ઓલિમ્પિક્સ પર છવાયા સંકટના વાદળઃ જાપાને ચાર શહેરોમાં કટોકટી જાહેર કરી

Wednesday 05th May 2021 10:08 EDT
 
 

મુંબઈઃ જાપાનમાં ઓલિમ્પિક્સના ત્રણ મહિના બાકી છે ત્યારે ઓલિમ્પિક્સનું આયોજન થવાનું છે તે ટોકિયો અને બીજા ત્રણ એમ કુલ ચાર શહેરોમાં વાઇરલ ઇમરજન્સી જાહેર કરી છે. જાપાનમાં બીજા દેશોની તુલનાએ કોરોનાનો રાષ્ટ્રીય સ્તરે ખાસ ફેલાવો નથી, પરંતુ તાજેતરમાં કેસોમાં આવેલા ઉછાળાના લીધે અધિકારીઓ અને તબીબી વ્યવસાયિકોને ચિંતા થઈ છે. સરકાર અને ઓલિમ્પિક્સના આયોજકો ભારપૂર્વક કહી રહ્યા છે કે ઓલિમ્પિક્સ યોજાશે તેના વચ્ચે આ પ્રકારની પરિસ્થિતિ છે.
વડાપ્રધાન યોશિહિડે સુગાએ જાહેરાત કરી હતી કે આજે અમે ટોકિયો, ક્યોટો, ઓસાકા અને હ્યોગોમાં કટોકટીની જાહેરાત કરીએ છીએ. તેમણે આ માટે નવા વાઇરસ વેરિયન્ટના ચેપમાં થયેલા નોંધપાત્ર વધારાનું કારણ આપ્યું હતું. આ પગલા ૨૫ એપ્રિલથી ૧૧ મે સુધી જારી રહેશે. વાઇરસ રિસ્પોન્સ માટેના દેશના પ્રધાન યાસુતોશી નિશિમુરાએ અગાઉ કટોકટીની ચેતવણી આપતા જણાવ્યું હતું કે હાલના પ્રતિબંધો પૂરતા નથી.
આ પગલા જાપાને જાન્યુઆરીમાં લાદેલી છેલ્લી કટોકટી કરતાં પણ આકરાં પગલાં હશે. છતાં પણ આ પગલાં વિશ્વમાં કેટલાક સ્થળોએ આકરુ લોકડાઉન લાદવામાં આવ્યું છે તેના જેવા તો નહીં જ હોય. સત્તાવાળાઓ ઇચ્છે છે કે બાર અને રેસ્ટોરા આલ્કોહોલનું વેચાણ ન કરે અથવા તો બંધ રહે. આ ઉપરાંત મોલ્સ જેવી મોટી કોમર્સિયલ ફેસિલિટી બંધ રાખે. યોગાનુયોગ એ છે કે આ પગલા જાપાનના ગોલ્ડન વીક હોલિડે દરમિયાન લેવામાં આવશે. આ સમયગાળાને જાપાનનો એકદમ વ્યસ્ત ટ્રાવેલ પીરિયડ માનવામાં આવે છે. આ હિલચાલને મર્યાદિત કરવા માટે બસ અને ટ્રેનની સર્વિસમાં અમુક પ્રકારનો કાપ આવી શકે છે. પ્રેક્ષકોને પણ ઓપન સ્પોર્ટ્સ ઇવેન્ટમાં નહીં જવા દેવાય. આ રમતો બંધબારણે રમાશે. બાર્સ અને રેસ્ટોરા વહેલા બંધ કર્યા પછી ગલીઓમાં પણ ડ્રિન્કિંગ બંધ કરવામાં આવશે. જાપાનમાં અત્યાર સુધીમાં કોરોનાના કેસની સંખ્યા સાડા પાંચ લાખને વટાવી ગઈ છે અને તેનાથી મોતનો આંકડો દસ હજારને સ્પર્શવાની તૈયારીમાં છે.


comments powered by Disqus