આખરે અફઘાનિસ્તાનને નસીબ કહો તો નસીબ કે તાલિબાનના આશરે છોડી દેવાયું છે. યુએસ અને યુકે સહિત સાથી દેશોના લશ્કરી દળોએ કાબુલ એરપોર્ટ છોડ્યું તેની સાથે જ તાલિબાનના દળોએ જશ્ન મનાવી લીધો પરંતુ, સ્વાભાવિક રીતે જ સ્થળાંતર નહિ કરી શકેલા ૯,૦૦૦ જેટલા અફઘાન નાગરિકો માટે ચિંતા અને ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. બીજી તરફ, યુકે અને યુએસ જેવા દેશો માટે તો આટલા વર્ષો પાણીમાં નાખ્યા જેવી હાલત છે. જોકે, બોરિસ જ્હોન્સને એક બાબત સાચી કહી છે કે બ્રિટિશ દળો અફઘાનિસ્તાનમાં હતા તે ૨૦ વર્ષમાં અફઘાન ભૂમિ પરથી યુકે અથવા કોઈ પણ પશ્ચિમી દેશ પર ત્રાસવાદી હુમલો કરાયો નથી. અફઘાનોની જિંદગી બદલાઈ ગઈ, લોકોના ઘરોમાં વીજળી પહોંચી અને ૩.૬ મિલિયન છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવામાં મદદ મળી હતી પરંતુ, હવે આ પ્રગતિ અધોગતિમાં ફેરવાઈ ન જાય તે જોવાની જવાબદારી તાલિબાન શાસનને હસ્તક જ રહેશે.
બ્રિટન માટે બીજા વિશ્વયુદ્ધ પછી આ સૌથી મોટું ઈવેક્યુએશન મિશન હતું. ‘ઓપરેશન પિટિંગ’ હેઠળ ૫૦૦૦ બ્રિટિશરો અને તેમના પરિવારો તેમજ યુકેના ૮,૦૦૦થી વધુ જેટલા પૂર્વ સ્ટાફ અને તેમના પરિવારો મળીને ૧૫,૦૦૦ જેટલા લોકોનું સ્થળાંતર કરી દેવાયું છે. RAF ની ૧૦૦થી વધુ ફ્લાઈટ્સમાં આશરે ૨,૨૦૦ બાળકોને પણ સલામતીપૂર્વક લાવવામાં આવ્યા છે.
બ્રિટિશ ફોરેન ઓફિસની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. જ્યારે તાલિબાનનું વર્ચસ્વ વધી રહ્યું હતું ત્યારે ફોરેન સેક્રેટરી રાબ વિદેશમાં રજાઓ માણી રહ્યા હતા. આ તો રોમ ભડકે બળતું હતું ત્યારે નીરો ફીડલ વગાડતો હતો તેના જેવી જ સ્થિતિ હતી. લોકોને દેશની બહાર કાઢવા માટે એક માત્ર કાબુલ એરપોર્ટ હતું પરંતુ, ફોરેન સેક્રેટરીએ છેલ્લી ઘડી સુધી પાકિસ્તાન સહિતના દેશો સાથે કોઈ મંત્રણા કરીને અન્ય માર્ગ કાઢ્યો નહિ તેની પણ ચર્ચા થઈ રહી છે. જો તેમણે સક્રિયતા દાખવી હોત તો યુકેને મદદ કરનારા ૧,૦૦૦ જેટલા અફઘાન કર્મચારીઓને ત્યાં છોડીને આવવાની પરિસ્થિતિ સર્જાઈ ન હોત.
હાલ તો તાલિબાનને વિશ્વ તેમની સરકારને માન્યતા આપે તેની ખાસ જરૂર છે. યુએનના મહામંત્રી એન્ટોનિઓ ગુટેરેસે આંતરરાષ્ટ્રીય કોમ્યુનિટીને તાલિબાનને અફઘાન સરકાર તરીકે માન્યતા આપવાનું એકમાત્ર લાભકારી સાધન હોવાનું જણાવ્યું છે. બોરિસ જ્હોન્સને પણ ચોક્કસ શરતો માનવામાં આવે તો નવા શાસનને રાજદ્વારી માન્યતાની શક્યતાનો સંકેત આપ્યો છે. તાલિબાન સરકારે દેશ છોડી જવા ઈચ્છતા લોકોને સલામત માર્ગ આપવો જોઈશે, મહિલાઓ અને છોકરીઓના અધિકારોનું રક્ષણ તેમજ અફઘાનિસ્તાને આતંકના ઉછેરની ભૂમિ બનતા અટકાવવાની શરતો આવશ્યક છે. પશ્ચિમી દેશોએ તાલિબાનનું નાક દબાવવું પડશે. તાલિબાનની સ્થિતિ ‘નાણા વિનાના નાથિયા’ જેવી છે. અમેરિકી બેંકોમાં સરકારી એકાઉન્ટ્સ અને વિદેશી હુંડિયામણની અનામતો પર અમેરિકી નાગ ફૂંફાડા મારતો બેઠો છે. શસ્ત્રોથી પેટ ભરાતું નથી. ચીન અને રશિયા કોથળા ભરીને નાણા આપશે નહિ અને પાકિસ્તાન ખુદ દેવાળિયું છે. આમ છતાં, અફઘાનિસ્તાન પર કબજો ધરાવતા તાલિબાનને તદ્દન અલગ પાડી દેવાની નીતિ પણ લાભદાયી નીવડશે નહિ. તાલિબાન પોતાના સારા ઈરાદાઓ દર્શાવે નહિ ત્યાં સુધી રાજદ્વારી માન્યતાનું ગાજર લટકાવેલું રાખવું પડશે.
તાલિબાને આંતરિક અન્ય બાહ્ય દુશ્મનો વિના શાંતિથી રહેવાની ઈચ્છા પ્રદર્શિત કરી છે. જોકે, વચનો આપવા અને પાળવા બંને અલગ બાબત છે. તાલિબાનનો ઈતિહાસ કહે છે કે તો કદી ભરોસાપાત્ર પુરવાર થયા નથી. વિજયના નશામાં પણ તેના દળોએ મહિલા અને શિક્ષણવિરોધી ફતવાઓ બહાર પાડી દીધા છે. હવે બ્રિટનની સ્થૂળ હાજરી ન હોવા છતાં તેના હિતો ત્યાં અવશ્ય છે. બે દાયકામાં તાલિબાન વિરુદ્ધ યુકે અને અન્ય દેશોને મદદ કરનારા અફઘાન નાગરિકો સલામતપણે દેશ છોડી શકે તેવી વ્યવસ્થા હવે વિચારવી પડશે. અફઘાનિસ્તાનમાં આતંકવાદનો ભોરિંગ વિશ્વને ડસે નહિ તે માટે પણ રાજકીય, આર્થિક અને રાજદ્વારી દબાણનો ઉપયોગ કરવો પડશે.