‘ગુજરાત સમાચાર' ‘Asian Voice’ અને બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રજૂ થયેલ ઓનલાઇન Zoom કાર્યક્રમ "સંસ્કારવાહિની-ચારણી લોકસાહિત્ય"ને અભૂતપૂર્વ લોક આવકાર મળ્યા પછી હવે લોકલાગણીને માન આપી અમે તા.૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ બપોરે ૨.૦૦થી ૪.૦૦ દરમિયાન "પિતૃવંદના" કરતો સવિશેષ કાર્યક્રમ રજૂ કરવાનું સુંદર આયોજન કર્યું છે. કોરોનાકાળમાં આપણા ઘણા ભાઇ-બહેનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. એનો ઘા કદીએ, કોઇ નહિ રુઝવી શકે પરંતુ અમે આ કપરાકાળમાં આપ સૌ હળવાશ અનુભવી શકો, મનને હળવું કરી શાંતિનો અનુભવ કરી શકો એ માટે અમે આવા વિવિધ કાર્યક્રમોને ઝૂમ ઉપર રજૂ કરવાનું કર્યું છે. અમદાવાદના સ્ટુડિયો પરથી ગુજરાતનાં વિખ્યાત સ્વરકિન્નરી માયા દીપક અને એમનું કલાવૃંદ આ ઓનલાઇન ઝૂમ કાર્યક્રમમાં પિતૃવંદના કરતાં લોકપ્રિય ગુજરાતી-હિન્દી ગીતો, ભજનો રજૂ કરશે.
આ કાર્યક્રમમાં ભાગ લઇ તમે તમારા પરમ વંદનીય દિવંગત પિતાને ભાવાંજલિ આપી શકશો. “પિતૃવંદના"ના આ વિશેષ કાર્યક્રમના મુખ્ય અતિથિ પદે "ધામેચા કેશ એન્ડ કેરી"ના ડાયરેકટર પ્રદીપભાઇ ધામેચા અને પરિવારજનો ઉપસ્થિત રહેશે. ભારત અને બ્રિટનમાં સામાજીક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓમાં ઉદાર સખાવતો કરનાર લોહાણા સમાજના શ્રેષ્ઠી, ધામેચા પરિવારના આધારસ્તંભ સમા દિવંગત મુરબ્બી શ્રી ખોડીદાસભાઇ ધામેચાની એ દિવસે પ્રથમ પૂણ્યતિથી હોવાથી જામનગરના આણંદાબાવા આશ્રમના મહંત પૂ.દેવીપ્રસાદજી પણ એમનું વકતવ્ય રજૂ કરી ભાવાંજલિ આપશે. બે-અઢી કલાકના આ ઓનલાઇન 'ઝૂમ' કાર્યક્રમનું સંચાલન બ્રાયટન સ્થિત ધીરૂભાઇ ગઢવી અને 'ગુજરાત સમાચાર'ના મેનેજીંગ એડિટર કોકિલા પટેલ કરશે.
ચારણી લોકસાહિત્યનો કાર્યક્રમ જોનારા કેટલાક વાંચકોએ પત્ર પાઠવી જણાવ્યું હતું કે, Zoom પર આવા સરસ કાર્યક્રમો રજૂ થાય એમાં કાર્યક્રમના મુખ્ય થીમ વિષે થોડું અંગ્રેજીમાં કોઇ સમજાવી શકે તો યુવાપેઢીને મજા આવે. "પિતૃવંદના" કરતા આ કાર્યક્રમમાં ભારતીય વિદ્યાભવનના ડિરેકટર નંદકુમારજી અંગ્રેજીમાં પિતૃવંદના વિષે ટૂંકમાં રજૂઆત કરશે. આ કાર્યક્રમ અંગે તમારા કોઇ સૂચન હોય તો કાર્યાલયને અથવા તો ઇમેલ દ્વારા મોકલી શકો છો.
“ગુજરાત સમાચાર Asian Voice સાથે સહયોગી સંસ્થા બ્રાયટન ગુજરાતી કલ્ચરલ સોસાયટી અને Zoomનું સંચાલન કરનાર ટેકનિશ્યનો અનંતભાઇ સૂચક, મહેન્દ્રભાઇ ચૌહાણ તથા કેતનભાઇ પટેલનો પરિચય અમે આવતા સપ્તાહે પ્રસિધ્ધ કરીશું.
Zoomમાં જોડાવાની લીંક અમે આવતા સપ્તાહે પ્રસિધ્ધ કરીશું.

