કન્ઝર્વેટિવ વડા પ્રધાન એલેકઝાન્ડર બોરિસ ડ પેફેલ જ્હોન્સન (બોજો)ના શાસનકાળના બે વર્ષ ૨૪ જુલાઈએ પૂર્ણ થયા છે પરંતુ, સંજોગાવશાત તેમણેે એકાંતવાસ સેવવો પડ્યો હતો. આ માણસ ખરે નસીબનો બળિયો જ કહેવાય કારણકે આ બે વર્ષમાં કોરોના મહામારી અને બ્રેક્ઝિટ સહિત ઘટનાઓ જોવા મળી છે અને તેમના માટે ચડાવ કરતા ઉતાર વધારે રહ્યા છે. હેરસ્ટાઈલની માફક બોરિસ જ્હોન્સનની લાઈફસ્ટાઈલ પણ અસ્તવ્યસ્ત રહી છે. બોરિસે અંગત જીવનમાં શું કર્યું અને શું અનુભવ્યું તેનો ઝડપી તાગ મેળવીએ તો તેણે બીજી વખત ડાઈવોર્સ લીધા, ત્રીજી વખત લગ્ન કર્યા, છઠ્ઠા બાળકના પિતા બન્યા, કોવિડથી ગંભીરપણે સંક્રમિત થયા અને બચી પણ ગયા. રાજકીય જીવનને જોઈએ તો પાર્લામેન્ટને મુર્છાવસ્થામાં મૂકી દીધી, બ્રેક્ઝિટ મુદ્દે સરકારની બહુમતી ગુમાવી, ફરી ચૂંટણી કરાવી અને બહુમતી વિજય સાથે વડા પ્રધાનપદ મેળવી બ્રેક્ઝિટ સોદાને પણ સાકાર બનાવી દીધો. અમેરિકામાં જન્મેલા બોરિસ નાના હતા ત્યારથી જ ‘વિશ્વના રાજા’ બનવાની મહેચ્છા રાખતા હતા અને ૩૫ વર્ષ અગાઉ બ્રિટનના વડા પ્રધાન બનવાની મારેલી બડાશ તેમણે સાચી પાડી બતાવી છે. બોરિસના લોહીમાં જ પોલિટિક્સ, પત્રકારત્વ અને દેશોનો વહીવટના ગુણ જોવા મળ્યા છે. બોરિસના ગ્રેટ ગ્રાન્ડફાધર અલી કમાલ તુર્કીશ જર્નાલિસ્ટ, તંત્રી અને ઉદારમતવાદી રાજકારણી હતા. તો ઓટોમન સામ્રાજ્યના એક મિનિસ્ટર પણ રહ્યા હતા. કમાલના પુત્ર ઝેકી કુનેરાલ્પ સ્વિટ્ઝર્લેન્ડ, સ્પેન અને યુકેમાં તુર્કીશ એમ્બેસેડર હતા. તેઓ બોરિસના પિતા સ્ટેનલી જ્હોન્સનના દાદા હતા. ઈટોન કોલેજમાં બોરિસની લોકપ્રિયતા અપાર હતી અને પત્રકારત્વમાં રસ પણ ત્યાંથી જ જાગ્યો હતો. જ્હોનસને લંડનના મેયર તરીકે બે ટર્મમાં એક સફળ બિઝનેસમેનની માફક વહીવટ કર્યો અને ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી. તેમની ટર્મમાં લંડનમાં નાણાપ્રવાહ અને ઈન્વેસ્ટમેન્ટ્સ જોરમાં રહ્યાં, ઈસ્ટ લંડનનો વિકાસ પણ થયો. બોરિસની કેબિનેટ વૈવિધ્યપૂર્ણ છે. હેલ્થ સેક્રેટરી, હોમ સેક્રેટરી, ચાન્સેલર અને COP 26ના પ્રમુખ ભારતીય અથવા એશિયન મૂળના છે. ભારત અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શ્રેષ્ઠ સંબંધો અને મહત્ત્વપૂર્ણ ઈન્ડો-પાસિફિક રોડમેપ છે. લોકડાઉનના નિયંત્રણો ઉઠાવી લીધા પછી કોરોના વેરિએન્ટના કેસીસ અને સંક્રમણ વધવાથી તેમનો ‘આઝાદી’નો જુગાર સફળ થશે કે નહિ તેની શંકા હતી પરંતુ, નસીબે તેમના પર મહેર વરસાવી છે. આજે કોરોના કેસીસ ધીમે ધીમે ઘટતા જાય છે અને સામે પક્ષે વેક્સિનેશન પણ વધતું જાય છે. આનો લાભ જ્હોન્સનને મળી રહ્યો છે.