અફઘાન અર્થતંત્રના હાલ બેહાલ

Tuesday 02nd November 2021 16:09 EDT
 

અફઘાનિસ્તાનમાં આર્થિક અને માનવીય કરુણતાની પરિસ્થિતિ સતત વણસી રહી છે. યુદ્ધગ્રસ્ત સીરિયા અને યેમેન કરતાં પણ અફઘાનિસ્તાનની હાલત ખરાબ છે. વર્તમાન અફઘાનિસ્તાનની અડધોઅડધ વસ્તી અનાજ અને પાણીની અછતથી મરવાના વાંકે જીવતી હોવાનું કહી શકાય. યુનાઈટેડ નેશન્સ એજન્સીઓના અહેવાલો કહે છે કે દેશના ૩૮ મિલિયન લોકોમાંથી ૨૩ મિલિયન લોકોને અનાજ-પાણીની મદદ સમયસર નહિ મળે તો શિયાળો કાઢવો મુશ્કેલ બની જશે.
ઓગસ્ટ મહિનામાં અમેરિકી દળોની વિદાયના પગલે તાલિબાન ઉદ્દામવાદીઓએ સત્તા સંભાળ્યા પછી દેશનું અર્થતંત્ર ભાંગી પડ્યું છે. યુએનના અંદાજ અનુસાર રાજધાની કાબૂલનું પતન થયું ત્યારે અડધો દેશ દૈનિક ૧.૯૦ ડોલરથી પણ ઓછી કમાણી પર નભતો હતો. વર્ષ ૨૦૨૨ની મધ્ય સુધીમાં આ ટકાવારી ૯૭ થઈ જવાની શક્યતા છે. આ કટોકટીનું મુખ્ય કારણ તદ્દન અટકી ગયેલી વિદેશી સહાય છે. અત્યાર સુધી અફઘાનિસ્તાનનું અર્થતંત્ર યુએસ અને યુકે સહિતના દેશોની સહાય પર જ ચાલી રહ્યું હતું. તાલિબાને સત્તા સંભાળી તે પહેલાં અફઘાનિસ્તાનને વર્ષે આશરે ૮.૫ બિલિયન ડોલરની વિદેશી સહાય મળતી હતી. શિક્ષણ અને આરોગ્ય સંપૂર્ણપણે સહાય આધારિત હોવાં સાથે સરકારના બજેટનો ત્રણ ચતુર્થાંશ હિસ્સો વિદેશી દાતાઓ પર જ નિર્ભર હતો. અરે, દેશની મધ્યસ્થ બેન્ક પણ વિદેશથી નિયમિત મળતી રોકડ સહાયના ઈન્જેક્શન્સથી જ
ચાલતી હતી.
હવે કટોકટી સર્જાઈ છે કારણકે સહાય બંધ કરી દેવાઈ છે અને દેશનું ૯ બિલિયન ડોલરની વિદેશી હુંડિયામણ સ્થગિત કરી દેવાયું છે જેથી તે તાલિબાનના હાથમાં જાય નહિ. દેશના ૨૨૦,૦૦૦ શિક્ષકો અને સરકારી કર્મચારીઓ વેતન વિના રઝળી પડ્યા છે. આર્થિક બેહાલ બની રહેલું ચીન અને દેવાળિયું પાકિસ્તાન પણ કેટલી મદદ કરશે તે પણ સવાલ છે.
તાલિબાન લોકોને અધિકારો આપવાના બદલે વધુ ઘાતકી બની રહ્યું છે. કોરોનાત્રસ્ત ખેડૂતો પર ધાર્મિક ટેક્સ નાખ્યો છે તેમજ જમીનો પર કબજો કરવાની કવાયત પણ આદરી છે. એક અહેવાલ તો એવો છે કે લગ્નમાં ગીતો વગાડવા બદલ ૧૩ લોકોની હત્યા કરી નખાઈ છે. દેશની જનતા ભૂખે મરી રહી છે ત્યારે તાલિબાનોએ તેમના આત્મઘાતી બોમ્બર્સનું સન્માન કરવાના કાર્યક્રમ માટે નાણાની જોગવાઈ કરી લીધી તે પણ નવાઈની વાત છે.


comments powered by Disqus