તન-મન-ધનને પાવન કરતા પર્વાધિરાજ પર્યુષણ પધાર્યા રે

શુક્રવાર ૩ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧

- જ્યોત્સના શાહ Thursday 02nd September 2021 03:04 EDT
 
 

શ્રાવણ મહિનો એટલે તહેવારોનો તરવરાટ. તપ-જપના મહિમાની મૌસમ. હિન્દુ અને જૈન ધર્મમાં શ્રાવણ-ભાદરવો-આસો... મહિનાઓમાં તહેવારોની ભરમાર! આપણો દેશ ખેતીપ્રધાન. ભારતમાં ચોમાસાની ઋતુ. ખેડૂતો પાસે પોરો ખાવાનો આ સમય. ચોમાસાની ઋતુમાં પાચન શક્તિ પણ નબળી થઇ જાય. ઉપવાસ કરવાથી પેટ સહિત શરીરના બધા જ અવયવોને આરામ મળે શારીરિક સુખાકારી માટે એ જરૂરી છે. એથી વ્રત-ઉપવાસ કરવાનો મહિમા. એને ધર્મ સાથે જોડી દેવાથી સામાન્યમાં સામાન્ય વ્યક્તિ એનું પાલન કરે છે. વરસાદી ઋતુને કારણે પ્રવાસ પણ ન થઇ શકે! સમયની સવલત ને સદુપયોગ. આ બધા જ કારણો ધ્યાનમાં રાખી આપણા વડવાઓએ તહેવારોનું આયોજન ગણત્રીપૂર્વક કરેલ છે. ધર્મ અને વિજ્ઞાન એકબીજાના પૂરક છે. આપણે ઉત્સવપ્રિય પ્રજા. ઉત્સવોની ઉજવણી તન અને મનની તાજગી માટે ઉપકારક નીવડે છે.
શ્વેતામ્બર જૈનોના પર્યુષણ પર્વ પણ શ્રાવણ સુદ અગીયારસ-બારસ-થી શરૂ થતા હોય છે અને એ આઠ દિવસના હોય છે. ભાદરવા સુદ ૪ નો છેલ્લો દિવસ-સંવત્સરી. દિગમ્બર જૈનો દસ દિવસ ઉજવતા હોવાથી એ દસલક્ષણી પર્વ કહેવાય છે. પર્યુષણની સંધિ છૂટી પાડીએ તો પરી+ઉષ્ણમાન +ઉપશમન્ મતલબ કે આપણામાં રહેલ ક્રોધ, કામ, માન,મોહ, લોભ જેવા આંતરિક દૂષણો પર વિજય મેળવવાનું આ પર્વ. હ્દયના દ્વાર ખોલવાનું અને આત્મા પર લાગેલ કર્મોનો મેલ હટાવી આત્મ-નિરિક્ષણ કરવાનું આ પર્વ. આધ્યાત્મિક જાગ્રતિ માટેના આ પર્વને પર્વાધિરાજ કહેવાય છે. આ વર્ષે ૩ સપ્ટેમ્બરથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન પર્યુષણ પર્વની ઉજવણી દેશવિદેશમાં વસતા જૈનો વ્યાખ્યાનનું શ્રવણ, સ્વાધ્યાય, સેવા-પૂજા-ભક્તિ, સામાયિક, તપ-દાન-ક્ષમા આદીને મધ્ય નજરે રાખી કરશે. આ વર્ષે પણ હજી કોવીદ-૧૯ના કારણે મહદ્ અંશે ઓનલાઇન જ ઉજવણી થશે.
આ આઠ દિવસો દરમિયાન જૈનો પોતાના અંતરાત્માને ઢંઢોળવાનો પ્રયાસ સ્વ શિસ્તના પાલનથી કરશે. રોજ-બરોજના વ્યસ્ત જીવનમાંથી મુક્તિ મેળવી પોતાની જાતનું પૃથ્થકરણ કરવાની તકનો લાભ લેનાર હળવાફુલ બની જાય છે. યથા શક્તિ ઉપવાસ કરી તનને નિર્મળ બનાવવાનો આ અવસર. વર્ષ દરમિયાન કરેલ કર્મોનું સરવૈયું કાઢી પાપોનું પ્રાયશ્ચિત પ્રતિક્રમણ કરી મનને શુધ્ધ કરવાનો અવસર.
૨૦૨૦-૨૧ના વર્ષ સમસ્ત વિશ્વના લોકો માટે ભારે વેદના ઉપજાવનાર અને તાણગ્રસ્ત બની રહ્યાં. કોવીદ-૧૯ના કટોકટીભર્યા સમયમાં પર્યુષણ જેવા પર્વ મનને વિશાળ બનાવી આંખો ખોલવા પ્રેરે છે. અન્યો પ્રત્યે અનુકંપા ભાવ જગાવે છે.
આપણી ટેવોનું પૃથ્થકરણ કરી અગાઉ થયેલ ભૂલોનું પુનરાવર્તન ન થાય એ માટે જાગ્રત બનવાનો સંદેશ આપે છે. આપણી જાતને રીટ્રીટ કરવાની છે. બીજાને બદલવા કરતા આપણે આપણી જાતને બદલવાની છે. જાતને ઓળખવાની છે.
આ આઠ દિવસોમાં આપણા કર્મોના કષાયો ખપાવવાના છે. એમાં સૌ પ્રથમ આવે *ક્રોધ. વ્યક્તિ જ્યારે ક્રોધના આવેશમાં હોય છે ત્યારે વિવેક ભૂલી જાય છે એથી સર્જાતા અનર્થો જીવનની શાંતિ હણી લે છે. એ જ રીતે બીજા સ્થાને છે *માન. માન એટલે અહંકાર, અભિમાન. અહંકારથી વિનયનો નાશ થાય છે. ત્રીજા સ્થાને છે *માયા. છલ, કપટ, દંભ આ બધા માયાના પર્યાયો છે. છલ-કપટ કરનારનો કોઇ વિશ્વાસ ન કરે. મનમાંથી માયાનો કાંટો દૂર ન થાય તો કરેલા ધર્મ-ધ્યાન એળે જાય. ચોથા સ્થાને છે *લોભ. ઇચ્છા, આસક્તિ, લાલસા, મમત્વ, ઝંખના આ બધા એના રૂપ છે. "લોભે લક્ષણ જાય" કે લોભનો કોઇ થોભ નથી" જેવી કહેવતોમાં એનો સાર છે. ચાહે ચક્રવર્તી હો યા ચાકર અતૃપ્તિની આગ દરેકમાં લાગેલ છે. સંતોષની પરિતૃપ્તિ થવી જોઇએ.
પર્યુષણના પ્રથમ ચાર દિવસોમાં ક્રમશ: આ ચાર કષાયોમાંથી મુક્તિ મેળવવાના પ્રયાસો કર્યા બાદ પાંચમા દિવસે મનમાં રહેલ પ્રદૂષણને હટાવવાનું છે. મનને મલિન કરનાર ત્રણ તત્વો રાગ-દ્વેષ અને મોહ છે. પરમાત્માના ધ્યાનથી એના જેવું વિતરાગી બનવાનું છે.
છઠ્ઠા દિવસે વચન શુધ્ધિની વાત આવે છે. જીવ સૃષ્ટિમાં માત્ર માનવીને જ વાચાની દુર્લભ ભેટ છે. જીભ ધારે તો કાતરનું કામ અને ધારે તો સોય બની શકે. આપણે સોય બની સંધાન કરવાનું છે. વાણીની વિશુધ્ધિ કાજે ૧) અસત્ય ભાષણનો ત્યાગ ૨) કઠોર વચનનો ત્યાગ. ૩) ચાડી-ચુગલી-નિંદાનો ત્યાગ. ૪)અસંબધ્ધ કથનનો ત્યાગ. વાણી પરના સંયમથી જગ જીતી શકાય. મધુર વાણી સૌના હ્દય જીતે છે તો કઠોર વાણી ઝંઝાવતા સર્જે છે.
આપણી કાયા શુધ્ધિ થયા બાદ જ હ્દયમાં કરૂણા ભાવ જાગે છે. આંખોમાં પ્રેમભાવ ઉપજે. હાથ સત્કાર્યો કરવા પ્રેરાય. મૈત્રીભાવનું ઝરણું વહે. જીવદયાનો ભાવ થવાથી પ્રાણી માત્ર પ્રત્યે કરૂણા ભાવ જાગે ને યથા શક્તિ જરૂરતમંદો માટે દાનની ગંગા વહાવવાનું સત્કાર્ય કરવા મન પ્રેરાય. સત્ય, અહિંસા, અમારિ પ્રવર્તન, અપરિગ્રહનું પાલન.
પર્વાધિરાજના સાર સ્વરૂપ આઠમો દિવસ એટલે સંવત્સરી પર્વ. તન-મન-ધનની શુધ્ધિ થયા બાદ મૈત્રીનો મંગલનાદ જગાવવાનો મહામૂલો અવસર. સાત-સાત દિવસની આરાધનાનું સરવૈયું કરવા સંવત્સરી પ્રતિક્રમણ લગભગ બધાજ જૈનો કરે છે. સગાં-સંબંધી-મિત્રો કે જગતના તમામ જીવોનું જાણતા-અજાણતા મન દુભવ્યું હોય તો ખરા હ્દયથી માફી માગવાનો અને અન્યોની માફી મોકળા મને સ્વીકારવાનો અવસર. “ખામેમિ સવ્વ જીવ્વે, સવ્વે જીવ્વા ખમંતુ મે, મિત્તિમે સવ્વ ભૂએસ્સુ, વેરં મજ્ઝં ન કેણઇ"નો ભાવાર્થ છે ક્ષમાભાવ.
જાણતા-અજાણતા, વાણી કે વર્તન યા લખાણથી કોઇનું પણ મન દુભાયું હોય તો સર્વે વાચકોની અમે અંત:કરણપૂર્વક ક્ષમાયાચના કરીએ છીએ. સૌને મિચ્છામિ દુક્કડમ્ .
 સામો થાય આગ તો તું થજે પાણી, એવી પ્રભુ મહાવીરની વાણી
વેરથી વેર શમે નહિ જગમાં, પ્રેમથી પ્રેમ વધે જગમાં...એ સંદેશને જીવન મંત્ર બનાવી સાચા અર્થમાં પર્યુષણ પર્વ ઉજવીએ એવી ભાવના.


comments powered by Disqus