વિશ્વને ધીરે ધીરે કોરોના મહામારીના આઘાતમાંથી કળ વળી રહી છે અને બિઝનેસીસમાં રોકાણકારોનો વિશ્વાસ વધી રહ્યો છે. ભારતમાં જાહેર ભરણા (IPO)ની મોસમ ચાલી હોય તેમ ફ્લિપકાર્ટ, પેટીએમ અને ઝોમેટો સહિત ૨૦૨૧માં અત્યાર સુધી ૩૬ મોટા IPO જોવાં મળ્યા છે. આજકાલ યોગગુરુ બાબા રામદેવ પણ તેમના આશરે ૩૦,૦૦૦ કરોડ રુપિયાના પતંજલિ સામ્રાજ્યના કારણે ચર્ચામાં આવ્યા છે. બાબા રામદેવે આયર્વેદ અને યોગનો ભારે પ્રચાર કરવા સાથે ભારતને પ્રતિષ્ઠા અપાવી છે તેમાં કોઈ શંકા નથી.
વિદેશમાં મિલિયોનેર્સ અને બિલિયોનેર્સ છે તેમ ભારતમાં પણ તેમની કમી નથી. જોકે, ભારતમાં ધનપતિઓ નહિ, શ્રેષ્ઠીવર્ગ છે જેઓ ધનના વેડફાટના બદલે તેની ઉપયોગિતા પર વધુ ધ્યાન આપે છે. ગુજરાતના અમદાવાદમાં કસ્તુરભાઈ લાલભાઈ અને અંબાલાલ સારાભાઈ સહિતના શ્રેષ્ઠી પરિવારોએ જ્ઞાન અને વિજ્ઞાનના બહોળાં પ્રસાર માટે શિક્ષણમંદિરો સ્થાપવાને પ્રાધાન્ય આપ્યું અને તેના માટે અંગત માલિકીની જમીનો જનહિતાર્થે ફાળવી હોવાના અનેક દાખલા મળી આવે છે. ભારતમાં જમશેદજી તાતાનું નામ વિશ્વખ્યાત દાનવીર તરીકે પ્રથમ ક્રમે છે. અત્યારે પણ તાતા જૂથ એ પરંપરાને આગળ વધારી રહ્યું છે તો વિપ્રોના અઝીમ પ્રેમજી અને ઈન્ફોસીસના નારાયણ મૂર્તિ પણ પાછળ નથી. આ બાબતે વિદેશમાં એન્ડ્રયુ કાર્નેગી, જ્હોન રોકફેલર ફાઉન્ડેશન, ગેટ્સ ફાઉન્ડેશન, વોરેન બફેટ પણ અગ્રસ્થાને છે.
હાલમાં જ અંતરિક્ષયાત્રાનું સ્વપ્ન સાકાર કરનારા વિશ્વના સૌથી ધનિક અને એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની પણ વાત કરી લઈએ. પોતાના તરંગી વિચારને અમલમાં મૂકવા માત્ર ચાર મિનિટના અંતરિક્ષ પ્રવાસ પાછળ ૫.૫ બિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો છે. તેમની અવકાશયાત્રા કોઈ સંશોધન અર્થે ન હતી જેનો લાભ વિશ્વને મળવાનો હોય. એક રીતે જોઈએ તો આ ૫.૫ બિલિયન ડોલર ગરીબ દેશોને વેક્સિન, આફ્રિકન દેશોને અન્નદાન જેવી માનવીય સહાય, ગરીબ બાળકોના શિક્ષણ અથવા ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાના નિરાકરણ સહિત જનહિતાર્થે વપરાયા હોત તો દુનિયાની સિકલ કંઈક અંશે બદલી શકાઈ હોત.
આ મુદ્દે ભારતના મંદિરોનો પણ ઉલ્લેખ કરી શકાય. મોટા ભાગના મંદિરોમાં શ્રદ્ધાળુઓ અઢળક દાન આપે છે પરંતુ, મંદિરો લોકોના સ્વાસ્થ્ય, શિક્ષણ કે સુખાકારીની ચિંતા કરી સમાજનું ઋણ ચૂકવવા ધનનો કેટલો ઉપયોગ કરે છે તે યક્ષપ્રશ્ન છે. કેટલાક લોકો બિલિયોનેર બને તેમાં આપણને કોઈ વાંધાવચકા હોવા ન જોઈએ. સાચો વિરોધ તો આ ધનના બેખોફ પ્રદર્શન કે દેખાડા સામે થવો જોઈએ. તમારી પાસે કેટલું ધન છે તેનું નહિ પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે કરો છો તેનું મહત્ત્વ છે.