ટોરોન્ટોઃ આગામી ૨૦ સપ્ટેમ્બરે યોજાનારી ટોરોન્ટોની ચૂંટણી માટે કન્ઝર્વેટિવ પાર્ટી ઓફ કેનેડાના ઉમેદવાર તરીકે પ્રથમ વખત ગુજરાતી મહિલા રિંકુ શાહ ઉભાં રહ્યા છે. ટોરોન્ટોમાં રિવર–બ્લેક ક્રીક, હમ્બરના કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર રિંકુ શાહ લીબરલ પાર્ટીના જુડી સ્ગ્રો સામે ચૂંટણી લડી રહ્યાં છે. ભારતીય કોમ્યુનિટીમાં તેઓ જાણીતા છે. દસ વર્ષ અગાઉ તેઓ વડોદરાથી કેનેડા આવ્યા હતા. તેઓ છેલ્લાં આઠ વર્ષથી કોમ્યુનિટી સર્વિસ સાથે સંકળાયેલા છે અને કોવિડ–૧૯ સંબંધિત કામગીરીમાં પણ તેઓ સક્રિય હતા. કોરોના મહામારી દરમિયાન ૧૦,૦૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન, અને રિટાયરમેન્ટ હોમ્સને જીવનજરૂરી ચીજવસ્તુઓ પહોંચાડવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આઠ વર્ષ કરતાં વધુ સમયથી તેઓ કોમ્યુનિટી માટે કામ કરી રહ્યા છે અને કોન્સ્યુલેટના કેટલાંક કાર્યક્રમોના આયોજનમાં પણ તેઓ મદદરૂપ બન્યાં છે. દસ વર્ષીય પુત્રનાં માતા રિંકુબહેન ઈન્ડો-કેનેડિયન નાગરિકોમાં ભારતીય સંસ્કૃતિ અને વારસાના પ્રસાર માટે ટેસ્ટ ઓફ ઈન્ડિયા ફેસ્ટિવલ, ગણેશ ઉત્સવ, ગરબા મહોત્સવ અને પતંગોત્સવ જેવા મેગા કોમ્યુનિટી ફેસ્ટિવલનું આયોજન કરતાં રહ્યાં છે. રિંકુ શાહ કહે છે કે તેમના પક્ષનો એજન્ડા ભવિષ્ય સુનિશ્ચિત કરવાનો છે. તેમાં જોબ, વિશ્વસનીયતા અને મેન્ટલ હેલ્થનો સમાવેશ થાય છે. મહામારી દરમિયાન દેશમાં લોકોએ એક મિલિયનથી વધુ જોબ ગુમાવી છે અને તેમને જોબ પાછી મળે તેવી ઈચ્છા છે. ચૂંટણીમાં ભાગ લેનારા પ્રથમ ગુજરાતી મહિલા તરીકે તેઓ મોટી સંખ્યામાં ગુજરાતીઓ સહિત સ્થાનિક પ્રજાના સંપર્કમાં છે. તેમણે જણાવ્યું કે કેનેડાની પાર્લામેન્ટમાં ઘણાં શીખ મહાનુભાવો બિરાજે છે, પરંતુ કોઈ ગુજરાતી નથી. તેમણે ચૂંટણી જીતવાની આશા વ્યક્ત કરી હતી.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે મેલબોર્ન ગયા હતા. તે પછી તેમના પતિ વ્રજેશભાઈ સાથે તેઓ કેનેડામાં સ્થાયી થયાં છે.