જો બાઈડેનને ટેગ કરીને પ્રિયંકાએ લખ્યું ......
નીક જોનાસ સાથે લગ્ન કરીને અમેરિકામાં રહેતી પ્રિયંકા ચોપરા હાલ કોરોનામાં ભારતની પરિસ્થિતિને લઈને વ્યથિત જણાઈ હતી. સોશિયલ મીડિયા પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને ટેગ કરીને પ્રિયંકા ચોપરાએ લખ્યું હતું કે, ‘મારા દેશની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.’ પ્રિયંકાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી અમેરિકાના રાષ્ટ્રપતિ, જો બાઈડનના ચીફ સેક્રેટરી અને વ્હાઈટ હાઉસના નેશનલ સિક્યુરિટી એડવાઇઝરને ટેગ કર્યા છે. ભારત કોવિડ-૧૯થી પીડિત છે અને અમેરિકાએ જરૂરિયાત કરતા વધારે ઓર્ડર કર્યો છે. દુનિયાભરમાંથી એસ્ટ્રાજેનેકા ભેગી કરવા માટે તમારો આભાર. પરંતુ મારા દેશની પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. શું તમે તત્કાળ મારા દેશને વેક્સિન આપશો# vaxlive.’ ખૂબ જ ભાવૂક થઈને પ્રિયંકાએ મદદ માટે અમેરિકા પાસે હાથ લંબાવ્યો હતો. તેની પોસ્ટ પરથી સ્પષ્ટ જોઈ શકાય છે કે તે ભારતમાં કોરોનાની પરિસ્થિતિથી ખૂબ જ વ્યથિત છે.
અજયે કોવિડ આઈસીયુ માટે સહાય કરી
કોરોનાકાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવતી સેલિબ્રિટિઝમાં અજય દેવગન પણ સામેલ થયો છે. સંક્રમિત વ્યક્તિઓ માટે ઓક્સિજન સિલિન્ડર્સ અને હોસ્પિટલમાં બેડ્સની ખૂબ જ શોર્ટેજ છે. ત્યારે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને અજયે મુંબઈના શિવાજી પાર્કમાં ૨૦ બેડનું કોવિડ - ૧૯ આઈસીયુ સ્થાપવા માટે તેની ઓર્ગેનાઈઝેશન એનવાય ફાઉન્ડેશન મારફતે બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનને આર્થિક સહાય કરી છે.
ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સ હોલ ખાતે આ હંગામી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તે પેરા મોનિટર્સ, વેન્ટિલેટર્સ, ઓક્સિજન સપોર્ટથી સજ્જ છે અને હિન્દુ હોસ્પિટલના ડોક્ટર્સ દ્વારા ઓપીડી સંચાલિત કરવામાં આવશે.
દેવગણ સિવાય ફિલ્મમેકર્સ આનંદ પંડિત, બોની કપૂર, લવ રંજન, રજનીશ ખનુજા, લીના યાદ અને અશીમ બજાજે પણ બૃહદ મુંબઈ મ્યુનિ. કોર્પો.ના બિઝનેસ ડેવલપમેન્ટ સેલ ‘સ્માઈલી એકાઉન્ટ’ને એક કરોડ રૂપિયાથી વધુની સહાય કરી છે.
સુનિલ શેટ્ટીએ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ પૂરા પાડવા પહેલ કરી
સુનિલ શેટ્ટી પણ કોવિડ ક્રાઈસિસમાં આશાનું કિરણ બન્યો છે. તે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ ફ્રીમાં પૂરા પાડવા માટેની પહેલમાં જોડાયો છે. તેણે લખ્યું હતું કે, ‘આપણે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ જે રીતે આપણા લોકોએ એકબીજાને મદદ કરવા માટે હાથ મીલાવ્યા છે એ આશાનું એક કિરણ છે.’ તેણે ફોલોઅર્સને તેની મદદ મેળવવા માટે પણ જણાવ્યું હતું. તેણે લખ્યું હતું કે ‘મારા તમામ ફ્રેન્ડ્સ અને ફેન્સને અપીલ છે કે, જો તમને જરૂરિયાત હોય તો, જો તમે કોઈ વ્યક્તિને જરૂરિયાત હોવાનું જાણતા હોય કે પછી તમે યોગદાન આપવા ઇચ્છતા હોય અને આ મિશનનો ભાગ બનવા માગતા હોય તો મને ડાયરેક્ટ મેસેજ કરજો. પ્લીઝ આ મિશન શક્ય હોય તેટલું આગળ વધારો અને તેમને મદદ કરવામાં અમને મદદ કરો.'
અક્ષય-ટ્વિન્કલ ખન્ના દ્વારા ઇંગ્લેન્ડથી ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા
કોરોના મહામારીમાં દેશવાસીઓની મદદે હવે બોલિવૂડ સેલિબ્રિટી અક્ષય કુમાર અને તેની પત્ની ટ્વિન્કલ ખન્ના આવ્યા છે. દેશમાં ઓક્સિજનની અછત મુદ્દે અક્ષયકુમારે અને તેની પત્ની ટ્વિન્કલ ખન્નાએ ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટર ડોનેટ કરવાનો નિર્ણય કર્યો છે. ટ્વિન્કલે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આપી છે. ઓક્સિજન કોન્સન્ટ્રેટર એક મેડિકલ ડિવાઈસ છે. આ ડિવાઈસ વાતાવરણની હવામાંથી ઓક્સિજન અલગ કરે છે. તેનું રેન્જિંગ ૧થી ૧૦ લિટર પ્રતિ મિનિટ હોય છે. આ પોર્ટેબલ ડિવાઈસ છે. તેની કિંમત ૪૦ હજારથી ૯૦ હજાર રૂપિયા સુધીની હોય છે. ઓક્સિજન સિલિન્ડર કરતા કોન્સન્ટ્રેટર મોંઘા આવે છે. ટ્વિન્કલ ખન્નાએ પોસ્ટ શેર કરીને લખ્યું, ‘એક ગુડ ન્યૂઝ છે. લંડન એલીટ હેલ્થના ડો. દુર્શિન્કા પટેલ અને ડો. ગોવિંદ બંકાની દૈવિક ફાઉન્ડેશનના માધ્યમથી ૧૨૦ કોન્સન્ટ્રેટર દાન કરી રહ્યાં છીએ. મેં અને અક્ષયે ૧૦૦ ઓક્સિજન કોન્સન્ટ્રેટરની વ્યવસ્થા કરી છે. અમારી પાસે ટોટલ ૨૨૦ કોન્સન્ટ્રેટર થઈ ગયા છે. લીડ્સ માટે આભાર. ચાલો બધા મદદ કરીએ.’ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ અક્ષયે એક સંસ્થાને એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.