શ્વેત બ્રિટિશરોનું ઓછું આયુષ્ય

Wednesday 04th August 2021 08:34 EDT
 

ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)નો સર્વે એમ જણાવે છે કે બ્રિટનમાં શ્વેત લોકોની સરખામણીએ વંશીય લઘુમતી સમુદાયના લોકોનું અપેક્ષિત આયુષ્ય વધુ હોય છે. આ અભ્યાસમાં જે આંકડાકીય ડેટાનો ઉપયોગ કરાયો છે તે કોરોના વાઈરસ મહામારીના સમય પહેલાનો છે અને સ્વભાવિક રીતે જ કોરોનાથી વંશીય લઘુમતી સમુદાયોની જીવનરેખા પર થયેલી ગંભીર અસરોનો તેમાં સમાવેશ થતો નથી.
યુકેના અન્ય તમામ વંશીય જૂથોની સરખામણીએ શ્વેત અને મિશ્ર જાતિના બ્રિટિશરોના જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય ઓછું હોવાનું ૨૦૧૧-૧૪ના આંકડાઓ સ્પષ્ટ કરે છે. એશિયન, બાંગલાદેશી અને અશ્વેત આફ્રિકન કોમ્યુનિટીના સભ્યો પ્રમાણમાં દીર્ઘ આયુષ્ય ધરાવે છે. શ્વેત, અશ્વેત અને એશિયન કોમ્યુનિટીઓ વચ્ચે આયુષ્યનો તફાવત શા માટે હોય તે પણ જાણવું જરૂરી છે. યુકે આવેલા માઈગ્રન્ટ્સની વાત કરીએ તો તેમના મૂળ દેશોમાં રહેતા હતા તે પેઢીના લોકોનું અપેક્ષિત આયુષ્ય ઓછું હતું. સ્વાભાવિક રીતે શ્વેત લોકો બ્રિટનના મૂળ નિવાસીઓ છે અને તેઓ દેશમાં ઠરીઠામ થઈને રહ્યા હોય તે સંજોગોમાં તેમના પર અન્ય દેશમાં, અન્ય લોકો સાથે કેવી રીતે રહેવાસે તેવો કોઈ અજંપો સતાવતો ન હોય. અલ્પ આયુષ્ય રહેવામાં પણ ઘણાં પરિબળો કામ કરે છે. આમાં લાઈફ સ્ટાઈલ અને સામાજિક-આર્થિક સંજોગોની મોટી ભૂમિકા રહે છે.
આમ જોઈએ તો અત્યાર સુધી ભારતીય ઉપખંડના ત્રણ દેશ- ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશના લોકોનું આયુષ્ય ઓછું રહેતું હતું પરંતુ, મેડિસીન ક્ષેત્રની હરણફાળના લીધે રોગો કાબુમાં આવવાનો લાભ તેમને મળ્યો છે અને હવે લોકો વધારે જીવી શકે છે. શ્વેત લોકોમાં મોડી રાત સુધીની પાર્ટીઓ, શરાબપાન, ધૂમ્રપાન અને કેસિનોમાં જુગારના વળગણનું વધુ પ્રમાણ જોવાં મળે છે જેની સીધી અસર તેમના આરોગ્ય અને પરિણામે આયુષ્ય પર પડે છે. વ્હાઈટ સ્ત્રીઓની સરખામણીએ મોટા ભાગની વંશીય લઘુમતી સ્ત્રીઓમાં સ્મોકિંગ અને શરાબપાનનું પ્રમાણ ઓછું હોય છે. શ્વેત લોકોમાં કેન્સરથી તેમજ વંશીય લઘુમતી અને અશ્વેત લોકોમાં ડાયાબિટીસ તથા હાર્ટ એટેક અને બ્રેઈન સ્ટ્રોક જેવા રોગોથી મોતનું પ્રમાણ વધારે રહે છે.
અન્ય મહત્ત્વનું પરિબળ ઘણી પેઢીના પરિવારનું છે. ભારતીય સહિતના મોટા ભાગના એશિયનો સંતાનો સાથે રહેતા હોય છે આ સિવાય, દેશી લોકોની સરખામણીએ ગોરાં લોકો વધુ અતડા રહે છે, પડોશીઓ સાથે ઓછો સંબંધ રાખે છે. તેમના સુખ-દુઃખની વાતો સાંભળનારા લોકો પણ ઓછાં હોવાથી તેમને એકલતા કોરી ખાય છે. જીવનમાં નિરાશા અને ફરિયાદો ન રહે, મન પ્રફુલ્લિત રહે તો લોકો આયુષ્ય નિઃશંકપણે દીર્ઘજીવી રહી શકે છે.


comments powered by Disqus