ભારતીય લોકશાહી ખતરામાં છે?

Tuesday 31st August 2021 16:48 EDT
 

આજકાલ ભારત અને ભારતના વડા પ્રધાનને ભાંડવાની એક ફેશન બની ગઈ છે. વિશ્વમાં ભારતની લોકશાહી સૌથી મોટી હોવાં છતાં તેને હવે લોકશાહી કહેવાય કે કેમ તેવા પ્રશ્નો પણ ઉઠાવાઈ રહ્યા છે. નરેન્દ્ર મોદીના શાસનમાં લોકશાહી ખતરામાં છે તેવી કાગારોળ સતત ચાલતી રહે છે પરંતુ વિશ્વસ્તરે ભારત વધુ મજબૂત બન્યું છે તેના તરફ શાહમૃગી પલાયનવાદ અપનાવાય છે.
એક વાત સાચી છે કે લોકશાહીમાં વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને ભારતમાં વિપક્ષ મજબૂત નથી. આ ધોરણે કહીએ તો ભારતમાં લોકશાહી મૂલ્યો બદલાઈ રહ્યા છે. વિપક્ષને સશક્ત બનાવવાની જવાબદારી નરેન્દ્ર મોદી અથવા તો શાસક પક્ષની નથી. હવે ૨૦૨૪ની રાષ્ટ્રીય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે મમતા બેનરજીના હાથે પશ્ચિમ બંગાળમાં ભાજપને પછડાટ મળી હતી તેવી ધોબીપછાડ રાષ્ટ્રીય સ્તરે મોદીને આપવા માટે વિરોધપક્ષો થનગની રહ્યા છે પરંતુ સમસ્યા એ છે કે દરેક પક્ષના નેતાનું સ્વપ્ન વડા પ્રધાન બનવાનું છે. ભારતમાં કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોમાં સબળ નેતૃત્વનો અભાવ છે.
એક સમયે ઈન્દિરા ગાંધીએ વિરોધપક્ષોને નારંગી જેવા ગણાવ્યા હતા જેમની એકતા ઉપરના સ્તરે જ રહે છે અને પછી તેની પેશીઓ અલગ પડી જાય છે. આજે પણ પરિસ્થિતિ જરા પણ અલગ નથી. વિપક્ષની હાલત ‘બાર ભાયા અને તેરા ચોકા’ જેવી જ છે. બંગાળમાં રાજ કરવાનું ભાજપનું સ્વપ્ન સાકાર ન થયું પરંતુ, તેના રાજકીય કદમાં અવશ્ય વધારો થયો છે. બીજી તરફ, કોવિડ-૧૯ના કારણે મોદી સરકારની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે તે પણ હકીકત છે. આમ છતાં, મોદી ચૂંટણી લડશે અને ફરી વિજેતા બનશે તેનો કોઈ ઈનકાર પણ કરતું નથી. વડા પ્રધાન મોદીના સંદર્ભમાં એક બાબત ધ્યાને લેવા જેવી છે કે તેમના પર જેટલી વખત પ્રહારો થયા છે તેના પછી તેઓ વધુ મજબૂત બનીને બહાર આવ્યા છે.
એક તર્ક એવો લડાવાઈ રહ્યો છે કે શાસક ભારતીય જનતા પક્ષનો હિન્દુ રાષ્ટ્રનો હિડન એજન્ડા ધીરે ધીરે આગળ વધારાય છે જે લોકશાહીને નબળી બનાવશે. હકીકત તપાસીએ તો મોદી શાસનમાં ઘડાયેલા કોઈ પણ કાયદામાં ધર્મના ધોરણો અપનાવાયા નથી. માત્ર સામાજિક ન્યાયના હેતુને આગળ રખાયો છે. થોડાં વર્ષોમાં ભારતે થોડી આર્થિક અથવા સામાજિક પ્રગતિ હાંસલ કરી છે. મહામારીના કાળમાં ગરીબી વધી હોવાં છતાં, તે અગાઉ ગરીબોની સંખ્યામાં ૨૦૦ મિલિયનનો ઘટાડો થયો હતો તે ભૂલવું ન જોઈએ. તાજેતરમાં જ ૨૦૨૧-૨૨ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં GDPમાં ૨૦ ટકાથી વધુનો સશક્ત અને પ્રભાવક વધારો થયો છે તે પણ નોંધપાત્ર છે.
યુનિવર્સિટી ઓફ ગોથેનબર્ગ ખાતે વી-ડેમ ઈન્સ્ટિટ્યૂટ લોકશાહીઓના સ્વાસ્થ્ય સંબંધિત ડેટા પર નજર રાખે છે અને તાજેતરમાં તેણે ભારતીય લોકશાહીનું પુનઃ વર્ગીકરણ ‘નિર્વાચિત નિરંકુશ શાસન’ એટલે કે ‘electoral autocracy’ તરીકે કર્યું છે. કોઈ નેતા ભારે લોકપ્રિય હોય એટલે તે નિરંકુશ કે આપખુદ બની જાય તેવું માનવું યોગ્ય નથી કારણકે પ્રજા બધુ સમજે છે અને તે લોકશાહીનો પ્રાણ છે. શ્રીમતી ઈન્દિરા ગાંધી નિરંકુશ થવા સાથે જ જનતાએ તેમને ફગાવી દીધા હતા તે ઉદાહરણ એટલું જુનું નથી. આ ઉપરાંત, ભારતનું ન્યાયતંત્ર પણ સબળ હોવાનો પુરાવો પણ મળ્યો જ હતો.
થોડા સમય અગાઉ બોરિસ જ્હોન્સન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી તેમાં યુકેના વડા પ્રધાને ભારત અને યુકે અનેક મૂળભૂત મૂલ્યોમાં સહભાગી હોવાનું જણાવી પારસ્પરિક મિત્રતાના નવા યુગની પ્રશંસા કરી હતી. ભારતની તરફેણ કરવા યુએસ, જાપાન, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિતના દેશો તત્પર છે. ભારતનું વિશાળ બજાર અર્થતંત્ર અને ચીનની વધતી તાકાતને ખાળવા સહિત ભારતની મદદ કરવાના તેમના આગવા કારણો હોઈ શકે છે પરંતુ, એક હકીકત ધ્યાને લેવી જોઈએ કે ભૂતકાળમાં ભારતનું સ્થાન આટલું મજબૂત કદી રહ્યું નથી. ભારતમાંથી અલગ પડેલા પાકિસ્તાન અને તેમાંથી અલગ પડેલા બાંગલાદેશને પણ નજરમાં રાખીએ તો ત્યાં લોકશાહી મજબૂત બની શકી નથી. જ્યારે ભારતીય લોકશાહીનો પરચમ દિવસે અને દિવસે ઊંચે લહેરાતો જાય છે.


comments powered by Disqus