કોરોનાને હરાવવા માટે અમેરિકાથી સારા સમાચાર આવ્યા છે. ભારતમાં વિકસાવાયેલી વેક્સિન કોવેક્સિન કોરોના વાઈરસનાં નવા B.૧.૬૧૭ વેરિઅન્ટ કે ભારતીય ડબલ મ્યૂટન્ટને નિષ્ક્રિય કરવા સક્ષમ હોવાનું અમેરિકાનાં વાયરોલોજીસ્ટ ડો. એન્થની ફૌસીએ જણાવ્યું છે. ડો. ફૌસી વ્હાઈટ હાઉસનાં મુખ્ય મેડિકલ એડવાઈઝર પણ છે. ફૌસીનો દાવો સાચો હોય તો ભારત માટે તે ગૌરવ લેવા જેવી વાત છે. વિશ્વનાં અનેક દેશો હાલ કોરોના વેક્સિન બનાવવા મચી પડયા છે ત્યારે ભારત જેવી શક્તિશાળી વેક્સિન અન્ય કોઈ દેશ બનાવી શક્યો નથી. કોરોનાનું ૬૧૭ વેરિઅન્ટ હાલ ૧૭ દેશોમાં ફેલાયું છે.
વેક્સિનેશન મહત્ત્વનું
ફૌસીએ કહ્યું હતું કે જે લોકોએ કોવેક્સિન વેક્સિન લીધી છે તેવા લોકોમાં તે કોરોના વાઈરસનાં નવા ૬૧૭ વેરિઅન્ટ નિષ્ક્રિય બનાવે છે. અમે દરેક સ્થળેથી જુદા-જુદા ડેટા એકઠા કરીએ છીએ પણ કોવેક્સિનની માહિતી પ્રોત્સાહક-ઉત્સાહવર્ધક છે. તે કોરોનાનાં ૬૧૭ વેરિઅન્ટનો નાશ કરે છે. તેમણે કહ્યું કે ભારતમાં વેક્સિનેશન ખુબ મહત્વનું પૂરવાર થશે.
કોવેક્સિન SARS-COV-૨ કોરોના વાઈરસ સામે લડવા ઈમ્યુન સિસ્ટમને એન્ટીબોડી બનાવવા મદદ કરે છે. એન્ટીબોડીઝ સપાટી પર રહેનાર કથિત સ્પાઈક પ્રોટિન્સની જેમ વાઈરલ પ્રોટિન સાથે જોડાયેલ હોય છે, જે વાઈરસનો નાશ કરે છે.
૬૧૭ વેરિઅન્ટ શું છે?
ભારતમાં કોરોનાનાં કેસમાં અચાનક આવેલા ઉછાળા માટે વાઈરસનાં નવા વેરિઅન્ટ ૬૧૭ને જવાબદાર ગણવામાં આવે છે. આ વેરિઅન્ટના સૌથી વધુ કેસ દિલ્હી અને મહારાષ્ટ્રમાં જોવા મળે છે. કોવેક્સિન ડબલ મ્યુટન્ટ સામે પણ અસરકારક પૂરવાર થઈ છે. બ્રાઝિલ વેરિઅન્ટ, યુકે વેરિઅન્ટ તેમજ સાઉથ આફ્રિકાન વેરિઅન્ટ સામે પણ તે અસરકારક છે.