એમ કહેવાય છે કે શેરબજાર અથવા સ્ટોક માર્કેટ જે તે દેશના આર્થિક વિકાસની પારાશીશી ગણાય છે. આ અર્થમાં કોરોના મહામારી પછી ભારત આર્થિક મહાસત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે તેમ કહેવામાં જરા પણ ખોટું નથી. એશિયાના ઉભરતા બજારનો સિતારો ભારત ધીરે ધીરે ચીનને હાંસિયામાં ધકેલી રહ્યું છે. આનુ કારણ એ છે કે કોરોના મહામારી પછી ચીને વિશ્વના દેશોનો અને ખાસ કરીને વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ગુમાવ્યો છે. વિદેશી રોકાણકારો ભારતીય બજારો અથવા સ્ટાર્ટ-અપ્સમાં રોકાણ કરવા તલપાપડ બન્યા છે. ભારતીય ઈક્વિટીઝમાં ઉછાળો જોવાયો છે તેની સામે યોગ્ય વળતર આપી નહિ રહેલા ચીનકેન્દ્રિત ઈન્વેસ્ટમેન્ટ્સ ટ્રસ્ટોના શેરોમાં કડાકો બોલાયો છે.
કોરોના મહામારીમાં વિશ્વના અર્થતંત્રો ડચકા ખાતા હતા ત્યારે ચીનનો વિકાસ અવિરત અને આંખે ઉડીને વળગે તેવો હતો પરંતુ, હવે સંજોગો બદલાયા છે. ચીનમાં કોલસાનું અને પરિણામે વીજસંકટ ફેલાયું છે જેની અસર તેના ઉત્પાદન ક્ષેત્ર પર થઈ છે. ચીનના અનેક ઔદ્યોગિક એકમો બંધ પડ્યા છે અને ૦માંથી ૧૭ પ્રાંતમાં વીજકાપ લાગુ કરાયો છે. આ તમામની અસર સ્ટોક માર્કેટ અને ઈન્વેસ્ટમેન્ટ્સ પર દેખાય છે.
આ વર્ષના આરંભથી MSCI ઈન્ડિયા ઈન્ડેક્ષમાં ૨૬ ટકાનો વધારો થવા સામે MSCI ચાઈનામાં લગભગ ૧૭ ટકાનું નુકસાન જોવાં મળ્યું છે. અન્ય મહત્ત્વની બાબત એ પણ છે કે વિશ્વમાં જેક માની અલીબાબા સહિત જે મહાકાય ટેકનોલોજી ચાઈનીઝ કંપનીઓ છે તેમના સર્વેસર્વાઓ પર ચીનની રાજકીય નેતાગીરીએ ધોંસ જમાવી છે અને તેમના પર ચોક્કસ નિયંત્રણો મૂક્યા છે જેનાથી ચીનમાં સરકારી નિયંત્રણ સામે કોઈ કંપનીનું ચાલી શકશે નહિનો સંદેશો જવાથી વિદેશી રોકાણકારોનો ઉત્સાહ ઓસરી ગયો છે. ચીનની સૌથી મૂલ્યવાન પબ્લિક કંપની ટેન્સેન્ટને સરકરારી મંજૂરી વિના કોઈ નવી એપ્સ બહાર પાડી શકાય નહિ તેવું નિયંત્રણ મૂકી દેવાયું છે.
આ બધાનો લાભ ભારતીય સ્ટાર્ટ-અપ્સ કંપનીઓને મળી રહ્યો છે. ભારતમાં સરકારી નિયંત્રણો ઓછાં છે અને વેપાર કરવાની સુગમતા પણ વધુ છે. વિશ્વના બીજા નંબરના સૌથી વધુ વસ્તી ધરાવતા ભારતમાં વિદેશી રોકાણોનો રસ વધી રહ્યો છે. ટેક્સ સુધારા સહિત સરકારી પોલિસીઓ તેમજ વેક્સિન ઉત્પાદનના કારણે ભારતીય કંપનીઓની કમાણી વધી છે. મલ્ટી નેશનલ કંપનીઓ ભારતનો ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉપયોગ કરી રહી છે. આમ હાલ તમામ બાબતો ભારતની તરફેણમાં કામ કરી રહી છે ત્યારે ચીનને પછાડી ભારતને અર્થસત્તા બનતા કોઈ અટકાવી શકે તેમ નથી.
