બસ, હવે ખમૈયા કરો...

તુષાર જોશી Wednesday 05th May 2021 10:13 EDT
 

કરો ખમૈયા કરો, મહાકાળના કાળ તમે
વિકરાળ રૂપ કાં ધરો? કરો ખમૈયા કરો...
કવિ કૃષ્ણ દવેની આ ગીત રચના હમણાં આપણા સુધી પહોંચી. આવી જ પ્રાર્થનામય રચનાઓ કવિ તુષાર શુક્લ અને અન્યોએ પણ લખી છે. એમાં સમાયેલી પ્રાર્થનાના ભાવમાં હૃદયનો ભાવ ભેળવી અસ્તિત્વને રોજ કહું છું કે હવે ખમૈયા કરો, રક્ષા કરો. માનવ માત્રનું કલ્યાણ કરો...
આવું કંઈ સર્જનાત્મક પ્રસારિત થાય તો એમાં મોટા ભાગે લોકોના તાર જોડાય પણ છેલ્લા થોડા વર્ષોથી આપણે સહુ જે રીતે વિનામૂલ્યે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણને જ ચિંતા ઉપજાવે એવા છે. આપણે જ ખુદને કહેવું પડે કે ખમૈયા કરો એવી કેટકેટલી ઘટનાઓ બને છે. આજે આવી થોડી વાતો ઉપર લખેલું ગીત વાંચીને જુદા સંદર્ભમાં હૈયામાં આવી તે પ્રસ્તુત છે.
છેલ્લા થોડા વર્ષોથી આપણે સહુ (હું મારી જાતને પ્રથમ મૂકી ચાલું છું) સોશિયલ મીડિયાના વધુ પડતા, બિનજરૂરી ઉપયોગ તરફ વળ્યા હોય એવું લાગે તો સ્વીકારીએ કે હવે ખમૈયા કરો...
સાચો સમાજ ઉપયોગી, પ્રજા કલ્યાણલક્ષી ઉપયોગ કરવાના બદલે એમાં વિવેક ચૂકીને વ્યક્તિગત ગમા-અણગમા, આરોપો, બેજવાબદાર શબ્દો કે ચિત્રો... તરફ વળ્યા હોઈએ એવું લાગે તો સ્વીકારીએ કે હવે ખમૈયા કરો...
રોજ ધર્મસ્થાનોના ફોટા, રેડીમેઇડ સ્ટીકર્સને સૂત્રો બસ મોકલ્યા જ કરવાના? આપણા ઘરમાં ધાર્મિક તસવીરો કે કેલેન્ડરો ક્યારેય કચરા પેટીમાં નથી નાખતા તો સામેના માણસોને શા માટે આપણી શ્રદ્ધાના ફોટા કે દર્શન મોકલીને, ડિલીટ બોક્સમાં નાખવા એને મજબૂર કરીએ? આપણી શ્રદ્ધા આપણા પૂરતી કે ચોક્કસ ગ્રૂપ પૂરતી જ રાખીએ... આવું થાય ત્યારે થાય કે હવે ખમૈયા કરો...
વિશેષ હેતુ માટે ગ્રૂપ બનાવાય તો બરાબર, લોકો પૂછ્યા વિના દેશ-વિદેશના નંબરો એડ કરીને ગ્રૂપ બનાવે ત્યારે થાય કે હવે ખમૈયા કરો...
એકના એક મેસેજ રિપીટ થાય, માર્કેટમેં બિલકુલ નયા હૈ, વિશ્વ કલ્યાણ હેતુ યે શ્રૃંખલા મત તોડીએ... આપ દસકો ભેજો ઔર પરિણામ મીલેગા, બ્રેકિંગ ન્યૂઝ, In Last 24 Hours આવું આવું ન જાણે કેટલુંયે લખેલું એક જ ગ્રૂપમાં વળી પાછા ૯-૧૦ જણ ફોરવર્ડ કરે ત્યારે થાય કે હવે ખમૈયા કરો... જે મેસેજ મોકલો છો એમાં હેતું સારો જ હોય, પણ એ નામ-નંબર વિગતની ચકાસણી તો કરીએ.. કોરોનાકાળમાં ૨૦૨૧માં આ વર્ષમાં પણ ઉત્સાહીઓ ૨૦૨૦ માર્ચ એપ્રિલના મેસેજ ને વીડિયો મોકલે છે એવા બનાવો બન્યા છે. બધું ફોરવર્ડ કરવાની લ્હાયમાં સચ્ચાઈ ચૂકી જતાં હોઈએ તો કહેવાનું મન થાય કે ખમૈયા કરો...
જાત જાતના નુસખાઓ, પ્રયોગો, ભોજનની વાનગીઓ, સંદેશાઓને ફિલ્મ જગતના કે વિશ્વભરના સમાચારો... એકને અનુકૂળ હોય એ બધાને કામના ન પણ હોય... તોયે ફોરવર્ડ ફોરવર્ડ કરવામાં ટાઇમ પાસ કરતા હોઈએ તો કહેવાનું મન થાય કે હવે ખમૈયા કરો...
અત્યારે આખુંય વિશ્વ ડર સાથે જીવે છે તેવા સમયે આ મીડિયાનો હકારાત્મકતા સાથે યોગ્ય ઉપયોગ થાય તો ઉત્તમ છે, પણ એની સાથે જોક્સ, આજની વાનગી વગેરે વગેરે આવે ત્યારે દુઃખી અને વ્યથિત હૈયે આપણે જ કહીએ હવે ખમૈયા કરો... માનો કે કોઈ એક માણસને સાહિત્યમાં રસ છે, તે સાહિત્યના મેસેજ એ જ ગ્રૂપમાં મૂકે અથવા એવા પાંચને મોકલે તો સારી વાત છે, પણ જેને કાંઈ લેવા દેવા નથી એને શા માટે મોકલવા? એક માણસ વિરોધી હોય એટલે બધા જ હોય? કમ સે કમ આ વાતનું સાર્વજનિકરણ તો રોકી શકાયને...
આવી સો બાબતો તમે પણ શોધી શકશો... જે વાતો લખાઈ છે, બાકી રહી ગઈ છે એમાં મારી જાતને પણ જાગૃતપણે કહું કે હવે ખમૈયા કરો... તો સાચા અજવાળા રેલાશે...


comments powered by Disqus