ગાંધીનગર: ભારત સરકારે ગત સપ્તાહે ૫,૮૦૦ ઈન્જેક્શન ફાળવ્યા બાદ ગુજરાતમાં મ્યૂકરના દર્દીઓની સારવાર માટે વધુ ૪,૬૪૦ ઈન્જેક્શનનો ક્વોટા ફિક્સ કર્યો હતો. આ વખતે ચાર દિવસ માટે ફાળવેલા ઈન્જેક્શન માઈલાન ફાર્મા પ્રાઈવેટ લી.ના છે. જેની કિંમત ગુજરાત સરકારના ગુજરાત મેડિકલ સર્વિસ લિમિટેડ દ્વારા રૂ.૬,૨૪૭.૫૦ નક્કી કરવામાં આવી છે. આ ઈન્જેક્શન સૌથી મોંઘા છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં મ્યૂકરમાઈકોસિસના પાંચ હજારથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. ગત સપ્તાહે રોગચાળો જાહેર કર્યા બાદ આરોગ્ય મંત્રાલયને ગુજરાતમાં ૨,૨૮૧ એક્ટિવ કેસ હોવાનું પત્રક મોકલ્યા બાદ ૫,૮૦૦ ઈન્જેક્શન ફાળવ્યા હતા. ભારત સરકારને માઈલાન ફાર્માના ૧૯,૪૨૦ ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ થતા સેન્ટ્રલ ઈન્સ્યિટયૂશન અને ૨૨ રાજ્યો વચ્ચે તેની ફાળવણી કરતા ગુજરાત પછી સૌથી વધુ મહારાષ્ટ્રને ૪,૦૬૦ ઈન્જેક્શન મળ્યા છે. જે ચાર દિવસ અથવા નવો સ્ટોક ઉપલબ્ધ થાય ત્યાં સુધીનો ક્વોટા છે. આ ફાળવણીમાં ગુજરાતને સૌથી વધુ ૨૪ ટકા જેટલો જથ્થો ઉપલબ્ધ થયો છે.
રાજ્યો રાજ્યો વચ્ચે વિવાદો અને કોર્ટ કેસોને કારણે ભારત સરકારે રેમડેસિવિર પછી મ્યૂકરની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતા એમ્ફોટેરિસિન-બી ઈન્જેક્શનનું વિતરણ પણ પોતાને હસ્તક લીધું છે.