહેતા વિદેશી કર્મચારીઓએ રહેવા, ખાવા, પહેરવા, ઘરવખરી, મનોરંજન અને અવરજવર જેવી ૨૦૦ જેટલી બાબતે કેટલો ખર્ચ કરવો પડે છે, એના આંકડા જાણીને તેને ડોલરમાં કન્વર્ટ કરવામાં આવ્યા હતા અને પછી ડોલર મુજબ દરેક શહેરની સરખામણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે આ યાદીમાં ટોક્યો, શાંઘાઈ, ઝૂરિચ અને સિંગાપોર જેવાં શહેરો ટોપ ફાઈવમાં સ્થાન મેળવતા રહે છે. અશાગાબાત શહેર સૌથી ખર્ચાળ સાબિત થયું એની પાછળ તુક્મેનિસ્તાનમાં ચાલી રહેલી આર્થિક કટોકટી કારણરૂપ હોવાનું મર્સરના નિષ્ણાતોએ જણાવ્યું હતું. આવા જ કારણોસર લેબેનોનનું બૈરુત શહેર પણ ૪૨ પગથિયાંનો કૂદકો લગાવીને ત્રીજા ક્રમે આવી ગયું હતું. અહીં આર્થિક સમસ્યા કોરોના વેવના કારણે અને ગયા વર્ષે થયેલા મહાવિનાશક વિસ્ફોટના કારણે સર્જાઈ હતી.
ભારત બાયોટેકની કોવેક્સિનની ખરીદીમાં બ્રાઝિલના પ્રમુખ સામે ભ્રષ્ટાચારના આરોપઃ સરકારના ગઠબંધનના જ એક સંસદસભ્ય લુઈસ મિરાન્ડાએ બ્રાઝિલના પ્રમુખ જેર બોલ્સોનારોને દેશના વેક્સિનેશન પ્રોગ્રામ માટે ભારતની કંપની પાસેથી કોવેક્સિનની મોટાપાયે ખરીદીના કરારમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ સાથે વિવાદમાં ઘસડયા હતા. તેમણે સંસદમાં જણાવ્યું હતું કે વેક્સિન ખરીદીના દસ્તાવેજોનું પૃથક્કરણ કરતાં જાણવા મળ્યું કે, સરકાર પાસેના દસ્તાવેજનું લખાણ ભારત બાયોટેકના ઓરિજિનલ કરારના લખાણ સાથે મેચ થતું નથી. આ તફાવત રકમની ચુકવણી શી રીતે થશે, કેટલા ડોઝ કંપની આપશે અને વેક્સિન કઈ કઈ કંપની દ્વારા આપવામાં આવશે એની વિગતોમાં જોવા મળે છે. હવે બ્રાઝિલના ઈતિહાસમાં પહેલી જ વખત સંસદ સરકારની કોરોનાકાળની કામગીરીની તપાસ કરી રહી છે.
તેમાં પ્રમુખ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આક્ષેપને તપાસી રહી છે.
અમેરિકાને પછાડીને ભારત મોખરે ૩૨.૩૬ કરોડ લોકોને વેક્સિન અપાઈઃ કોરોનાને હરાવવાની લડાઈ ભારતે આક્રમક બનાવી છે. ૧૬મી જાન્યુઆરીથી શરૂ કરવામાં આવેલી વેક્સિનેશન ઝુંબેશ ૨૧મી જૂન પછી વધુ ગતિશીલ બની છે. અત્યાર સુધીમાં દેશમાં ૩૨.૩૬ કરોડ લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. આમ વેક્સિનેશનના સંદર્બમાં ભારત અમેરિકાથી આગળ નીકળી ગયું છે. દેશમાં કુલ ૩૨,૩૬,૨૯૭ લોકોને વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે. વેક્સિન આપવામાં અમેરિકા હવે બીજા ક્રમે આવી ગયું છે ત્યાં ૩૨.૩૩ કરોડ લોકોને વેક્સિન અપાઈ છે. અમેરિકાએ ૧૪ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ વેક્સિન ડ્રાઈવ શરૂ કરી હતી જ્યારે ભારતે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ વેક્સિન ઝુંબેશ હાથ ધરી હતી.
માલ્યા, મોદી, ચોક્સીનું રૂ. ૨૨,૫૮૬ કરોડનું કૌભાંડઃ નિરવ મોદી, મેહુલ ચોકસી અને વિજય માલ્યાએ આચરેલી છેતરપિંડીને કારણે થયેલા નુકસાન પૈકી ૪૦ ટકાથી વધુ નુકસાન વસૂલ કરી લેવામાં આવ્યું છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ ત્રણેય ભાગેડું આરોપીઓની ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિ વેચીને અત્યાર સુધીમાં ૯,૩૭૧ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. જે આ ત્રણેયને કારણે થયેલા કુલ નુકસાન ૨૨,૫૮૬ કરોડ રૂપિયાના ૪૦ ટકાથી વધારે થાય છે. ઉલ્લેખનીય છે કે નિરવ મોદી અને મેહુલ ચોક્સી બંનેએ મળીને પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હતી. માલ્યા દ્વારા ૯૦૦૦ કરોડ રૂપિયાનું કિંગફિશર એરલાઇન્સ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આમ ત્રણેય દ્વારા સરકારી બેંકોને કુલ ૨૨,૫૮૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
દુનિયાની ટોપ-૧૦૦ મેડિકલ કૉલેજોમાં ભારતની આ ૬ મેડિકલ કૉલેજનો સમાવેશ: દુનિયામાં કોરોના મહામારી વચ્ચે ટોપ ૧૦૦ બેસ્ટ મેડિકલ કોલેજોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ લિસ્ટમાં દિલ્હીની AIIMS મેડિકલ કોલેજે ૨૩મો ક્રમાંક મેળવ્યો છે. દુનિયાની ટોપ ૧૦૦ના મેડિકલ કોલેજોના લિસ્ટમાં દેશની ૬ મેડિકલ કોલેજોનો સમાવેશ થાય છે. દિલ્હીની AIIMSએ ઓક્સફેર્ડ યુનિ. મેડિકલ સ્કૂલ અને યુનિ. કોલેજ લંડન (UCL)ને પછાડી દીધી છે. ઓક્સફેર્ડ યુનિ. મેડિકલ સ્કૂલને દિલ્હી AIIMSથી ૦.૩૬ પોઇન્ટ ઓછા મળ્યા છે જેના કારણે તેને ૨૪મો નંબર આપવામાં આવ્યો છે. અમેરિકાના CEO વર્લ્ડ મેગેઝિન દ્વારા ૯૦ હજાર લોકોના મતના આધારે લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. લિસ્ટમાં અમેરિકાની જોન હોપકિન્સ યુનિ. સ્કૂલ ઓફ મેડિસિનને દુનિયાની સૌથી બેસ્ટ કોલેજ તરીકે પસંદ કરવામાં આવી છે. જ્યારે હાવર્ડ મેડિકલ સ્કૂલને લિસ્ટમાં બીજું સ્થાન આપવામાં આવ્યું છે.
ચીને વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો હાઇડ્રો પાવર ડેમ શરૂ કર્યોઃ ચીને દુનિયાના બીજા નંબરના સૌથી મોટા હાઇડ્રોપાવર ડેમને શરૂ કરી દીધો છે. દક્ષિણ પશ્ચિમ ચીનમાં ૨૮૯ મીટર (૯૪૮ ફૂટ) ઊંચા બૈહિતાન હાઇડ્રોપાવર ડેમ વીજળી ઉત્પાદનના મામલે દેશના થ્રી ગોરજેસ ડેમ બાદ દુનિયામાં બીજા સ્થાને છે. હૈતાન ડેમને ૧૬,૦૦૦ મેગાવોટની કુલ સ્થાપિત ક્ષમતા સાથે બનાવવામાં આવ્યો હતો જેનો અર્થ છે કે આ ડેમ ૫,૦૦,૦૦૦ લોકોની વીજ જરૂરિયાતોને પૂરી કરવાની ક્ષમતા ધરાવે છે. આ ડેમ જીન્શા નદી પર સ્થિત છે, જે યાંગત્સી નદીની ઉપરનો હિસ્સો છે અને આ દક્ષિણ પશ્ચિમી પ્રાંત યુન્નાન અને સિચુઆન સુધી ફેલાયેલો છે. ચીને યાંગત્સી નદી પર ત્રણ મોટા ડેમ બાંધ્યા છે અને ભારતના અરુણાચલપ્રદેશ પાસે તિબ્બતમાં બ્રહ્મપુત્રા નદી પર મોટો ડેમ બાંધવાની તૈયારી કરી રહ્યો છે. બૈહિતાન હાઇડ્રોપાવર ડેમને લઈને પર્યાવરણ પ્રેમીઓએ ચેતવણી આપી છે. આ ડેમના નિર્માણ દરમિયાન દુર્લભ વનસ્પતિઓ અને પ્રાણીઓના રહેઠાણને મોટા પાયે નુકસાન થયું હતું.
 સ્વીડનના વડાપ્રધાન લોફવેનનું રાજીનામુંઃ સ્વીડનના વડાપ્રધાન સ્ટિફન લોફવેને સંસંદમાં વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળતા પછી રાજીનામું કે ચૂંટણી બેમાંથી એક વિકલ્પ પંસદ કરવાની ડેડલાઈન પૂરી થતાં પહેલાં જ રાજીનામું આપી દીધું હતું. હવે કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે એવા સંજોગોમાં બે ભાગમાં વહેંચાયેલી સંસદમાંથી નવા વડાપ્રધાનની વરણી કરવાની જવાબદારી સ્પીકર ઉપર આવી પડી હતી. સ્ટિફન લોફવેન ૨૧ જૂને ડાબેરી પક્ષે ટેકો પાછો ખેંચતાં સર્જાયેલી કટોકટીમાં સંસદમાં વિશ્વાસ મત જીતી શક્યા નહોતા. પછી તેમની પાસે બે જ વિકલ્પ બચ્યા હતા. રાજીનામું આપે અથવા ચૂંટણીઓ જાહેર કરે. લોફવેને રાજીનામું આપવાનું પસંદ કર્યું હતું.