કોઇપણ ક્ષેત્રમાં હો, દિલ લગાવી કામ કરો તો સફળતા તમારી છે- ઇન્દુબહેન અમીન

જ્યોત્સના શાહ Wednesday 28th July 2021 05:49 EDT
 
 

અપેક્ષા અને સ્વીકાર એ સિક્કાની બે બાજુ જેવા છે. જીવનમાં અપેક્ષા રાખીએ અને એ પૂર્ણ ન થાય તો દુ:ખી થવાય પરંતુ જે મળ્યું એનો સહર્ષ સ્વીકાર કરી ચાલીએ તો જીવનમાં ખુશીઓની ભેટ મળે. આવું જ ઇન્દુબહેન અમીનના જીવનમાં બન્યું. શિક્ષક બનવાનું સપને વિચાર્યું ન હતું પરંતુ સંજોગોવશાત્ બની ગયા પછી દિલ લગાવી આગેકૂચ કરી તો સંખ્યાબંધ વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનના અજવાળાં પાથરવાનું પુણ્ય કમાયાં.
આ ઇન્દુબહેન કનુભાઇ અમીન લગભગ ૮૭ વર્ષની વય વટાવી ચૂક્યા છે પરંતુ એમના સામાજિક કાર્યોની મહેંક કાયમ માટે પ્રેરણાદાયી બની રહેશે. મૂળ નડિયાદના શ્રી ચંદુભાઇ ભાઇલાલ પટેલ અને શ્રીમતી ચંચળબહેનના આ દિકરીએ માતા સાથે બે વર્ષની વયે નૈરોબી,આફ્રિકાની દરિયાઇ સફર ખેડી હતી. એ જમાનામાં ત્યાં કેમ્બ્રીજ સુધી જ ભણવાની સુવિધા હતી. દિકરીને વધુ અભ્યાસાર્થે એકલી વિદેશ મોકલવા મા-બાપ રાજી ન હોય! હા.. ટીચર્સ ટ્રેનિંગનો કોર્સ કરવાનો વિકલ્પ હતો. ઇન્દુબહેને એ અભ્યાસ કર્યો અને શિક્ષિકા બન્યાં. નૈરોબીમાં ત્યારે ભારતીય ભાષા, સંસ્કાર અને સંસ્કૃતિ સિંચન માટે સેવાદળ ચાલતું. એમાં યુવકો અને યુવતીઓની અલગ શાખા. “સેવિકા કેન્દ્ર"ના લીડર બન્યાં ઇન્દુબહેન. એ વખતના સંભારણા યાદ કરતાં ઇન્દુબહેને જણાવ્યું, "લગભગ ૧૯૫૩માં અમે સુવિખ્યાત આર્ટીસ્ટોનું વિશાળ એક્ઝીબીશન યોજ્યું હતું એનું ઉદ્ઘાટન એ વખતના નૈરોબીના પ્રથમ ભારતીય હાઇ કમિશ્નર શ્રી આપ્પા સાહેબ પંતના વરદ્ હસ્તે થયું હતું. જીવનનો એ અણમોલ અવસર હતો.
૧૯૫૪માં વસોના અમીન શ્રી કનુભાઇ અમીન સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. ત્રણ સંતાનોના માતા-પિતા બન્યા બાદ ત્રણ મહિનાની નાની દિકરી લઇ ૧૯૬૦માં લંડન આવ્યા. એ વખતે બાળકો નાના. બાળકો સાથે કોઇ ઘર ભાડે ના આપે. નોકરી ના મળે. નોકરી કર્યા વિના ગુજારો ના ચાલે. રંગદ્વેષ પણ ખુબ એથી શરુમાં ભારે હાલાકી વેઠવી પડી. ઘરની દિવાલો પર કેચઅપ અને તૂટેલી બોટલ્સના કાચ નાંખી હેરાન કરે. પાકી..પાકી..કહી બૂમો પાડે. એકવાર ગુસ્સો આવ્યો ને એ બધાને ધમકાવી સંભળાવી દીધું કે, તમને ભારતીય કે પાકિસ્તાનીનો ભેદ ખબર છે?
નોકરી મેળવવા બુક કીપીંગનો કોર્સ કર્યો. આખરે જોબ મળી.
"એ જમાનામાં એક પણ ભારતીય સંસ્થા અસ્તિત્વમાં ન હતી. ભારતથી ધનિકોના દિકરા-દિકરીઓ ભણવા આવતા પરંતુ ભારતીય સામાજિક, સાંસ્કૃતિક જીવનની કમી વરતાય. ભારતીય ભોજન ના મળે. વિદ્યાર્થીઓને કોલેજમાં કાર્યક્રમ કરવો હતો ને છોકરીઓની ગરબા કરવાની ઇચ્છા. હું સેવિકા દળમાં સક્રિય હતી એથી એમને કોઇએ મારું નામ આપ્યું અને તેઓ મારી પાસે આવ્યા. એમને કોલેજમાં જઇ હું ગરબા શીખવાડતી અને ઘરે લાવી જમાડતી. પછી તો મિત્રોમાં વાત વહેતી થતાં મારે ત્યાં વધુ ને વધુ વિદ્યાર્થીઓ આવતા થયા. કેટલીક વાર ત્રીસ ત્રીસ જણ આવી જાય અને મારી બાએ ભારતથી મોકલાવેલ ખાવાનાની ચીજોના પાર્સલ વીકેન્ડમાં જ ખતમ થઇ જાય. રસોઇ બનાવવામાં તેઓ મને મદદ કરે. મને ય જમાડવામાં સંતોષ મળતો. ”
૧૯૭૨માં યુગાન્ડામાં ઇદી અમીને એશિયનોની હકાલપટ્ટી કર્યા બાદ તો ભારતીયો મોટી સંખ્યામાં આવી ગયા. આપણી બહેનો માટે નવું વાતાવરણ, ભાષા આવડે નહિ. એમના માટે કંઇક કરવા પ્રયત્ન આદર્યા. એ વખતે નીરૂબહેન દેસાઇ અત્રેની સ્કુલમાં શિક્ષિકા હતા એથી સ્કુલનો હોલ મેળવવામાં સફળ રહ્યાં. ઇંગ્લીશ શીખવવાના વર્ગો શરૂ કર્યા. પરંતુ આપણી કચ્છી બહેનોને તો ગુજરાતી પણ ના આવડે. અમે ગુજરાતી શીખવાની ઝૂંબેશ આદરી. હજારો પત્રિકાઓ બનાવી એનું વિતરણ કર્યું. હકાલપટ્ટીની હાલાકી બાદ આપણા ભાઇ-બહેનોને થયું કે, આપણી યુવા પેઢી માટે માતૃભાષા અને સંસ્કૃતિ શીખવા બહુ જરુરી છે. નીરૂબેન દેસાઇ, ઇન્દુબેન અમીન, ઇન્દુબેન, ઉમાબેન સંઘવી અને કોકિલાબહેને મળી સૌ પ્રથમ એશિયન બહેનોની સંસ્થા હેરો વીમેન્સની સ્થાપના કરી. . પાછળથી હેરોમાં ગુજરાતીઓની વસ્તી વધતા એ ગુજરાતી બહેનોની સંસ્થા બની ગઇ. બહેનોને ભાષા શિક્ષણ સાથે એમનામાં રહેલ લેખન શક્તિને પ્રોત્સાહન આપતા. એમનામાં આત્મવિશ્વાસ જગાડવા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવાનું શરૂ કર્યું. દિવાળી, નવરાત્રી જેવા તહેવારોમાં યોજાતી વિવિધ હરિફાઇઓના નિર્ણાયકની ભૂમિક ભજવી.
આ દેશમાં સ્કુલોમાં શીખવવા ડીપ્લોમા ઇન ટીચીંગ કરવું પડે. જે માટે ત્રણ ભાષા આવડવી જોઇએ. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીની આવડત મને કામમાં આવી. નામ કરતા કામમાં મને વધુ રસ હતો. હેરોની નોવરહીલ સ્કુલમાં ફુલ ટાઇમ શિક્ષિકાની જોબ કરી. હેરો વિદ્યા વિહાર, સાહિત્ય અકાદમી વગેરેમાં ગુજરાતી શિક્ષણમાં પ્રવૃત્ત બન્યાં. પરીક્ષક બની એ લેવલ્સના પેપર પણ તૈયાર કર્યા.
હાલ લોકડાઉનના કારણે પ્રવૃત્તિઓ પર લગામ લાગી ગઇ હોવા છતાં ઇન્દુબહેનનો ઉત્સાહ દાદ માગી લે તેવો છે. અણધાર્યા પરિણામો અને સમસ્યાઓ એ જીવનનો હિસ્સો છે પરંતુ કોઇપણ સંજોગોમાં "આશા"નો સૂરજ આથમવા ન દેવો.


comments powered by Disqus