અમેરિકા-ભારત મૈત્રીના નવા પરિમાણ

Wednesday 04th August 2021 08:32 EDT
 

અમેરિકાના ફોરેન મિનિસ્ટર એન્ટની બ્લિન્કન તાજેતરમાં જ ભારતની યાત્રાએ આવી ગયા. આ મુલાકાત એવા સમયે યોજાઈ જ્યારે ચીન લડાખ, અરુણાચલ સરહદે લશ્કરી તાકાતનું પ્રદર્શન વધારી રહ્યું છે તેમજ અમેરિકી આર્મીની અફઘાનિસ્તાનમાંથી વિદાયના પગલે તાલિબાનનું જોર વધવા સાથે ભારતના હિતો જોખમમાં આવી પડ્યા છે. ચીન અને તાલિબાનના પડકારને પહોંચી વળવા અમેરિકા-ભારત વચ્ચે સહયોગ જરૂરી બન્યો છે.
ભારત- અમેરિકા સંબંધોમાં ગત બે દાયકામાં આવેલા સકારાત્મક ફેરફારોની અસર ભારતીય ઉપખંડની સાથોસાથ દક્ષિણ એશિયાની રાજનીતિ ઉપર અસર થઇ છે. પ્રમુખ જો બાઈડેન પણ તેમના પુરોગામી પ્રમુખોની ભારતનીતિને આગળ વધારી રહ્યા છે. એ તો વાસ્તવિકતા છે કે એશિયામાં અમેરિકા નવા મિત્રને શોધી રહ્યું છે જે ચીન સામે મજબૂત ઢાલ બની રહે. સમગ્ર વિશ્વમાં ચીનના ઝડપી પગપેસારાથી અમેરિકાને સ્વાભાવિક રીતે જ જગત જમાદાર- સુપર પાવરના દબદબા સામે જોખમ સર્જાતું જણાયું છે. અમેરિકાએ નવી સુરક્ષાનીતિ અનુસાર હિન્દ મહાસાગર અને પેસિફિક ક્ષેત્રમાં ભારતના સબળ નેતૃત્ત્વની ભૂમિકાનું સમર્થન કર્યું હતું. શ્રીલંકા, માલદીવ, બાંગલાદેશ અને પાકિસ્તાનના પોર્ટ્સ પર ચીનનો કંટ્રોલ ભારતને મુશ્કેલીમાં મૂકી શકે છે. ઇન્ડો-પેસિફિક ક્ષેત્રનું વ્યૂહાત્મક મહત્ત્વ અને ચીનની આક્રમક નીતિઓને જોતાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ - ક્વોડ ગ્રૂપની સ્થાપના કરી છે.
અમેરિકા સતત ભારતને વ્યૂહાત્મક ભાગીદાર બનાવવા પ્રયાસો કરી રહ્યું છે. ભારત સાથે પરમાણુ કરાર, નાટો સમકક્ષ દરજ્જો, સંવેદનશીલ ટેકનોલોજી સાથેના શસ્ત્રોની ખરીદી આ જ પ્રયાસોનું ફળ છે.
વર્તમાન પરિપ્રેક્ષ્યમાં અમેરિકા સાથે સંબંધો વિકસાવવા આવશ્યક હોવાં છતાં, ભારત તેના પુરાણા સાથીઓ રશિયા અને ઈરાનને નારાજ કરી શકે નહિ તે પણ હકીકત છે. રશિયા હંમેશા ભારતની પડખે રહ્યું છે. શસ્ત્રોની જરૂરિયાત મોટા ભાગે રશિયાએ જ પૂર્ણ કરેલી છે. ઈરાન સાથે ઓઈલનો વેપાર હંમેશાં ભારતની તરફેણમાં રહ્યો છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન વિશ્વમાં ભારતની શાખ, દબદબો અને વિશ્વસનિયતા વધી છે. ભારત વૈશ્વિક તાકાત બનીને ઉપસ્યું છે. ભારત અમેરિકા કે રશિયા કોઈનું તાબેદાર-ખંડિયુ રાષ્ટ્ર નથી. સુરક્ષાક્ષેત્રે શક્તિ વધારવાના પ્રાથમિકતા સાથે સર્વોપરિ રાષ્ટ્રીય હિતો પણ જાળવી રાખવા પડશે.


comments powered by Disqus