સતત છ વર્ષથી વિદેશી વેચાણમાં નોંધપાત્ર વિકાસ હાંસલ કરનારી લેસ્ટર સ્થિત Cofresh એ આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટે ક્વિન્સ એવોર્ડ મેળવ્યો છે. ૨૦૧૫ થી Cofreshના વિદેશમાં વેચાણમાં લગભગ આઠ ગણો વધારો નોંધાયો હતો. તે જર્મની, ઓસ્ટ્રેલિયા અને સ્વીત્ઝર્લેન્ડ સહિત ૫૦ દેશમાં નિકાસ કરે છે. તેની સફળતા પડોશી દેશો પર વિશેષ ધ્યાન સાથે અસરકારક કોમર્શિયલ સ્ટ્રેટેજીને આભારી છે.
Cofreshએ ૧૯૭૪માં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. તેમાં ૨૩૦નો સ્ટાફ કાર્યરત છે. તે યુકેની ટોચની ઈન્ડિયન સ્નેક બ્રાન્ડ અને ઉત્પાદક છે. તે ૨૦૦થી વધુ વિવિધ પ્રકારની નાસ્તાની આઈટમો બનાવે છે.
૨૦૧૫માં Cofreshએ ખૂબ સફળ Eat Real બ્રાન્ડ હેઠળ હેલ્ધી સ્નેક્સ કેટેગરીમાં પ્રોડક્શન શરૂ કર્યું હતું. ત્યારથી Eat Real બ્રાન્ડ પૌષ્ટિક નાસ્તાની બ્રાન્ડ્સમાં યુકેની એક સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ તરીકે લોકપ્રિય બની છે. ૨૦૨૦માં વાઈબ્રન્ટ ફૂડ્સે Cofresh હસ્તગત કરી હતી અને TRS, East End Foods, Fudco અને Everest Dairies વિખ્યાત બ્રાન્ડ્સના પોર્ટફોલિયોમાં તેનો સમાવેશ કર્યો હતો. આ બધી બ્રાન્ડ્સ સાથે વાઈબ્રન્ટ ફૂડ્સ યુરોપનો અગ્રણી અને બ્રાન્ડેડ એશિયન ફૂડ બિઝનેસીસ પૈકીનો એક બન્યો છે.
આ વર્ષની શરૂઆતમાં Eat Real એ નવું સ્નેક્સ ગ્રૂપ બનાવવા માટે PROPER સાથે ભાગીદારી કરી હતી. જોકે, બન્ને બ્રાન્ડ અલગ રહેશે.
દર વર્ષે જાહેર કરાતા ક્વિન્સ એવોર્ડ યુકેના બિઝનેસીસ માટે ખૂબ પ્રતિષ્ઠિત હોય છે. વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરવા બદલ આ એવોર્ડ અપાય છે. વિજેતાઓ આ એવોર્ડ મેળવે તે પછી પાંચ વર્ષ સુધી તેના રાજચિહ્નનો ઉપયોગ કરી શકે છે.
Cofreshના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર પ્રિયેશ પટેલે જણાવ્યું હતું કે આ સફળતા તેમને રાતોરાત મળી નથી. વર્ષોની સખત મહેનતનું આ ફળ છે. મારા પરિવાર અને ટીમે જે હાંસલ કર્યું છે તેનો મને ખૂબ ગર્વ છે. આ એવોર્ડ તેમના કારણે મળ્યો છે. જે તેમના પરીશ્રમ, કાર્યપદ્ધતિ અને સપોર્ટને દર્શાવે છે.
તેમણે ઉમેર્યું, ' આ સિદ્ધિના આધારે આગળ વધવા અને ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય ફલક પર અમારી હાજરીને વધુ મજબૂત બનાવવા અમે ઉત્સાહી છીએ.'

