વધુ એક મહામારીનું દુઃસ્વપ્ન!

Wednesday 01st December 2021 04:58 EST
 

કોરોના મહામારીના કળણમાંથી વિશ્વ માંડ પગભર થઈ રહ્યું હતું ત્યારે વાઈરસના નવા ઓમિક્રોન વેરિએન્ટ અથવા B.1.1.529 ના આક્રમણે નવેસરથી ચિંતાનો માહોલ સર્જ્યો છે. ભારત અને યુકે સહિત વિશ્વના દેશોમાં કોરોનાના કેસીસ ઘટી રહ્યા છે તેવા સમયે દક્ષિણ આફ્રિકા અને બોટ્સવાનાથી ઉદ્ભવેલા અને અતિ ઝડપથી પ્રસરતા નવા વેરિએન્ટના કારણે હાલ કાર્યરત વેક્સિન્સની અસરકારકતા સામે પણ પ્રશ્નાર્થ સર્જાયો છે. આનું મુખ્ય કારણ એ છે કે ઓમિક્રોન વેરિએન્ટમાં ૩૦ કરતા વધુ વખત મ્યુટેશન થયું હોવાનું બહાર આવ્યું છે. આ દુશ્મન હજુ અજાણ્યો છે એટલે સાવચેતી રાખવી વધુ સારી ગણાશે. જર્મની, નેધરલેન્ડ્સ સહિત યુરોપીય દેશોમાં પણ ઓમિક્રોનનો પગપેસારો થઈ ગયો છે.
ઓમિક્રોન સંક્રમણ માત્ર હાઉ બની રહે તે આપણે ઈચ્છીએ પરંતુ, દરેક વ્યક્તિ સુરક્ષિત ન હોય ત્યાં સુધી કોઈ જ સુરક્ષિત નથી તે સમજવું પડશે. સાધનસંપન્ન દેશોએ વેક્સિનનો ભારે સંગ્રહ કર્યો પરંતુ, ગરીબ દેશોની જરૂરિયાત પરિપૂર્ણ થઈ નથી. આ સાઉથ આફ્રિકન દેશોમાંથી જ નવો વેરિએન્ટ ઉદ્ભવ્યો છે.
બ્રિટનમાં ઓમિક્રોનના કુલ ૧૧ કેસ જોવા મળ્યા છે ત્યારે વિજ્ઞાનીઓએ ચેતવણી આપી છે કે એકાદ સપ્તાહમાં સંક્રમિત કેસીસની સંખ્યા ૧૦૦ને પાર થઈ જશે. એટલે કે આ તો હજુ શરૂઆત છે, મોટી સમસ્યા હજુ આવવાની બાકી છે. મુશ્કેલી એ પણ છે કે શિયાળો અને ક્રિસમસના ઉત્સવનો ગાળો આવી રહ્યો છે ત્યારે જ ઓમિક્રોનનું સંક્રમણ વ્યાપક બની શકે છે. બોરિસ જ્હોન્સન સરકારે ઓમિક્રોન સંક્રમણને અટકાવવા યુદ્ધના ધોરણે તમામ વયસ્કોને કોવિડ બૂસ્ટર ડોઝ આપવાનું એલાન કર્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને શોપ્સમાં માસ્ક ફરજિયાત પહેરવાના નિયમો લાગુ કરી દેવાયા છે. વિદેશથી ચેપ દેશમાં ઘૂસે નહિ તે માટે આફ્રિકન દેશોના હવાઈ ઉડ્ડયનો પર પ્રતિબંધ પણ લગાવી દેવાયો છે.
વાઇરસ સામેની લડાઇમાં સાવચેતી એ જ સલામતી કવચ બની રહેશે. વાઈરસના આક્રમણના થોડા સમય સુધી લોકો કાળજી લેતા રહે છે પરંતુ, તેનો પ્રકોપ શાંત થવા સાથે જ સતર્કતા છૂટે છે. આથી જ કહેવાયું છે કે ‘નજર હટી તો દુર્ઘટના ઘટી.’ કોરોના મહામારી સમયે આપણે જોયું જ છે કે સરકાર દ્વારા નિયંત્રણો જાહેર કરાયા હોવાં છતાં, લોકો દ્વારા તેનો નિયમિત ભંગ કરાતો હતો, પબ્સ અને રેસ્ટોરામાં ટોળાં એકત્ર થતાં હતાં, માસ્ક પહેરવાનું પણ લોકો ટાળતા હતા. કેટલોક વર્ગ વેક્સિન લેવાનો પણ ઈનકાર કરી રહ્યો છે. જો ફુલ્લી વેક્સિનેટેડ લોકોને પણ કોરોના થઈ શકે અને તેમના દ્વારા ચેપ ફેલાય તો ઓમિક્રોન વેરિએન્ટના હુમલામાં શું ખરાબ હાલત થઈ શકે તે માત્ર કલ્પનાનો વિષય છે. સરકાર આળસ કરી શકે નહિ તો આપણે પણ આળસ અને જડતા ખંખેરવી જોઈશે. નિયંત્રણો લાદવા બદલ સરકારની ટીકા કરવાથી સમસ્યાનો અંત આવશે નહિ તે પણ સમજવાની જરૂર છે.


comments powered by Disqus