ભારત યુનિયન ઓફ સ્ટેટ્સ એટલે કે સંઘરાજ્ય છે. ભારતીય બંધારણ અનુસાર રાજ્યો અને કેન્દ્રના વહીવટી વિષયો સ્પષ્ટ છે. કેટલાક વિષયો રાજ્ય અને સંઘની સંયુક્ત યાદીમાં આવે છે. ભારત અને ચીન અથવા ભારત અને પાકિસ્તાન માફક બે દેશ વચ્ચે સરહદી વિવાદ હોય તે સ્વાભાવિક છે પરંતુ, દેશના બે રાજ્યો વચ્ચે સરહદનો વિવાદની બાબત જ અજૂગતી જણાય છે. આ ઉપરાંત, કટ્ટર શત્રુ ચીનનો ડોળો અરુણાચલ અને સિક્કીમ સહિતના સરહદી રાજ્યો પર છે ત્યારે આવો વિવાદ વધુ ચિંતા ઉપજાવે તેવો છે.
ભારતના નોર્થ-ઈસ્ટ અટલે કે પૂર્વોત્તર આસામ રાજ્યને મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડ સાથે વર્ષોથી સરહદી વિવાદ છે અને આ રાજ્યો વચ્ચે અવારનવાર છમકલાં થયા કરે છે જેનો કોઈ અંત જણાતો નથી. હાલમાં આસામ અને મિઝોરમ વચ્ચે સરહદી વિવાદ રક્તરંજિત બની રહ્યો છે. બંને વાત એટલી વધી ગઈ હતી કે મિઝોરમ પોલીસે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વ સરમા વિરુદ્ધ દાખલ કરી દીધી અને આસામ રાજ્યે પોતાના નાગરિકોને મિઝોરમનો પ્રવાસ નહિ ખેડવાની સલાહ આપી હતી. મિઝોરમની સરહદે નાકાબંધી કરી દેવાયા સાથે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર પણ બંધ થઈ ગઈ હતી.
આઝાદી પછીના આસામ રાજ્યમાં વર્તમાન નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય અને મિઝોરમનો સમાવેશ થતો હતો. નોર્થ ઈસ્ટર્ન એરિયા (રિઓર્ગેનાઇઝેશન) એક્ટ ૧૯૭૧ હેઠળ નવા ત્રણ રાજ્યો મણિપુર, મેઘાલય અને ત્રિપુરા અસ્તિત્વમાં આવ્યા. આ ઉપરાંત, મિઝો શાંતિકરારને આધારિત મિઝોરમનું અલગ રાજ્ય ૧૯૮૭માં બન્યું હતું.
આસામ અને મિઝોરમ વચ્ચે ૧૬૫ કિલોમીટર લાંબી સરહદના વિવાદના મૂળમાં ૧૪૬ વર્ષ જૂનું નોટિફિકેશન છે. બ્રિટિશ શાસનમાં મિઝોરમનું નામ લુશાઇ હિલ્સ હતું અને તે આસામનો જ જિલ્લો હતું. ૧૯૩૩ના જાહેરનામાથી લુશાઈ હિલ્સ અને મણિપુર વચ્ચે સીમાંકન કરાયું હતું. સમસ્યા એ છે કે બંને જાહેરનામા અલગ અલગ સીમાંકન દર્શાવે છે. મિઝોરમવાસીઓને ૧૯૩૩નું નોટિફિકેશન માન્ય નથી. આસામના સરહદી વિસ્તારોમાં મોટે ભાગે બંગાળી મુસ્લિમો વસે છે અને પૂર્વોત્તર રાજ્યોમાં હિન્દુઓની જનસંખ્યાની સરખામણીએ મુસ્લિમોની વસ્તી ભારે ઝડપથી વધી રહી છે તેનાથી પણ જમીનો કબજે કરાવાની સમસ્યા વધી છે. કેન્દ્ર સરકારે સરહદી વિવાદની સમસ્યાને ઉકેલવા સેટેલાઈટ મેપિંગ દ્વારા સીમા વિવાદનું સમાધાન કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે આસામના મુખ્ય પ્રધાન સરમા અને મિઝોરમના ઝોરમાથંગાએ ફોન પર વાતચીત કરી મંત્રણા થકી વિવાદને અંત લાવવાની તૈયારી દર્શાવી છે તે સારું ચિહ્ન છે.
