ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રોમ ખાતે G-૨૦ બેઠક, વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત અને છેલ્લે યુકેમાં સ્કોટલેન્ડના ગ્લાસગોમાં COP-26 શિખર પરિષદમાં નોંધપાત્ર ઉપસ્થિતિ સાથે સફળતાનો ડંકો વગાડ્યો છે. G-૨૦ બેઠકમાં અમેરિકી પ્રમુખ જો બાઈડેન અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોં સાથે નરેન્દ્ર મોદીની મુલાકાત પણ ભારે ઉષ્માપૂર્ણ રહી હતી. દરેક વિશ્વનેતાઓ સાથે મોદીએ અંગત સંબંધો બાંધ્યા છે જે ભારતને ફળી રહ્યા છે.
૨૦૧૫માં પેરિસ ક્લાઈમેટ સંધિ થઈ ત્યારે દેશોએ વૈશ્વિક તાપમાન ૨ ડીગ્રી સેન્ટિગ્રેડથી નીચે જળવાઈ રહે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ માટે દેશોએ તેમના દ્વારા કરાતા કાર્બન એમિશન અથવા ઉત્સર્જનને શૂન્ય કરવાની ખાતરી આપવાની રહે છે. ભારતે નેટ-ઝીરો કાર્બન એમિશન્સ સુધી પહોંચવા ૨૦૭૦ના વર્ષ સુધીની બાંયધરી ઉચ્ચારી છે. વિશ્વના ત્રીજા ક્રમના સૌથી વધુ કાર્બન ડાયોક્સાઈડ હવામાં છોડનારા દેશ તરીકે ભારતે પ્રથમ વખત જ આ લક્ષ્યાંક જાહેર કર્યું છે. વિશ્વનેતાઓ તેનાથી જરા નિરાશ અવશ્ય થયા છે પરંતુ પર્યાવરણ નિષ્ણાતોએ આ વર્ષ ૨૦૭૦ સુધીની બાંયધરીને વાસ્તવિક અભિગમ ગણાવ્યો છે તે જરા પણ ભૂલવું ન જોઈએ. વિકસિત રાષ્ટ્રોએ શુન્ય કાર્બન એમિશન માટે ૨૦૫૦નું વર્ષ સુનિશ્ચિત કર્યું છે. ભારત પણ ૨૦૫૦ સુધીમાં આ સ્થિતિ મેળવવાની પ્રતિબદ્ધતા દર્શાવે તેવું દબાણ હતું પરંતુ, તેને વશ થયા વિના જ નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ કર્યું જ છે કે વિકસિત રાષ્ટ્રોએ અત્યાર સુધી પર્યાવરણને સૌથી વધારે નુકસાન પહોંચાડ્યું છે. ભારત હજુ વિકાસ સાધી રહેલો દેશ છે. વિકસિત દેશોએ નાણાકોથળી ખુલ્લી મૂકીને વિકાસશીલ અને ગરીબ દેશો પર્યાવરણના નુકસાનને ભરપાઈ કરી શકે તેવી અઢળક સહાય કરવી પડશે. ભારતની આવી લાગણી અને માગણીને અનુસરી યુકેએ ગ્રીન ઈનિશિયેટિવની જાહેરાત કરી વિકાસશીલ દેશોમાં સ્વચ્છ ટેકનોલોજીસ વિકસાવવા આગામી પાંચ વર્ષમાં ૩ બિલિયન પાઉન્ડનું ભંડોળ ખર્ચવાની જાહેરાત કરી છે.
વડા પ્રધાન મોદીએ જાહેર કરેલા ‘પંચામૃત’ સૂત્રમાં ૨૦૭૦માં નેટ ઝીરો એમિશન ઉપરાંત, ૨૦૩૦ સુધીમાં નોન-ફોસિલ એનર્જીની ક્ષમતા વધારીને ૫૦૦ ગીગાવોટ્સ (GW) સુધી લઈ જવી, ઊર્જાની જરૂરિયાતોના ૫૦ ટકા હિસ્સો રિન્યુએબલ સોર્સીસમાંથી મેળવવો, અર્થતંત્રમાં કાર્બનની તીવ્રતા-આધાર ૪૫ ટકા ઘટાડવો અને કુલ પ્રોજેક્ટેડ કાર્બન એમિશન્સમાં ૧ બિલિયન ટનના ઘટાડાનો સમાવેશ પણ થાય છે. ક્લાઈમેટ ચેન્જ સમસ્યાનો સામનો કરવા ભારત માત્ર વાતોના વડા કરી રહ્યું નથી પરંતુ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રે પણ મક્કમ પગલાં લઈ રહ્યું છે. ભારતે ગત સાત વર્ષમાં નોન-ફોસિલ ફ્યૂલ એનર્જીમાં ૨૫ ટકાનો વધારો કર્યો છે, LED બલ્બ અભિયાનથી દર વર્ષે ૪૦ મિલિયન ટન કાર્બન એમિશન ઘટે છે. આ ઉપરાંત, ભારતીય રેલવેઝ ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો એમિશન હાંસલ કરશે તેમજ ૪૫૦ ગીગાવોટની રિન્યુએબલ એનર્જી ક્ષમતા સ્થાપવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે તે પણ મોદીએ સ્પષ્ટ કર્યું છે.
ભારતને ગ્રીન પ્રોજેક્ટ્સ માટે વિશ્વ બેન્ક તરફથી વધારાની ૧ બિલિયન ડોલર (૭૩૦ મિલિયન પાઉન્ડ)ની લોન મળવાની છે જેની ગેરન્ટી પણ બ્રિટને લીધી છે. યુકે દ્વારા ભારતને આ સૌથી મોટી નાણાકીય ઓફરથી ભારતમાં ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ સાંપડશે. તે નિશ્ચિત છે. ક્લાઈમેટ સમિટની સાથોસાથ બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષી મંત્રણાની તક પણ મોદીએ ઝડપી લીધી છે. બંને નેતાઓએ ૨૦૩૦ના રોડમેપ તેમજ વેપાર અને અર્થવ્યવસ્થા, સ્વાસ્થ્ય, રક્ષા અને સુરક્ષા ક્ષેત્રોમાં થયેલા પ્રાથમિક કાર્યોની સમીક્ષા કરી હતી.
છેલ્લા બે દાયકામાં વેટિકન સિટી ખાતે પોપ ફ્રાન્સિસની મુલાકાત લેનારા પહેલા ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેટિકનમાં ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડા પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતના ખ્રિસ્તી સમુદાયની પણ નજર હતી તેવી આ બેઠકનો સમય માત્ર ૨૦ મિનિટ રખાયો હતો પરંતુ, મુલાકાત એક કલાક કરતાં વધુ સમય ચાલી હતી. મોદી અને પોપ વચ્ચે કોરોના મહામારી અને ક્લાઈમેટ ચેન્જના પડકારો સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી
ગ્લાસગોમાં મોદીનું ભાવસભર સ્વાગત થયું અને ભારતીય મૂળના લોકોએ ભારત માતાની જયના નારા અને ‘ઈસ દેશ કે યારો ક્યા કહના, મોદી હૈ ભારત કા ગહના...’ ગીત લલકારીને તેમની અપ્રતિમ લોકપ્રિયતાનો પરચો આપ્યો છે. કોઈ દેશના વડાનું આ રીતે સ્વાગત કરાયું હોય તેવું આ પ્રથમ ઉદાહરણ છે.
