જે માણસે રંગભૂમિને જીવન સમર્પિત કર્યું છે એને પોતાની કરીયરમાં આગળ વધવા જીવનના ઝંઝાવાતો રોકી શકયા નથી. તુષાર જોષીની અસ્વસ્થ તબિયત હોવાછતાં રંગભૂમિ પ્રત્યેના લગાવ અને પેનેડેમીકના સમયમાં વ્યાપી ગયેલ હતાશામાં લોકોને મનોરંજન પીરસવાનો મોહ રોકી શકતા નથી! હાલ કલાકારોને એકત્ર કરી કોમેડી નાટકની પ્રેક્ટીસ કરાવી રહ્યા છે . એમને એટેક આવી ગયા પછી એક હાથ જુઠ્ઠો પડી ગયો છે. રોજ એમને ફીજીયોથેરાપી કરાવવી પડે છે, ચાલવા લઇ જવા પડે છે, યોગા કરવા પડે છે, ભોજનની પરેજી પાળવી પડે છે પણ આ તો રોજીંદો ક્રમ છે. એમને તો લોકોને લોકડાઉનના હાઉમાંથી લોકોને બહાર કાઢવા છે. એમના સ્વાસ્થ્યની જવાબદારી પત્ની ભાવિનીબહેન નિભાવી રહ્યા છે. કેરર, ગૃહિણી, માતા તરીકે વિવિધ ભૂમિકા ભજવીને. પોતાના કુટુંબની સુખાકારી માટેનો ત્યાગ એ ભારતીય નારીની વિશેષતા છે. પોતાની આવી પરિસ્થિતમાંય કોરોના..કોરોના..ના ભયથી ભાંગી ગયેલાઓને દુ:ખ ભૂલાવવા, બીજે મન વાળવા, વાતાવરણ હળવું કરવા કટિબધ્ધ બન્યા છે તુષારભાઇ. ધન્ય છે એમને! એમની સાથે જાણીતા ફોટોગ્રાફર શરદભાઇ રાવલના સહકારથી વોટ્સઅપ ઇન્ટરવ્યુ કર્યો. એમના રસપ્રદ નાટ્ય જીવનના અનુભવો અને પ્રવેશના પરિબળોની રોમાંચક વાતો આપણને જરૂર પ્રેરક બળ પૂરૂં પાડશે.
તુષારભાઇના પિતાશ્રી મનસુખભાઇ જોષી મૂળ જુનાગઢના વતની. તેઓ સ્વાતંત્રય સેનાની એથી બ્રિટિશ રાજ દરમિયાન જેલવાસ પણ ભોગવેલ. માતા ઇન્દુમતીબેન ગૃહિણી પરંતુ એમનામાં સૂઝ-સમજ , હાસ્ય રસ ઉભો કરવાની કુનેહ અવ્વલ નંબરના. સ્વભાવે કડક પરંતુ સૌને મદદ કરવામાં પાછી પાની ના કરે.. મુંબઇની ચાલીમાં એમનો વટ ભારે!
ભારત આઝાદ થયા બાદ ૧૯૪૮માં મનસુખભાઇએ પં. જવાહરલાલ નહેરૂએ લખેલ "ડીસ્કવર ઇન્ડીયા" વિષય આધારિત નાટક, નૃત્ય નાટિકા તૈયાર કરી. એ જમાનામાં થીયેટર ન હોવાને કારણે ઓપન થીયેટરમાં નાટક ભજવતા. ભવાઇ, લોક સંગીતનું સંયોજન કરી નાટ્ય ક્ષેત્રે પ્રવેશ કર્યો. દરમિયાનમાં એક બાજુ પ્રવિણ જોષીએ ઇન્ડીયન નેશનલ થીયેટર (INT)ની સ્થાપના કરી અને મનસુખ જોષીએ લોકકલા સંશોધન કેન્દ્ર ઉભું કર્યું. સૌરાષ્ટ્ર-ગુજરાતનું લોક સાહિત્ય, સંગીત પર સંશોધન કાર્ય કરી પોતાની આગવી ઓળખ ઉભી કરી. એક બાજુ રંગભૂમિને મોર્ડન થીયેટર તરફ લઇ જવામાં પ્રવૃત્ત પ્રવિણ જોષી અને બીજી બાજુ જૂની રંગભૂમિના રખોપાં કરતા મનસુખ જોષી.
મનસુખ જોષીના બે દિકરાઓ રાજુ અને તુષાર. બેય નાના હતા ત્યારે પિતા સાથે ભજવાતા બાળ નાટકોના રિહર્સલ જોવા તેમજ નાટકો જોવા જતા. એથી બન્ને ભાઇઓને નાટક કરવાનો ચસકો લાગ્યો. પ્રવિણ જોષીએ "ખેલંદો" નાટકમાં તુષારભાઇને રોલ આપ્યો. બસ ત્યારથી જ તુષારભાઇએ નક્કી કરી લીધું કે થીયેટરમાં કામ કરવું અને કારકિર્દી બનાવવી. મુંબઇની ભવન્સ કોલેજમાં ડ્રામા ફેકલ્ટી ડેવલપ થતા ત્રણ વર્ષના એ કોર્સમાં તુષારભાઇએ પ્રવેશ લીધો. પ્રવિણ જોષી એમના પ્રિય ડાયરેક્ટર. અને ગુરૂ કમલાકરજી ખૂબ જ કડક શિસ્તવાળા એથી એમના હાથ નીચે નાટકને સ્પર્શતા બધા જ વિષયોમાં ત્રણ વર્ષ દરમિયાન અદ્ભૂત જ્ઞાન મેળવ્યું. સેટ બનાવવાથી માઁડી સંવાદ, કલા અને કલાકારોની પરખ, ડીઝાઇનર, લાઇટીંગ, સાઉન્ડ વગેરેમાં જાણકારી મેળવી.
પ્રવિણ જોષીનું અચાનક અવસાન થતા આસીસ્ટંટ સુરેશ રાજડાના હાથમાં આઇ.એન.ટી.નો વહિવટ આવ્યો. એમનું પ્રથમ નાટક "કુરૂક્ષેત્ર". જેમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા તુષારભાઇએ ભજવી. ત્યારબાદ અનેક નાટકોમાં એમનો સિતારો ચમકતો ગયો. દરમિયાનમાં નાટ્ય જગતના ધૂરંધર શૈલેષ દવે, લેખક, દિગ્દર્શક, અભિનેતા સાથે "ઓળખાણ" નાટકમાં ભાગ લીધો. જાણીતી ફિલ્મો: દેવદાસ, બ્લેક, બાજીરાવ મસ્તાની વગેરેના લેખક પ્રકાશ કાપડીયા સાથે કોમર્શીયલ નાટકો લખવાનું ને કરવાનું વિચાર્યું. તેઓએ "સૂર્યવંશી" નાટક લખ્યું. આ નાટક લખ્યા બાદ અનેક મહારથીઓનો અભિપ્રાય મેળવ્યો પણ બધાએ એને નકારી કાઢ્યું. ઉત્સાહ ઓસરી રહ્યો હતો. છેલ્લા અભિપ્રાય માટે બોલીવુડ કલાકાર ઓમ પુરી સાહેબને એ બતાવ્યું. એમને ગુજરાતી આવડે નહિ પરંતુ વિષય પસંદ પડ્યો એથી હિમત આવી. એ સમયના બધા જ ઇન્ટર કોલેજ (ઇપ્ટા)ના કલાકારોને એમાં અભિનય માટે સામેલ કરી ઉત્તમ કક્ષાનું નાટક તૈયાર કરી ભજવ્યું. એ નાટકને ખૂબ જ આવકાર મળ્યો. જે ધૂરંધરોએ એને નકારેલ તે બધાએ પોતાની ભૂલ કબૂલી.
સ્મૃતિ ઇરાની, પદ્મિની કોલ્હાપુરે, શક્તિકપૂર, મહેશ ઠાકર જેવા મોટા ગજાના કલાકારો સાથે કામ કરવાનો અવસર પણ મળ્યો. એ સાથે જ જીવનમાં બાંધછોડ પણ ગજબની કરવી પડી છે. જીવન સાચે જ એક રંગમંચ છે.
૨૧ ડીસેમ્બર ૧૯૯૩માં ભારતીય વિદ્યાભવન, લંડનના ગુજરાતી ડ્રામા વિભાગના ડીરેક્ટર તરીકે નિયુક્તિ થઇ. લંડનમાં નાટ્યપ્રેમી શ્રી નરેશ પટેલની રહબરી હેઠળ ભવનને પ્રેરકબળ મળ્યું. આફ્રિકમાં ગુજરાતી રંગભૂમિના પાયોનીયરો એન.સી.પટેલ, પ્રીતમ પંડ્યા, ઉષાબહેન પટેલ, ભાનુ પંડ્યા, પી.આર,પટેલ, હીના બક્ષી, પ્રમિલાબહેન પટેલ, તરૂ દેવાણી વગેરે કલાકારોનો સાથ સાંપડ્યો. સુરેન્દ્રભાઇ પટેલ, નાટય વિભાગના વડા, ડીરેક્ટર, માર્કેટીંગ ગુરૂની રાહબરી હેઠળ અને સથવારે ભવનનો ગુજરાતી નાટ્ય વિભાગ ફુલ્યો-ફાલ્યો. નાટ્ય પ્રવૃત્તિને વેગ આપવામાં એમનો સિંહફાળો છે. દરમિયાનમાં અનેક જૂના અને નવોદિત કલાકારોને પ્લેટફોર્મ મળ્યું. એમનામાંના કલા તત્ત્વને બહાર આવવાની તક મળી. હેમંત પારેખ, અતુલ મોઢા, રીકિન ત્રિવેદી, કવિતા, મમતા જાની, સુકેશી પટેલ, હાર્દિક રાવલ, અલ્પા ત્રિવેદી...આદી પાંગરતી પ્રતિભાઓમાં આત્મવિશ્વાસ આવ્યો અને કલાકાર ગૃપ તૈયાર થયું. અમેરિકા અને કેનેડાની ટૂર પણ અનેકવાર કરી આવ્યા છે. આ નાટકોમાં • મારા વરની વહુ કોણ? • હવે તો સખણાં રો' • સસરાએ મારી સિક્સર • અકસ્માત વગેરે અનેક નાટકોએ એક નાટ્યપ્રેમી વર્ગ ઉભો કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
ભવનની નાટ્ય પ્રવૃત્તિમાં "ગુજરાત સમાચાર" અને સી.બી.પટેલના યોગદાનની નોંધ પણ તુષારભાઇએ સગર્વ લીધી.
તુષારભાઇનો એક પગ લંડનમાં અને એક ઇન્ડીયામાં રહેતો. ૧૯૯૭માં ભાવિની નામની કચ્છી યુવતી સાથે લગ્નગ્રંથીથી જોડાયાં. ભાવિનીબહેન ફ્રીલાન્સ પત્રકાર હતાં. નાટકો જોવાનો શોખ. અવાર-નવાર મુલાકાતથી એમનો પ્રેમ પાંગર્યો. ૧૯૯૮માં એમના દિકરા મનનનો જન્મ થયો. "લંડનમાં રહેવાનું અને મુંબઇમાં રોલ મળે એટલે મુંબઇ-લંડનના ચક્કર વધી જાય. પત્નીએ પુત્રને લઇને ઘર-ગૃહસ્થીની જવાબદારી એકલા હાથે સંભાળી. એક નાટ્યકાર તરીકે જીવનમાં સમતુલા જાળવવી મુશ્કેલ હતી. આર્થિક સંકડામણ સહિત અનેક અવરોધો ને સંઘર્ષોનો સામનો કરવો પડ્યો. આ લાઇનમાં ટકી રહેવા પત્નીનો સાથ ન હોય તો અઘરૂં થઇ જાય. પુત્રને મોટો થતો જોવાનું સૌભાગ્ય પણ મને નસીબ ન હતું. મારા શોખને પોષવા મને પૂરે પૂરો સાથ ભાવિનીએ આપ્યો અને મારી જાતને સંભાળવામાં મિત્રોનો સાથ. એ ન મળ્યો હોત તો હું તૂટી ગયો હોત! થીયેટર સિવાય મારો બીજો કોઇ વિષય ન હતો.” એમ તુષારભાઇએ પોતાના જીવનનો અર્ક રજુ કર્યો. છેલ્લે પત્ની પરણાવો સાવધાન લંડનમાં કર્યું હતું એમાં ડી.આર.શાહનો પારસીનો રોલ યાદગાર બની ગયો હતો. હવે લોકડાઉન બાદ પુન: નાટકના શ્રીગણેશ કર્યા છે. અભિનયકલામાં ઝાઝી કમાણી ન હતી એથી પત્નીની ઇચ્છા દિકરાને મારા ક્ષેત્રમાં મોકલવાની ન હતી પરંતુ એને ય એ વારસામાં મળ્યું છે એટલે એનાથી દૂર ન રહી શક્યો! હાલ એ ચીઝીકના આર્ટ થીયેટરમાંથી ત્રણ વર્ષનો કોર્સ કરી રહ્યો છે. બે વર્ષ પૂરા કર્યા અને છેલ્લા વર્ષમાં છે. બેસ્ટ સ્ટુડન્ટનો એવોર્ડ એને મળ્યો છે એથી અમે રાજી છે.

