કાબુલઃ અફઘાનિસ્તાનમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ પોતાના સૈન્ય પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. તાલિબાનોએ અફઘાનિસ્તાનના મોટાભાગના ગ્રામીણ વિસ્તારો પર કબજો કર્યો છે એવામાં કંદહાર શહેર પર કબજો જમાવવા માટે તાલિબાનોએ કંદહાર એરપોર્ટ પર રોકેટ હુમલો કર્યો હતો. આ હુમલા પછી એરપોર્ટ પરથી બધી જ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ છે. બીજીબાજુ અફઘાનિસ્તાનની એરફોર્સની તાલિબાનોના અનેક સ્થળો પર એરસ્ટ્રાઈકમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૪થી વધુ આતંકીઓનાં મોત નીપજ્યાં હોવાનો અફઘાન સરકારે દાવો કર્યો છે.
દેશ છોડીને ૩૦ હજાર અફઘાનની હિજરત
અફઘાન સુરક્ષા દળો આતંકીઓનો સતત સામનો કરી રહ્યા છે. કંધાર એરપોર્ટના વડા મસૂદ પશ્તુને કહ્યું કે, ૩૧ જુલાઈની મોડી રાત્રે એરપોર્ટ પર ત્રણ રોકેટથી હુમલો કરાયો. તેમાંથી બે રન-વે સાથે ટકરાયા એટલે તમામ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. અમેરિકન સેનાની ઘરવાપસી પછી અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું પલડું ભારે છે. આ જ કારણસર અફઘાન નાગરિકોએ દેશમાંથી હિજરત શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનના મતે, દર સપ્તાહે 30 હજાર અફઘાની દેશ છોડીને જઈ રહ્યા છે. અત્યાર સુધી કુલ ૩.૩૦ લાખ અફઘાનો વિસ્થાપિત થયા છે, જેમાંથી અડધા અમેરિકન સેનાની વાપસીના કારણે ડરીને વિસ્થાપિત થયા છે. ગેરકાયદે રીતે દેશ છોડનારની સંખઅયા ૩૦-૪૦% જેટલો વધારો થયો છે.