વિશ્વભરમાં અને ખાસ કરીને ભારતમાં કોરોના વાઈરસ સામેનો જંગ ગતિ પકડી રહ્યો છે ત્યારે એક નવા વિવાદે અકારણ ઉછાળો માર્યો છે. કોરોનાની સારવારમાં કોની મોટી ભૂમિકા રહી છે તે મુદ્દે એલોપથી અને આયુર્વેદ પદ્ધતિઓ વચ્ચે તુ..તુ.. મેં..મેં થઈ રહી છે. આયુર્વેદ અને યોગ નિષ્ણાત બાબા રામદેવે એલોપથીને રોગને ઓળખી નહિ ઓળખી શકતા સ્ટુપિડ સાયન્સ તરીકે ગણાવતું અધકચરું નિવેદન આપ્યું અને ભડકો થઈ ગયો છે અને ભારતીય મેડિકલ એસોસિયેશને તેનો જોરદાર વિરોધ પણ કર્યો છે જે જરા પણ અસ્થાને નથી. કોરોના વાઈરસની સારવાર માટે હજુ કોઈ દવા શોધાઈ નથી. લાંબી પ્રક્રિયાના તે જે વેક્સિન શોધવામાં આવ્યું છે તે પણ ચોક્કસ સારવારનો દાવો કરી શકે તેમ નથી. પરંતુ, એક બાબત ચોક્કસ છે કે તેનાથી રોગને આગળ વધવા સામે રક્ષણ મળ્યું છે. બાબા રામદેવે વેક્સિનને બનાવટ ગણાવી તેના બે ડોઝ લીધા પછી પણ ખૂદ ડોક્ટર્સના મોત થયા હોવાનો દાવો કર્યો છે તેને તદ્દન વાહિયાત ગણાવી શકાય. ભારત અને વિશ્વમાં આયુર્વેદની પ્રાચીન પરંપરાની સારવારમાં માનનારા લોકોની સંખ્યા પણ અગણિત છે. આયુર્વેદ તરફ સંપૂર્ણ માન હોવા છતાં તત્કાળ રાહત મેળવવા લોકો એલોપથીનો આશરો લે તેમાં કશું ખોટું પણ નથી. આ વિવાદ પછી પણ કરોડો લોકો એલોપથી કે આયુર્વેદની સારવારને છોડવાના નથી તે પણ હકીકત છે. આખરે બાબા રામદેવે પોતાનું અધકચરું નિવેદન પાછું તો ખેંચી લીધુ પરંતુ પોતાના દાવા પર અડગ રહ્યા છે. ખરેખર તો તેમણે સમજદારી દર્શાવવાની જરુર છે. કોરોના સંક્રમણ આટલી હદે ફેલાયું તેમાં એલોપથીના ડોક્ટર્સનો તો કોઈ વાંક નથી કે તેમણે જે સારવાર આપી તેમાં પણ ઉણપ નથી. તેઓ કોરોના વોરિયર્સ તરીકે તો સતત સેવારત રહ્યા છે તેનો ઈનકાર બાબા પણ કરી શકે તેમ નથી. રામદેવજીએ ભલે દાવો કર્યો હોય કે એલોપથીથી માત્ર ૧૦ ટકા ગંભીર દર્દીઓની સારવાર થઇ અને બાકીના લોકો યોગ-આયુર્વેદથી સાજા થયા. સારવારમાં કોઈ ટકાવારી હોતી નથી. મહત્ત્વ જીવનનું છે. આ સમય કઈ પદ્ધતિ સારી કે ખરાબ તેના વિશે વિવાદ કરવાનો નથી. જે સારવાર પદ્ધતિ પેશન્ટનું જીવન બચાવી શકે, રાહત આપી શકે તે પદ્ધતિ જે તે સમયે સારી ગણાય.