આખરે પોસ્ટ ઓફિસ કૌભાંડના અસરગ્રસ્તોની વ્યથાકથા સરકારના કાને પડી છે અને ખોટી રીતે દંડાયેલા સબ પોસ્ટમાસ્ટર્સને વચગાળાના વળતર તરીકે ૧૦૦,૦૦૦ પાઉન્ડ ચૂકવવાની જાહેરાત કરી દેવાઈ છે. સરકારે એમ પણ સ્પષ્ટ કર્યું છે કે વળતર ચૂકવવા ૨૩૩ મિલિયન પાઉન્ડની અલાયદી ફાળવણી કરા છે. બ્રિટિશ ન્યાયિક ઈતિહાસમાં સૌથી મોટી કસુવાવડ ગણાયેલા હોરાઈઝન કોમ્પ્યુટર સિસ્ટમની ખામીના આ કૌભાંડમાં સેંકડો પોસ્ટમાસ્ટર્સ વિના વાંકે બદનામ થઈ ગયા, નાદાર થઈ ગયા અને કેટલાકે તો જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો હતો. આ તો ‘પાડાના વાંકે પખાલીને ડામ’ જેવી જ હાલત હતી.જોકે, કેટલાક હિંમતવાનોએ બળિયા સામે બાથ બીડી અન્યાયનો સામનો કરવાનું બીડું ઝડપી લીધું અને આજે પરિણામ સામે જ છે. તાજેતરમાં જ હોરાઈઝન IT સિસ્ટમના પરિણામરુપ નાણાકીય ગોટાળાનો શિકાર બની સજા કરાયેલા વધુ ૧૨ સબ-પોસ્ટમાસ્ટર્સને ક્રિમિનલ કોર્ટ ઓફ અપીલના લોર્ડ જસ્ટિસ ટિમોથી હોલરોઈડે નિર્દોષ જાહેર કરી સજા ફગાવી દીધી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી કુલ ૫૯ સબ-પોસ્ટમાસ્ટર્સને નિર્દોષ જાહેર કરાયા છે. આગામી મહિનાઓમાં હજુ સેંકડો સબ પોસ્ટમાસ્ટર્સના કેસીસની સુનાવણી કરાશે ત્યારે તેમને અવશ્ય ન્યાય મળશે.અત્યાર સુધી તે પોસ્ટ ઓફિસે કૈભાંડની જવાબદારીમાંથી હાથ ઊંચા જ કરી લીધા હતા. ‘અંધેરી નગરી ને ગંડુ રાજા’ના ન્યાયના ધોરણે છીંડે ચડ્યો તે ચોર ગણી ખામીપૂર્ણ કોમ્પ્યુટર સિસ્ટમના કારણે હિસાબી ભૂલોથી નાણાની ઘટ પડી હોવાનું પોસ્ટ ઓફિસે સ્વીકાર્યું ન હતું અને સબ પોસ્ટમાસ્ટર્સને આ રકમો ચૂકવવા આદેશ કર્યો હતો. આનાથી ઘણા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ હતી જેમાં કોઈ પણ વેપારને પોતીકો કરી લેનારા ગુજરાતીઓની સંખ્યા પણ નોંધપાત્ર છે. એક કહેવત છે કે ‘દેર આયે દુરસ્ત આયે.’ હાઈ કોર્ટના જજે ૨૦૧૯માં કોમ્પ્યુટર સિસ્ટમમાં ખામીનો શિકાર નિર્દોષ લોકો બન્યા હોવાનો ચુકાદો આપ્યા પછી પોસ્ટ ઓફિસને કશું કાચું કપાયું છે તેની જાણ સાથે પોતાની ભૂલ સમજાઈ છે. પોસ્ટ ઓફિસના અન્યાય સામે જંગે ચડેલા ઘણા લોકોએ સજા સામે અપીલો કરી હતી અને પોસ્ટ ઓફિસે પોતાની ભૂલો સ્વીકારી તેનો વિરોધ કર્યો ન હતો અને ભૂતકાળની નિષ્ફળતા બદલ દિલગીરી પણ વ્યક્ત કરી છે.