લોસ એન્જલસઃઃ આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં ભાગ લઈને દસ વડીલો સાથે કુલ ૫૪૧,૪૨૦ ડોલરની છેતરપિંડી કરવા બદલ લોસ એન્જલસના લેક અલ્સિનોરના ૩૧ વર્ષીય રહીશ અને ભારતીય અમેરિકન અનુજ મહેન્દ્રભાઈ પટેલ દોષી ઠર્યો હોવાનું સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ઓફ કેલિફોર્નિયાની યુએસ એટર્ની ઓફિસે જણાવ્યું હતું. પટેલની આગામી સુનાવણી ૨૮જૂને થશે. તેને ૨૦ વર્ષની જેલ થવાની શક્યતા છે.
તેણે વડીલોને ફેડરલ એજન્ટના સ્વાંગમાં બોગસ વોરન્ટના આધારે ધરપકડ કરવાની ધમકી આપીને અન્ય કાવતરાખોરો સાથે આ ષડયંત્રમાં ભાગ લીધો હતો. અનુજ આ ષડયંત્રમાં મેલ ફ્રોડ અને વાયર ફ્રોડ આચરવાના એક કાઉન્ટમાં દોષી ઠર્યો હતો.
તેણે એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦ સુધી આ ષડયંત્રમાં ભાગ લીધો હતો. તેમાંના કેટલાંક લોકો ભારતના હોવાનું મનાય છે. તેઓ પીડિતોને ટેલિફોન કરીને સરકારી કર્મચારીઓ અથવા લો એન્ફોર્સમેન્ટ ઓફિસર્સના સ્વાંગમાં વાત કરતા હતા. તેઓ સરકારી ટેલિફોન નંબરોનું સ્પૂફિંગ કરીને વાત કરતા અને વડીલોને તેમની આઈડેન્ટીટી અથવા મિલ્કતો પર તકલીફ થવાનું જણાવતા હતા.
કેટલાંક પીડિતોને કહેવાતું કે તેમના સોશિયલ સિક્યુરિટી નંબરો ગુના સાથે સંકળાયેલા છે અને તેમની ધરપકડ કરવાની સત્તા આપતા વોરન્ટ્સ કોર્ટે ઈસ્યૂ કર્યા છે. અન્ય ષડયંત્રકારીઓ આ વોરન્ટ ક્લિયર કરાવવા માટે પીડિતોને તેમની સેવિંગ્સની રકમ ઉપાડીને મેલ મારફતે અન્ય મેમ્બરોને મોકલવા જણાવતા હતા. અનુજે પીડિતોના પાર્સલોની સ્થિતિ જાણવા ટ્રેકિંગ નંબરોનો ઉપયોગ કર્યાનું અને કુરિયર્સ સાથે વાત કરી હોવાનું કબૂલ્યું હતું. ભોગ બનેલાઓને પાર્સલ મેળવવા જે લોકોનું આઈડેન્ટિફિકેશન શિપિંગ કંપની સાથે મેચ થતું હોય તેના મારફતે પાર્સલ મોકલવા જણાવતા હતા.