ચોક્કસ કિસ્સા સિવાય કોઈ દેશની દુશ્મનાવટ લાંબા સમય સુધી ચાલતી નથી. ગલ્ફ- મધ્ય પૂર્વ રાષ્ટ્રો તરફ નજર કરીએ તો એક સમયના દુશ્મન દેશો એકબીજાની નિકટ સરકી રહ્યા છે. એક સમયે ઈઝરાયેલ સાથે બધા ગલ્ફ દેશોની દુશ્મની સ્પષ્ટ હતી. પાંચ વર્ષ પહેલા સાઉદી અરેબિયાએ ઈઝરાયેલનો નાશ કરી દરિયામાં ધકેલી દેવાની ધમકી આપી હતી પરંતુ, હવે સંજોગો બદલાયા છે. આરબ અમીરાતે ઈઝરાયેલ સાથે આર્થિક સંબંધો વિકસાવવાની શરૂઆત કરી છે. અબુ ધાબીના પ્રિન્સે ઈઝરાયેલની મુલાકાત પણ લીધી છે. બીજી તરફ, શિયા અને સુન્ની સંપ્રદાયોના કટ્ટર હિમાયતી ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધોમાં પણ ઉષ્મા આવી રહી છે. આના કારણે જ અમેરિકાએ કટ્ટર શત્રુ ઈરાન સાથે સંબંધો સુધારવા સાઉદી અરેબિયાની મદદ લેવાની જરૂર પડી છે.
આરબ અમીરાતમાં ૩.૫ લાખ ભારતીયો વસે છે અને દેશના અર્થકારણમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. મહત્ત્વની નબાબત એ છે કે ગલ્ફના દેશો ઉદાર અને સહિષ્ણુ બની રહ્યા છે. સામાજિક સુધારા થઈ રહ્યા છે. એક સમયે સાઉદી અરેબિયામાં સ્ત્રી વાહન હંકારે તે શક્ય મનાતું ન હતું પરંતુ, હવે સ્ત્રીઓના અધિકારોની સમજ આવી છે. બધા દેશો સમજી રહ્યા છે કે ‘વિના સહકાર નહિ ઉદ્ધાર.’
