સમગ્ર વિશ્વમાં કોરોના ફેલાયો તેની પાછળ ચીનનો હાથ છે તે અંગે વિશ્વભરમાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. વિશ્વમાંથી કોરોના વાઈરસ મહામારીનો અંત આવે તેવા ચિહ્નો આજે પણ દેખાતા નથી. વિશ્વના અમેરિકા, યુકે ને યુરોપ સહિતના સમૃદ્ધ રાષ્ટ્રો વિવિધ વેક્સિનના ડોઝ પર પોતાનો સિક્કો જમાવીને બેસી ગયા છે તો બીજી તરફ, આફ્રિકા સહિત અન્ય ગરીબ દેશો વેક્સિન વિના મરવાના વાંકે જીવી રહ્યા હોય તેવી હાલતમાં છે. આમ કશ્મકશ ચાલી રહી છે ત્યારે કોરોના વાઈરસના ઉદ્ભવ મુદ્દે નવેસરથી સંશોધનો તેમજ આક્ષેપ-પ્રતિઆક્ષેપોના હાકલાપડકારા વધી રહ્યા છે. સામાન્ય સમજ પણ એમ જ કહે છે કે ચીનના વુહાનની લેબોરેટરીમાંથી વિનાશક વાઈરસ છટક્યો અને લાખો લોકોની જીંદગીને હરી ગયો છે. બ્રિટન અને અમેરિકા સહિતના વૈજ્ઞાનિકોનો દાવો છે કે કોરોના વાઈરસ ચીનની વુહાન લેબોરેટરીમાંથી જ નીકળ્યો છે અને તે કુદરતી રીતે ચામાચીડિયામાંથી ફેલાયો છે તેવા પ્રચારમાં કોઈ દમ નથી કે કોઈ મજબૂત પૂરાવા નથી. નિશ્ચિતપણે આ દાવો ચીનની મુશ્કેલી વધારશે પરંતુ, આજ સુધી ચીન કોઈને ગાંઠ્યું નથી અને ગાંઠશે પણ નહિ. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલી પ્રથમ ચકાસણીમાં આપણે બધાએ જોઈ લીધું છે. તેણે એક નિવેદન આપી મૌન ધારણ કરી લીધુ છે. બ્રિટનના પ્રોફેસર એંગસ ડેલ્ગલિશ અને નોર્વેના ડોક્ટર બર્ગર સોરેનસેને આપેલી નવી માહિતી મુજબ SARS-CoV-2 વાઈરસ હકીકતે ચીનના વુહાન લેબમાંથી રિસર્ચ સમયે લીક થયો છે. આ ભૂલને રિવર્સ એન્જીનિયરિંગ વર્ઝન મારફતે છૂપાવવાનો પ્રયાસ કરાયો અને તેના દોષનો ટોપલો ચામાચીડિયા પર નાખી દેવાયો હતો. જોકે, તે કુદરતી વાઈરસ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. આ ટીમનું કહેવું છે કે વાઈરસ સતત આટલી ગતિએ નવું સ્વરુપ ધારણ કર્યા કરે તે કુદરતી વાઈરસમાં શક્ય બનતું નથી. કહેવાતા ભારતીય વેરિએન્ટના કારણે યુકે સહિતના દેશોમાં ફરી સંક્રમણ વધી રહ્યું છે અને વેક્સિનથી મળેલા વિજયની ગાડી ધીમી પડી છે. આમ તો યુકેના ઈંગ્લેન્ડમાં ૨૧ જૂનથી લોકડાઉન ઉઠાવી લેવાનો રોડ મેપ નિશ્ચિત કરાયો છે પરંતુ, જે રીતે સંક્રમણ વધી રહ્યું છે તેને જોતાં હજુ એક-બે મહિના સુધી નિયંત્રણો જાળવી રાખવા પડે તો નવાઈ નહિ. મૂળ સમસ્યા છે કે લોકોમાં સમજ અથવા નાગરિકધર્મનો અભાવ છે. જરા પણ છૂટછાટ મળે તેની સાથે લોકો શેરીઓ, માર્ગો કે સમુદ્રીતટો પર ઉમટી પડે છે ને ‘આ બેલ મુઝે માર’ની માફક કોરોના સંક્રમણને આમંત્રણ આપે છે.